ઘોષ, બારીન્દ્રકુમાર

February, 2011

ઘોષ, બારીન્દ્રકુમાર (જ. 5 જાન્યુઆરી 1880, લંડન; અ. 18 એપ્રિલ 1959, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળના પ્રસિદ્ધ ક્રાંતિકાર. તેમના પિતા કૃષ્ણધન કોણાગરમાં જાણીતા ડૉક્ટર હતા. તેમની માતા સ્વર્ણલતા માનસિક અસ્થિરતા ધરાવતાં હોવાથી તેમને અલગ રાખવામાં આવતાં. બારીન્દ્ર 1898માં હાઈસ્કૂલમાંથી પ્રવેશ-પરીક્ષા પાસ કરી પટણા કૉલેજમાં જોડાયા. અભ્યાસ છોડીને વેપારમાં ગયા પણ તેમાં નિષ્ફળ જતાં તેઓ વડોદરા ગયા. વડોદરામાં તેમના ભાઈ અરવિંદ ઘોષ કૉલેજમાં પ્રોફેસર હતા અને ગુપ્ત રીતે ક્રાંતિકારી પ્રવૃત્તિની પ્રેરણા આપતા હતા. બારીન્દ્રના હૃદયમાં પણ ક્રાંતિની જ્વાળા પ્રજ્વલિત થઈ. બારીન્દ્ર 1903માં કૉલકાતા ગયા. સ્વદેશીની ચળવળ શરૂ થયા બાદ 1906માં તેમણે ક્રાંતિકારી વિચારોનો પ્રચાર કરવા માટે બંગાળી ભાષામાં ‘યુગાન્તર’ સાપ્તાહિક શરૂ કર્યું. તે સાપ્તાહિક ઘણું લોકપ્રિય બન્યું. તેમાં ખુલ્લેઆમ સશસ્ત્ર બળવો કરવાનો લોકોને બોધ આપવામાં આવ્યો હતો. 1905માં તેમણે રચેલા ક્રાંતિકારોના જૂથ તરફથી ‘ભવાની મંદિર’ નામનું પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું. તેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓનું કેન્દ્ર સ્થાપવાની વિગતો અને યોજના આપવામાં આવી હતી. બે વર્ષ બાદ તેમના જૂથે ‘વર્તમાન રણનીતિ’ નામનું પુસ્તક પ્રગટ કર્યું. તેમાં લશ્કરી તાલીમ તથા ગેરીલા યુદ્ધપદ્ધતિની આવશ્યકતા દર્શાવવામાં આવી હતી. ‘યુગાન્તર’ સાપ્તાહિક લોકપ્રિય બન્યું અને તેનો ફેલાવો સાત હજાર નકલોનો થવાથી, સરકારે 1908માં તેને બંધ કરાવ્યું. એક ન્યાયાધીશે તેના વિશે જણાવ્યું કે ‘યુગાન્તર’ અંગ્રેજો માટે અતિશય ધિક્કાર દર્શાવે છે. તેની પ્રત્યેક પંક્તિ ક્રાંતિનો બોધ આપે છે અને ક્રાંતિ કેવી રીતે થશે તે લોકોને જણાવે છે. ત્રીજું પુસ્તક ‘મુક્તિ કૌન પથે’ ભારતીય સૈનિકોને ક્રાંતિકારી મંડળોમાં ખેંચી લાવવા તથા વિદેશોમાંથી શસ્ત્રો મેળવવા વાચકોને જણાવે છે. બારીન્દ્રના ક્રાંતિકારી જૂથે ઉપર્યુક્ત વિચારોને આચરણમાં મૂક્યા. તેમના જૂથના બે સભ્યો વિદેશ જઈને બૉમ્બ બનાવવાનું શીખી આવ્યા. કૉલકાતાના માણિકતલા નામના પરામાં મુરારીપુકુર ઉદ્યાનગૃહમાં બૉમ્બ બનાવવાની વ્યવસ્થા કરવામાં આવી. પૂર્વ બંગાળ અને બંગાળના લેફ્ટનન્ટ-ગવર્નરોની હત્યાના પ્રયાસો નિષ્ફળ ગયા. બારીન્દ્રના જૂથના ખુદીરામ બોઝને ફાંસીની સજાનો અમલ થયા બાદ, મુરારીપુકુર ઉદ્યાનગૃહ પર પોલીસે દરોડો પાડીને કેટલાક બૉમ્બ, ડાયનેમાઇટ, કારતૂસો અને અરવિંદ ઘોષ તથા બારીન્દ્ર સહિત 34 ક્રાંતિકારીઓની ધરપકડ કરી. સરકાર સામેના કાવતરાનો આ કેસ ચાલતો હતો ત્યારે કેસ ચલાવનાર પબ્લિક પ્રૉસિક્યૂટર અને ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑવ્ પોલીસની કૉર્ટના મકાનમાં જ હત્યા થઈ. કેસમાં બારીન્દ્રને આજીવન જન્મટીપ(કાળાપાણી)ની સજા થઈ અને અરવિંદ ઘોષને નિર્દોષ છોડવામાં આવ્યા. બારીન્દ્રના પ્રયાસને નોંધપાત્ર સફળતા મળી નહિ; પરંતુ બૉમ્બના ઉપયોગ દ્વારા બ્રિટિશ સરકારને ઉથલાવી નાખવાના તેમના વિચારે દેશના સેંકડો સાહસિક યુવાનોને પ્રેરણા આપી. બારીન્દ્રને સફળતા ન મળી, છતાં બંગાળમાં ક્રાંતિકારી આંદોલનને વ્યવસ્થિત અને મજબૂત સ્વરૂપ આપવાનો યશ તેમને ફાળે જાય છે. તેમનું બાકી રહેલું કાર્ય બંગાળમાં અનુશીલન સમિતિએ ચાલુ રાખ્યું. બારીન્દ્રના જૂથે પ્રગટ કરેલાં પુસ્તકો અને ‘યુગાન્તર’ સામયિકમાં વ્યક્ત કરેલા વિચારો બંગાળના સેંકડો ક્રાંતિકારોને માર્ગદર્શક બન્યાં.

