ઘોષ, પ્રફુલ્લચંદ્ર

February, 2011

ઘોષ, પ્રફુલ્લચંદ્ર (જ. 24 ડિસેમ્બર 1891, મલિકન્ડા, બંગાળ; અ. 18 ડિસેમ્બર 1983, કોલકાતા) : બંગાળના અગ્રણી રાજકારણી તથા પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. પિતા પૂર્ણચંદ્ર ઘોષ ગામડાની પ્રાથમિક શાળાના શિક્ષક. પ્રાથમિક, માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ ઢાકા ખાતે. 1913માં રસાયણશાસ્ત્ર વિષયમાં બી.એસસી. તથા 1916માં એમ.એસસી.ની પદવીઓ પ્રાપ્ત કરી. 1919માં કૉલકાતા યુનિવર્સિટીની ડૉક્ટરેટની ઉપાધિ મેળવી. 1919–20 દરમિયાન કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક રહ્યા.

અભ્યાસ દરમિયાન તે સામાજિક અને રાજકીય પ્રવૃત્તિઓ પ્રત્યે આકર્ષાયેલા. 1910માં હિંસક ક્રાંતિના માર્ગે પરિવર્તન લાવવા પ્રયાસ કરતી અનુશીલન સમિતિમાં જોડાયા, જેમાંથી 1913માં રાજીનામું આપ્યું. 1911માં રાષ્ટ્રીય કૉંગ્રેસના 27મા અધિવેશનમાં પ્રથમ વાર હાજરી આપી. કૉંગ્રેસની વિચારસરણી તથા કાર્યપદ્ધતિથી પ્રભાવિત થયા. 1917થી 1948 દરમિયાન રાષ્ટ્રીય કૉંગ્રેસનાં લગભગ બધાં જ અધિવેશનોમાં હાજરી આપી. 1921માં ગાંધીજીના નેતૃત્વ હેઠળની અસહકારની ચળવળમાં ઝંપલાવ્યું અને કારાવાસ ભોગવ્યો. મુક્ત થયા પછી ઢાકા ખાતે આશ્રમની સ્થાપના કરી અને તે જ અરસામાં બંગાળ પ્રાંતીય કૉંગ્રેસ કમિટીના સેક્રેટરી ચૂંટાયા. 1923માં આ પદ પરથી રાજીનામું આપ્યું અને રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળ્યા. 1930માં તથા 1931માં અટકાયત વહોરી. જેલમાંથી મુક્ત થયા બાદ 1934માં ગ્રામવિકાસ સંગઠનના સભ્ય બન્યા તથા રચનાત્મક પ્રવૃત્તિઓ માટે સ્વયંસેવક દળ ઊભું કર્યું. 1939માં યોજાયેલ કૉંગ્રેસ પ્રમુખની ચૂંટણીમાં સુભાષચંદ્ર બોઝની ઉમેદવારી સામે પટ્ટાભિ સીતારામય્યાના પક્ષમાં મત આપ્યો અને કૉંગ્રેસ કારોબારીના સભ્ય બન્યા. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ 2 વર્ષ જેલમાં રહ્યા. 1945માં બંગાળ પ્રાંતની કસ્તૂરબા સ્મારક સમિતિના પ્રમુખ ચૂંટાયા. આઝાદી પછી પશ્ચિમ બંગાળની વિધાનસભાના કૉંગ્રેસ પક્ષના નેતા ચૂંટાયા અને મુખ્યમંત્રી બન્યા. 1948માં તેમના વિરુદ્ધ પક્ષમાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થતાં રાજીનામું આપ્યું અને કૃષક મઝદૂર પાર્ટીની સ્થાપના કરી. 1953માં આ પક્ષનું સમાજવાદી પક્ષમાં વિલીનીકરણ થયું. તે જ વર્ષે પશ્ચિમ બંગાળમાં ભૂદાન ચળવળમાં સક્રિય બન્યા. 1955–57 દરમિયાન પશ્ચિમ બંગાળ વિધાનસભાના સભ્ય રહ્યા. 1967માં પશ્ચિમ બંગાળ રાજ્યમાં પ્રથમ સંયુક્ત મોરચાની સરકાર સ્થપાતાં તેમાં ખાદ્યમંત્રી તરીકે જોડાયા. આ સરકારના પતન પછી કૉંગ્રેસ પક્ષના ટેકાથી રાજ્યમાં રચાયેલ સંયુક્ત સરકારના મુખ્યમંત્રી બન્યા. 1969માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં પરાજય થતાં રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રચનાત્મક પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા.

1953માં તેમણે અમેરિકા અને યુરોપનો તથા 1958માં ઇઝરાયલનો પ્રવાસ ખેડ્યો હતો.

તેમણે લખેલાં પુસ્તકોમાં ‘હિસ્ટરી ઑવ્ ધ કૉંગ્રેસ ફ્રૉમ નાગપુર ટુ લાહોર’ (1931), ‘પ્રાચીન ભારતીય સભ્યતાર ઇતિહાસ’ (1946),  ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ’ (1960) તથા ‘મહાત્મા ગાંધી’(1964)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગાંધીજી દ્વારા ગુજરાતીમાં લિખિત ‘ગીતાબોધ’નો તેમણે બંગાળીમાં અનુવાદ (1945) કરેલો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે