ચાલુક્ય રાજ્યો : લાટ, સૌરાષ્ટ્ર, બદામી તથા આંધ્રપ્રદેશના પ્રદેશોનો શાસનકર્તા રાજવંશ. આ રાજાઓના ધ્વજ ઉપર વરાહ અવતારનું ચિહ્ન હતું તેથી તેઓ વૈષ્ણવ હશે એમ મનાય છે.
ચાલુક્ય રાજ્યો : આ વંશના રાજાઓનાં બદામી ખાતે (ઈ. સ. 540—632), દક્ષિણ ગુજરાત(લાટ)માં નવસારી ખાતે (ઈ. સ. 671—740), સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં (770—900), આંધ્રપ્રદેશમાં વેંગીમાં (ઈ.સ. 632—999) અને કલ્યાણમાં (ઈ.સ. 974—1198) વિવિધ રાજ્યો હતાં.
બદામીના ચાલુક્યો : આ વંશનો પહેલો રાજા જયસિંહ ઈ.સ.ની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયો. તેનો અનુગામી રણરાગ હતો. તેના પુત્ર પુલકેશી પહેલાએ ઈ.સ. 540માં વાતાપિ(બદામી)ને રાજધાની તરીકે પસંદ કર્યું હતું. તેણે સ્વતંત્ર રાજ્ય સ્થાપી અશ્વમેધ વગેરે યજ્ઞો કર્યા હતા. તેના પુત્ર કીર્તિવર્માએ (ઈ.સ. 566થી 597) ગોવાના કદંબ, કોંકણના મૌર્ય તથા નલવંશી રાજાઓને હરાવીને કોંકણ, બેલ્લારી અને કુર્નુલ જિલ્લાના પ્રદેશો જીત્યા હતા. તેનો અનુગામી પુલકેશી બીજો ઈ.સ. 610માં ગાદીએ બેઠો. તેણે કદંબવંશી રાજાઓની રાજધાની વનવાસી જીતી હતી. મૈસૂરના ગંગ, ઉત્તર કોંકણના મૌર્ય, માલવ તથા ગુર્જરોને અંકુશમાં રાખ્યા હતા. લાટ જીત્યા બાદ તેણે સમ્રાટ હર્ષવર્ધનને (કનોજ) નર્મદાના કિનારે ઈ.સ. 630માં હાર આપીને તેની વિજયકૂચ અટકાવી હતી. પૂર્વમાં કલિંગ તથા કોશલના રાજાઓએ તેનું આધિપત્ય સ્વીકાર્યું હતું. દક્ષિણમાં તેણે આંધ્રના વેંગી તથા તમિળનાડુના પલ્લવોને હરાવ્યા હતા. કાવેરી નદી ઓળંગી ચોલ, કેરલ અને પાંડ્ય રાજ્યોને હરાવીને તે દક્ષિણાધિપતિ થયો હતો. ઈ.સ. 642માં પલ્લવ રાજા નરસિંહ વર્માએ વાતાપિ ઉપર ચડાઈ કરી, તેને હરાવી વાતાપિમાં લૂંટ ચલાવી હતી. આ યુદ્ધમાં પુલકેશી બીજો મરાયો હતો. આ વંશના કુલ 11 રાજા થઈ ગયા.
