ગ્રીક તત્વચિંતન

February, 2011

ગ્રીક તત્વચિંતન

સૉક્રેટિસ પૂર્વેના પ્રાચીન ગ્રીસના ચિંતકોની, સૉક્રેટિસની પોતાની અને ગ્રીક સ્ટોઇકવાદી ચિંતકોની વિચારસરણી. આ વિચારસરણી પ્લેટો, ઍરિસ્ટોટલ, થિયોફ્રેસ્ટસ, હિપ્પોલિટસ, સેક્સ્ટસ, એમ્પિરિક્સ, વગેરેની રજૂઆતોને આધારે જ સમજી શકાય છે, કારણ કે આ ચિંતકોએ જ તેમનાં વાક્યખંડો, સૂત્રો, પંક્તિઓ કે ટૂંકા ફકરાઓને તેમની કૃતિઓમાં નોંધ્યાં છે.

ઈ. સ. પૂ. પાંચમા સૈકામાં પ્રથમ ગ્રીક ફિલસૂફ થેલ્સે (થેલીઝે) (લગભગ ઈ. સ. પૂ. 624–550) યુરોપીય તત્વચિંતનના ઇતિહાસમાં, ‘‘આ જગતનું મૂળભૂત તત્વ શું છે ?’’ તેવો પ્રશ્ન કર્યો હતો. થેલીઝના મત પ્રમાણે જગતનું આવું મૂળભૂત તત્વ પાણી છે. થેલીઝનું મહત્વ આ પ્રશ્નના તેમના ઉત્તરમાં નહિ પણ ખુદ આવો તાત્વિક પ્રશ્ન આ રીતે રજૂ કરવામાં જ રહેલું છે. થેલીઝના શિષ્ય એનેક્સીમેન્ડરે (ઈ. સ. પૂ. 611–547) આ જગતનું મૂળભૂત તત્વ અપિરિમિત કે અસીમિત એવું નિત્ય અસર્જિત અને અવિનાશી લક્ષણરહિત ભૌતિક તત્વ છે તેવું દર્શાવ્યું છે. આ તત્વ અનાદિ અને અનંત છે – તેમાંથી બધું ફલિત થાય છે. માછલી જેવા દરિયાઈ પ્રાણીમાંથી મનુષ્ય વિકસ્યો હશે તેવી ધારણા પણ તેમણે રજૂ કરી.

‘સૃર્દષ્ટિનું અંતિમ તત્વ અપરિમિત ગતિશીલ વાયુ-તત્વ છે અને જગતની તમામ વસ્તુઓ તેમાંથી નિષ્પન્ન થાય છે તેવો એનેક્સીમેનેસ(ઈ. સ. પૂ. 588–528)નો મત હતો.

પાયથાગોરાસના મત પ્રમાણે જગતનું મૂળતત્વ કે અંતિમ તત્વ સંખ્યા (number) છે. વસ્તુઓમાં જુદા જુદા ગુણો હોય છે પણ તે સર્વવ્યાપક નથી હોતા. કેટલાંક પાંદડાં લીલાં છે પણ બધી વસ્તુઓ લીલી હોતી નથી. કેટલીક વસ્તુ સ્વાદમાં ખારી છે તો વળી કેટલીક કડવી છે; પરંતુ વસ્તુઓમાં એક ગુણ એવો છે કે જે સર્વવ્યાપક છે અને તે છે સંખ્યા. બધી વસ્તુઓ ગણી શકાય છે. રંગ કે સ્વાદ વગરની કોઈ સૃર્દષ્ટિ કલ્પી શકાય છે પણ સંખ્યા વગરની કોઈ સૃષ્ટિ કલ્પી શકાય નહિ. તમામ સંખ્યા એકમમાંથી ઉદભવે છે. સંખ્યાને એકી સંખ્યા અને બેકી સંખ્યામાં વિભાજિત કરી શકાય. એકી સંખ્યા સીમિત અને બેકી સંખ્યા અસીમિત છે કારણ કે એકી સંખ્યાનું દ્વિભાજન થઈ શકતું નથી પણ બેકી સંખ્યાનું દ્વિભાજન થઈ શકે છે. પાયથાગોરિયન ચિંતકોએ આ વિશ્વ સીમિત/ અસીમિત, એકી સંખ્યા / બેકી સંખ્યા, એક/ અનેક, સ્થિતિ/ ગતિ, સીધું / વાંકું વગેરે દ્વિપદી વિરોધોનું બનેલું છે તેવું દર્શાવ્યું છે.