ડિસેમ્બર, 1909માં બારીન્દ્રને સજા ભોગવવા આંદામાનના ટાપુ પર મોકલી દેવામાં આવ્યા. ડિસેમ્બર 1919માં મૉન્ટેગ્યુ-ચેમ્સફર્ડ સુધારાનો અમલ કરતી વખતે સરકારે રાજકીય કેદીઓને મુક્ત કર્યા, ત્યારે બારીન્દ્રને છોડવામાં આવ્યા. પાછા ફરીને તેમણે પત્રકારત્વનો વ્યવસાય પસંદ કર્યો અને કૉલકાતાનું સૌથી સારું મુદ્રણાલય મેળવી લીધું. 1923માં પુદુચેરી જઈને આધ્યાત્મિક જીવન શરૂ કર્યું. 1929માં કૉલકાતા પાછા ફરીને પત્રકાર તરીકેનો વ્યવસાય સ્વીકાર્યો. તેમણે ‘સ્ટેટ્સમૅન’ અખબારમાં કટારલેખક તરીકેની કામગીરી પણ બજાવી. થોડાં વરસો પછી સૌથી જૂના બંગાળી દૈનિક ‘બાસુમતી’માં તેઓ તંત્રી તરીકે જોડાયા. 1933માં શૈલજા દત્ત નામની વિધવા સાથે લગ્નગ્રંથિથી જોડાયા. બારીન્દ્રમાં શાળાના અભ્યાસકાળથી નેતૃત્વની શક્તિ હતી. તેમના પ્રેમાળ સ્વભાવથી અનેક લોકો આકર્ષાતા હતા. તેઓ સાહસિક, ભાવનાપ્રધાન, આવેગશીલ અને અંગત સંબંધોમાં બીજાંને અનુકૂળ થનારા હતા. તેઓ ઇતિહાસ, રાજ્યશાસ્ત્ર, સાહિત્ય, ફિલસૂફી, ધર્મ વગેરે વિશે પુષ્કળ વાંચતા હતા. જીવનનાં છેલ્લાં વરસોમાં તેમને લાંબી માંદગી ભોગવવી પડી અને આખરે કૉલકાતાના શેઠ સુખલાલ કરણાની હૉસ્પિટલમાં તેમનું પાકટ વયે અવસાન થયું.

જયકુમાર ર. શુક્લ