નવસારીના ચાલુક્યો : પુલકેશી બીજાએ તેના નાના ભાઈ ધરાશ્રય જયસિંહને દક્ષિણ લાટ, ઉત્તર કોંકણ અને નાશિક જિલ્લાનું રાજ્ય સોંપ્યું હતું. આ વંશની આ શાખા ઈ.સ. 671માં સત્તારૂઢ થઈ હતી. જયસિંહે દક્ષિણ લાટનો હવાલો યુવરાજ શીલાદિત્યને સોંપ્યો હતો. જયસિંહે વલભીના મૈત્રક રાજા શીલાદિત્ય ત્રીજાને હરાવીને મહી અને નર્મદા વચ્ચેનો પ્રદેશ જીત્યો હતો. યુવરાજ શીલાદિત્યની રાજધાની નવસારિકા (નવસારી) હતી. તેનાં ઈ. સ. 671 અને 693નાં બે તામ્રપત્રો મળ્યાં છે. શીલાદિત્યનું અચાનક અવસાન થતાં અવનિજનાશ્રય પુલકેશી ગાદીએ બેઠો. આ પરાક્રમી રાજાએ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત જીતી લઈને દક્ષિણાપથ તરફ આગેકૂચ કરી હતી. તેણે સિંધની આરબ ફોજને હાર આપી તેમની આગેકૂચ અટકાવી હતી. તેનાં ‘દક્ષિણાપથ સાધાર’, ‘ચલુર્કિકકુલાલંકાર’, ‘પૃથ્વીવલ્લભ’ અને ‘અતિવર્તક-નિવર્તમિતા’ જેવાં બિરુદો હતાં. ઈ. સ. 740નું કામરેજ વિષયનું દાન અંગેનું તામ્રપત્ર મળ્યું છે. ત્યારબાદ રાષ્ટ્રકૂટોએ ચાલુક્યોની સત્તા દક્ષિણ ગુજરાતમાંથી નિર્મૂળ કરી હતી.
સૌરાષ્ટ્રના ચાલુક્યો : આ વંશના રાજાઓની વિગત ઈ.સ. 900ના અવનિવર્મા બીજાના દાનશાસનમાંથી મળે છે. આ રાજ્યના પ્રથમ રાજા કલ્લ અને મલ્લ નામના બે ભાઈઓ હતા. (770થી 790). કલ્લના પુત્ર રાજેન્દ્ર (ઈ.સ. 790થી 810) પછી તેના પુત્ર બાહુકધવલે ‘રાજાધિરાજ’ અને ‘પરમેશ્વર’ બિરુદવાળા રાજાઓને તથા બંગાળના પાલરાજા ધર્મપાલને તથા કર્ણાટકના અમોઘવર્ષને ગુર્જર પ્રતિહાર રાજા નાગભટ બીજાના સહાયક તરીકે હરાવ્યા હોવાનું જણાય છે. તેનો રાજ્યકાળ ઈ.સ. 810થી 844 આસપાસનો હોવાનો અંદાજ છે. બાહુકધવલ પછી તેના પુત્ર અવનિવર્મા પહેલાએ લગભગ ઈ.સ. 865 સુધી રાજ્ય કર્યું. તેના પુત્ર બલવર્માનું ઈ.સ. 892નું દાનશાસન મળે છે. તે ગુર્જર પ્રતિહાર ભોજના ઉત્તરાધિકારી મહેન્દ્રપાલનો મહાસામંત હતો. તેણે વિષઢ અને હૂણ રાજા જજ્જપને હરાવ્યા હતા. ઈ.સ. 900 પછી આ રાજ્યનો કોઈ ઉલ્લેખ મળતો નથી.
પૂર્વના ચાલુક્યો : પૂર્વના ચાલુક્યોના રાજ્યનો સ્થાપક પુલકેશી બીજાનો ભાઈ યુવરાજ વિષ્ણુવર્ધન હતો. તેનું રાજ્ય કૃષ્ણા અને ગોદાવરી નદીઓ વચ્ચેના પ્રદેશમાં હતું. આ રાજ્યની સ્થાપના ઈ. સ. 632માં થઈ હતી. આ રાજ્યની રાજધાની વેંગી હતી. તેણે ભારતના પૂર્વ કિનારાનાં રાજ્યો જીતવામાં પુલકેશી બીજાને સહાય કરી હતી. તેણે ઈ. સ. 615થી 633 સુધી રાજ્ય કર્યું હતું. તેના અનુગામીઓમાં જયસિંહ બીજાએ 696થી 709 સુધી રાજ્ય કર્યું હતું. તેના અનુગામી વિષ્ણુવર્ધન ત્રીજાએ ઈ.સ. 709થી 746 સુધી રાજ્ય કર્યું હતું. તેણે વિજયવાડા(બેઝવાડા)ના જૈન મંદિરને ઈ.સ. 762માં સહાય કરી હતી.