પાયથાગોરાસના (ઈ. સ. પૂ. 569 / 68–499–493) મત અનુસાર સૂર્ય પૃથ્વી વગેરે ગ્રહો કેન્દ્રરૂપ અર્દશ્ય અગ્નિતત્વની આસપાસ પરિભ્રમણ કરે છે.

પાર્મેન્ડિઝ(ઈ. સ. પૂ. 514)ના મત પ્રમાણે જગતનું મૂળતત્વ સતત પરિવર્તન પામતી વસ્તુઓ હોઈ શકે નહિ. સત એ જ નિરપેક્ષ સત્ય છે. અ-સતનું અસ્તિત્વ નથી. તે અસત્ય છે – પરિવર્તનશીલ જગત અસત છે. ઇન્દ્રિયગોચર વસ્તુઓનું જગત મિથ્યા છે, અસત છે. સત નિત્ય અને અપરિમાણી તત્વ છે. તેની ઉત્પત્તિ નથી; તેનો નાશ થતો નથી. અસતમાંથી સત ઉદભવે જ નહિ; સતમાંથી અસત બની શકે નહિ. સતમાં ભૂતકાળ, વર્તમાનકાળ કે ભવિષ્યકાળ નથી. સત નિત્ય છે. સતનું વિભાજન થઈ શકે નહિ તે અ-ગતિશીલ છે. તે નિત્ય છે. તેનું તે જ છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે. તે કોઈ બીજામાં પરિણમતું નથી કે બીજામાંથી પરિણમતું નથી. તે નિર્ગુણ છે. તે માત્ર સત જ છે, અન્ય કશું નહિ. તે કેવળ તર્કબુદ્ધિ દ્વારા જ ગાહ્ય બને છે, જોકે પાર્મેન્ડિઝે એમ કહ્યું છે કે સત પરિમિત છે, અવકાશમાં છે અને ગોળાકાર છે તેથી તેમને ભૌતિકવાદી ગણવામાં આવે છે. બીજી બાજુ સત કેવળ બુદ્ધિગ્રાહ્ય છે અને ઇન્દ્રિયગ્રાહ્ય નથી તેમજ અપરિણામી છે તેવું દર્શાવતા હોવાને કારણે તેમને વિજ્ઞાનવાદી (idealist) પણ ગણવામાં આવે છે.

પાર્મેન્ડિઝથી વિરુદ્ધ હેરાક્લીટૅસ (ઈ. સ. પૂ. 535–475) જગતની તમામ વસ્તુઓની નિરંતર પરિવર્તનશીલતાનો દાવો કરે છે. કશું ટકતું નથી. કશું તેનું તે જ રહેતું નથી. ‘‘કોઈ વ્યક્તિ એની એ જ નદીમાં બે વાર પગ બોળી શકે નહિ,’’ તે વિખ્યાત ઉક્તિ દ્વારા જગતની નિરપેક્ષ તેમજ સાપેક્ષ સ્થિરતાનો અને નિત્યતાનો પણ તેઓએ અસ્વીકાર કર્યો છે. દરેક વસ્તુ ક્ષણે ક્ષણે પરિવર્તન પામતી હોવા ઉપરાંત એની એ ક્ષણમાં પણ કોઈ વસ્તુ એની એ જ રહેતી નથી તેવો તેમનો મત છે. વસ્તુનું હોવાપણું અને તેનું ન હોવાપણું બંને એક ક્ષણમાં પણ એકસાથે પ્રવર્તે છે. પરિણામ પ્રક્રિયા (becoming) એટલે સત-અસતનું મિશ્રણ. અસતમાંથી સત થવું એટલે ઉત્પત્તિ; સતમાંથી અસત થવું એટલે વિનાશ. દરેક સતત પરિણમતી વસ્તુમાં આ વિરોધી તત્વો એકસાથે પ્રવર્તે છે. આમ, સંઘર્ષ વસ્તુઓનું હાર્દ છે. હેરાક્લીટૅસ પ્રમાણે બધી વસ્તુઓ અગ્નિતત્વની બનેલી છે.

પરિવર્તનશીલ પદાર્થોની દુનિયા અસતનું ક્ષેત્ર છે અને તે ઇન્દ્રિયગમ્ય છે, જ્યારે નિત્ય અપરિણામી સત બુદ્ધિગ્રાહ્ય છે તેવું દર્શાવનાર પાર્મેન્ડિઝની સામે હેરાક્લીટ્સે ઇન્દ્રિયગમ્ય જ્ઞાન સ્થિરતાનો આભાસ ઉત્પન્ન કરનારું છે, પણ બુદ્ધિગમ્ય જ્ઞાન પરિણામી સતને જાણનારું છે તેવી રજૂઆત કરી છે.

એમ્પેડોક્લીઝે (ઈ. પૂ. 495–435) હૅરાક્લીટૅસ અને પાર્મેન્ડિઝના વિચારોનો પોતાના ચિંતનમાં સમન્વય કર્યો છે. જગતના મૂળ તત્વરૂપી જડદ્રવ્ય (matter) અનાદિ અને અવિનાશી છે, અસર્જિત અને અનંત છે. એમ્પેડોક્લીઝ અહીં પાર્મેન્ડિઝનું અપરિણામી તત્વ સ્વીકારે છે. બીજી બાજુ, તેઓ હેરાક્લીટૅસે દર્શાવેલી પરિણમવાની પ્રક્રિયા(becoming)નો પણ સ્વીકાર કરે છે. આ બંને ર્દષ્ટિબિંદુ સમાવીને તેમણે દર્શાવ્યું કે પૃથ્વી, વાયુ, અગ્નિ અને પાણી – એમ ચાર મૂળ તત્વો છે. એક તત્વ બીજામાં પરિણમતું નથી; પરંતુ જગતની બીજી મિશ્ર વસ્તુઓ આ ચાર તત્વોના જુદા જુદા પ્રમાણસરના મિશ્રણની બનેલી હોય છે. તત્વોને સંયોજિત કરવા અને વિયોજિત કરવાની આંતરિક ગતિશીલતા તત્ત્વોમાં પોતાનામાં નથી તેથી બાહ્ય ભૌતિક પરિબળો – આકર્ષણ અને અપાકર્ષણ (repulsion) – ને લીધે અનુક્રમે તત્વોનું મિશ્રણ થાય છે તેમજ તે છૂટાં પડે છે. મનુષ્યમાં આપણે જેને પ્રેમ અને તિરસ્કાર કહીએ છીએ તે સંયોજન અને વિયોજનનાં આવાં બાહ્ય ભૌતિક પરિબળોના આવિષ્કારરૂપ છે. મૂળ તત્વોમાંથી ઉદભવતાં પરિવર્તનો તેના વગર સમજાવી શકાય નહિ. ઉત્પત્તિ એટલે સંયોજન – લય એટલે વિયોજન.

એમ્પેડોક્લીઝનું ચિંતન આ રીતે પાર્મેન્ડિઝના અને હેરાક્લીટૅસના ચિંતનનો સમન્વય વ્યક્ત કરે છે. ઇન્દ્રિયગોચર પદાર્થો ઉત્પત્તિ-નાશવાળા હોવાથી પરિવર્તનશીલ છે. તેના આધારરૂપ ચાર મૂળતત્વો અપરિણામી છે. આમ પરિણામી પદાર્થો અને અપરિણામી તત્વો એમ બંનેનો ખુલાસો મળી જાય છે. વસ્તુઓ વિભાગોની બનેલી છે. વિભાગો નિત્ય છે. તેનાં સંયોજનો અને વિયોજનોથી બનતા પદાર્થો અનિત્ય છે. તમામ પરિવર્તનો તત્વોમાં બાહ્ય વિરોધી બળોને લીધે પ્રવર્તતી ગતિને લીધે ઉદભવે છે.