વિષ્ણુવર્ધન ત્રીજા પછી તેના પુત્ર વિજયાદિત્ય પહેલાએ ઈ.સ. 746થી 764 અને વિષ્ણુવર્ધન ચોથાએ ઈ.સ. 799 સુધી લગભગ 36 વરસ રાજ્ય કર્યું હતું. રાષ્ટ્રકૂટ રાજા ગોવિંદ બીજાને વેંગીના રાજાએ તેના ભાઈ ધ્રુવ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. તેથી ગોવિંદની હાર પછી વેંગીના રાજા સામે આક્રમણ કરી તેણે તેને હરાવ્યો હતો. વિષ્ણુવર્ધન ચોથા પછી વિજયાદિત્ય બીજાએ 48 વરસ રાજ્ય કર્યું હતું. તેના અનુગામી વિષ્ણુવર્ધન પાંચમાએ આશરે 20 વરસ અને તેના મૃત્યુ પછી વિજયાદિત્ય ત્રીજાએ 44 વરસ રાજ્ય કર્યું હતું. તેણે પલ્લવો પાસેથી કાંસ જીત્યું હતું અને પાંડ્ય અને ચોલ રાજ્યોએ તેની સત્તા સ્વીકારી હતી. આ ઉપરાંત તેણે રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ બીજો, કલચુરીનો સંકુક અને બસ્તરના રાજાને હરાવ્યા હતા.
વિજયાદિત્ય ત્રીજાના અનુગામી વિક્રમાદિત્યના પુત્ર ભીમે ઈ.સ. 892–922 સુધી રાજ્ય કર્યું. તે ગરીબો અને તપસ્વીનો આશ્રયદાતા હતો. આ પછી થઈ ગયેલા રાજવીઓમાં યુદ્ધમલ્લે ઈ.સ. 930–36 દરમિયાન રાજ્ય કર્યું. આ રાજાના શાસન દરમિયાન રાષ્ટ્રકૂટ રાજાએ આંધ્રપ્રદેશનો ઘણોખરો ભાગ જીતી લીધો હતો. રાષ્ટ્રકૂટોની સહાય હોવા છતાં ચાલુક્ય ભીમ બીજાએ આ રાજાને ગાદીત્યાગ કરવા ફરજ પાડી. ચાલુક્ય ભીમ બીજાએ ઈ.સ. 935–46 સુધી 12 વરસ રાજ્ય કર્યું. તેનો અનુગામી પુત્ર અમ્મ બીજો બારમે વરસે ઈ.સ. 940માં ગાદીએ બેઠો. આ રાજાએ રાજમહેન્દ્રી શહેર વસાવ્યું. આ રાજા વેંગી અને કલિંગનો અધિપતિ હતો.
ઈ. સ. 973–99 સુધી વેંગીમાં સ્થિર શાસન ન હતું અને 999માં આ રાજ્યનો અંત આવ્યો હતો.
કલ્યાણના ચાલુક્યો : કલ્યાણ(કલ્યાણી)ના ચાલુક્યોના મૂળ પુરુષ રાજા કીર્તિવર્મન બીજાના કાકા ભીમ હતા. ભીમની પછી કીર્તિવર્મન ત્રીજો, તૈલપ પહેલો, વિક્રમાદિત્ય ત્રીજો, ભીમ બીજો, અય્યન પહેલો અને વિક્રમાદિત્ય ચોથો ઈ.સ. 757થી 957 દરમિયાન થઈ ગયા. વિક્રમાદિત્ય ચોથો અને ત્રિપુરીના કલચુરી વંશના રાજા લક્ષ્મણની પુત્રી બોથડદેવીનો પુત્ર તૈલપ બીજો હતો. આ રાજાઓ પ્રારંભમાં રાષ્ટ્રકૂટ રાજા કૃષ્ણ બીજાના માંડલિક તરીકે દક્ષિણના વિજાપુર જિલ્લામાં રાજ્ય કરતા હતા. તેમનું બિરુદ ‘મહાસામંતાધિપતિ’ હતું. કૃષ્ણ ત્રીજાએ લશ્કરી સેવા બદલ તેમને તર્દવાડી 1000ની જાગીર આપી હતી. રાષ્ટ્રકૂટ રાજાની સત્તા નબળી પડતાં તૈલપ બીજાએ કર્ક બીજાના રાજ્ય ઉપર ચડાઈ કરી માન્યખેટ કબજે કર્યું હતું. તૈલપે રાષ્ટ્રકૂટોને હરાવીને તેનું આધિપત્ય સ્વીકારવા તેમને ફરજ પાડી હતી. દક્ષિણ ગુજરાત કે લાટનો પ્રદેશ જીતી તેના સેનાપતિને તેના સૂબા તરીકે નીમ્યો હતો. માળવાનો મુંજ પરમાર તૈલપનો સમકાલીન હતો. મુંજે તૈલપને 6 વખત હાર આપી હતી. પણ સાતમી વખત તે હાર્યો અને કેદ પકડાયો. મુંજ કેદખાનામાં હતો ત્યારે તૈલપની વિધવા બહેન મૃણાલવતી મુંજના પ્રેમમાં પડી. મુંજને માળવાના અધિકારીઓ તરફથી છોડાવવા માટે પ્રયત્ન થતાં મૃણાલવતીએ તૈલપને તેની બાતમી આપી અને મુંજને ભિક્ષા માગવા ફરજ પાડી પછી તેનો ઘાત કરવામાં આવ્યો. તૈલપ બીજાએ ઈ.સ. 973થી 997 સુધી રાજ્ય કર્યું હતું. તેના ‘આરવમલ્લ’, ‘ભુવનૈકમલ્લ’ વગેરે બિરુદો હતાં.
તૈલપ બીજાનો અનુગામી સત્યાશ્રય 997માં ગાદીએ બેઠો. મુંજના અનુગામી સિંધુરાજે તૈલપે જીતેલો માળવાનો પ્રદેશ પાછો જીતી લીધો હતો. સત્યાશ્રયે કલચુરીના કોકલ્લ બીજાને તથા શિલાહાર રાજા અપરાજિતને અને ગુજરાતના સોલંકી મૂળરાજના પુત્ર ચામુંડરાજને હરાવ્યા હતા. ચોલ રાજા રાજરાજે 9 લાખના સૈન્ય સાથે આક્રમણ કરી ચાલુક્ય રાજ્યનો દક્ષિણ તરફનો થોડો પ્રદેશ જીતી લીધો હતો પણ સત્યાશ્રયે પ્રત્યાક્રમણ કરીને ચોલરાજને પીછેહઠ કરવા ફરજ પાડી હતી અને તેનો સરંજામ લૂંટી લીધો હતો. સત્યાશ્રયે દક્ષિણમાં કુર્નુલ અને ગુંટુર સુધીનો આંધ્રપ્રદેશનો મુલક જીતી લીધો હતો. સત્યાશ્રયે ઈ.સ. 997થી 1008 સુધી રાજ્ય કર્યું હતું.
સત્યાશ્રય પછી તેના ત્રણ પુત્રો – વિક્રમાદિત્ય પાંચમો, અય્યન બીજો અને જયસિંહ બીજો – એ અનુક્રમે ઈ.સ. 1008થી 1014, અને 1015 થી 1043 સુધી રાજ્ય કર્યું હતું. વિક્રમાદિત્યે દક્ષિણ કોરલનો પ્રદેશ સોમવંશી રાજા ભીમરથ મહાભાવગુપ્ત બીજાને હરાવી કબજે કર્યો હતો. અય્યન બીજાએ એકાદ વરસ રાજ્ય કર્યું હતું. જયસિંહ બીજો ઈ.સ. 1015માં ગાદીએ બેઠો, તેના રાજ્ય ઉપર ઈ.સ. 1019 આસપાસના કલચુરીના ગાંગેય દેવ, માળવાના ભોજ અને રાજેન્દ્ર ચૌલે સંઘ રચી આક્રમણ કર્યું હતું પણ જયસિંહે તેમનું આક્રમણ ખાળ્યું હતું ને ઉત્તર કોંકણનો પ્રદેશ તેણે જીતી લીધો હતો. ઈ.સ. 993માં માન્યખેટથી કલ્યાણમાં રાજધાની બદલી હતી.
જયસિંહ બીજાના પુત્ર સોમેશ્વર પહેલાના રાજ્ય ઉપર રાજાધિરાજ ચોલે આક્રમણ કર્યું હતું અને સોમેશ્વરને પીછેહઠ કરવી પડી હતી. રાજાધિરાજે કલ્યાણ કબજે કરી લૂંટ ચલાવી રાજમહેલ બાળ્યો.
સોમેશ્વરને ચોલ રાજાઓનો પાંચ વખત સામનો કરવો પડ્યો હતો. છેલ્લી તુંગભદ્રા નદી ઉપરની લડાઈમાં વિજય ન મળતાં સોમેશ્વર પહેલાએ જળસમાધિ લીધી હતી. તેણે ઈ.સ. 1043થી 1068 સુધી રાજ્ય કર્યું હતું.
સોમેશ્વરે વંગ, મગધ, નેપાળ, કનોજ, પાંચાલ અને કુરુ, ખસ અને આભીર જાતિના દેશો જીત્યા હતા.
સોમેશ્વર બીજો ઈ.સ. 1068માં ગાદીએ બેઠો. તેનો સાવકો ભાઈ ચોલ વીર રાજેન્દ્રનો જમાઈ હતો. તેની સહાય અર્થે તેણે ચડાઈ કરી પણ તે નિષ્ફળ ગયો હતો. સોમેશ્વર બીજાએ ગુજરાતના કર્ણ સાથે મૈત્રી સાધીને માળવાના ભોજના ઉત્તરાધિકારી જયસિંહને હરાવી માળવા કબજે કર્યું. પણ ચાહમાનવંશી રાજાનો સહકાર સાધીને પરમાર ઉદયાદિત્યે, સોમેશ્વરને હરાવીને માળવા ફરી કબજે કર્યું. સોમેશ્વરે 1076 સુધી રાજ્ય કર્યું. ત્યારબાદ સોમેશ્વર બીજાને હરાવીને તેનો નાનો ભાઈ વિક્રમાદિત્ય છઠ્ઠો 1076માં કલ્યાણની ગાદીએ બેઠો. તેણે પોતાના નામ ઉપરથી ચાલુક્ય વિક્રમ સંવત ચાલુ કર્યો હતો. વિક્રમાદિત્યને હોયસળ, કંદલ, શિલાહાર, પાંડ્ય, કાકતીય અને યાદવ રાજાઓ સાથે લડાઈ થઈ હતી. તેમાં તે વિજયી થયો હતો. ચોલરાજા કુલોત્તુંગ સાથે અવારનવાર ઘર્ષણો ચાલુ રહ્યાં હતાં. તેણે 1126 સુધી રાજ્ય કર્યું હતું. વિક્રમાદિત્ય છઠ્ઠાના પુત્રે તૃતીય સોમેશ્વર નામ ધારણ કર્યું હતું. તેણે ઈ.સ. 1138 સુધી રાજ્ય કર્યું હતું. તેના અનુગામી જગદેકમલ્લને ગુજરાતના રાજા કુમારપાળે હાંકી કાઢ્યો હતો. જગદેકમલ્લ પછી તેના નાના ભાઈ તૃતીય તૈલપે 1151થી 56 સુધી રાજ્ય કર્યું હતું. તેના રાજ્ય ઉપર કુમારપાલ અને કુલોત્તુંગ બીજાએ આક્રમણ કર્યું. આ પછીના રાજાઓ નામના રાજાઓ હતા અને 1198 સુધી ગાદીએ રહ્યા હતા. યાદવરાજ સિંઘણે આ વંશનો અંત આણ્યો હતો.
પ્રવીણચંદ્ર પરીખ
ભારતી શેલત
જયકુમાર ર. શુક્લ