આ સંદર્ભમાં લ્યુસીપસ અને ડિમોક્રિટ્સ જેવા ગ્રીક અણુવાદીઓએ એવી રજૂઆત કરી કે ભૌતિક દ્રવ્યનું વિભાજન કરો તો અંતે મૂળભૂત, અવિભાજ્ય અને અપરિણામી એકમો મળશે – તેવા એકમોને ‘અણુઓ’ કહેવાય છે. તે ઇન્દ્રિયગમ્ય નથી અને તેમની સંખ્યા અપરિમિત છે. બધા અણુઓમાં એક જ પ્રકારનું દ્રવ્ય હોય છે. તેઓમાં કોઈ ગુણાત્મક તફાવતો હોતા નથી, કેવળ સંખ્યાત્મક તફાવતો જ હોય છે. કદ અને આકારમાં તે એકબીજાથી જુદા પડે છે. શૂન્ય-અવકાશને લીધે અણુઓ પરસ્પરથી ભિન્ન રહી શકે છે. શૂન્યાવકાશ પણ અણુઓ જેટલી જ સત્તા ધરાવે છે. તમામ પરિવર્તન ખાલી અવકાશમાં પ્રવર્તતા અણુઓનાં સંયોજન-વિયોજન ઉપર આધારિત છે. અણુઓમાં ગતિ કઈ રીતે પ્રવર્તે છે તેનો સંતોષકારક ખુલાસો જોકે પ્રારંભિક ગ્રીક અણુવાદીઓ આપી શક્યા નથી.

પાર્મેન્ડિઝ અને એમ્પેડોક્લીઝની જેમ જ એનેક્ઝેગૉરાસ (ઈ. સ. પૂ. 550) પણ સ્વીકારે છે કે સતમાંથી અસત કે અસતમાંથી સત ઉદભવી શકે નહિ. એમ્પેડોક્લીઝે ચાર મૂળ તત્વો અને બાહ્ય ભૌતિક બળો (આકર્ષણ-અપાકર્ષણ) દ્વારા તે તત્વોનાં સંયોજન અને વિયોજનની રજૂઆત કરી છે; પરંતુ એનેક્ઝેગોરાસ પ્રમાણે તો તમામ પ્રકારનાં ભૌતિક તત્વો એકસરખાં જ અફલિત અને મૂળભૂત છે. આવાં તત્વોનો આરંભક આકારહીન મિશ્રણરૂપ સમૂહ પહેલાં પ્રવર્તતો હોય છે અને આવા સમૂહમાંથી દા.ત., સોનાનાં તત્વો સોના રૂપે તેમજ લાકડાનાં તત્વો લાકડા રૂપે પોતપોતાના સ્વરૂપ પ્રમાણે સંયોજાય છે અને સાથે સાથે અન્ય પ્રકારનાં તત્વોથી વિયોજિત થાય છે. મૂળ સર્વદેશીય સંમિશ્રણમાંથી આવાં સંયોજન-વિયોજનની ક્રિયા અનંતકાળ સુધી પ્રવર્તતી રહેશે. તેથી આમ તો કોઈ પણ દ્રવ્ય સંપૂર્ણ રીતે શુદ્ધ હોતું નથી. કારણ કે દરેકમાં બીજાં દરેકનાં તત્વો હોય છે; દા.ત., આપણે અમુક ધાતુને સોનું એટલા માટે કહીએ છીએ કે બીજાં તત્વો કરતાં તેનામાં સોનાના કણો કે ઘટકો સવિશેષ પ્રમાણમાં છે.

એનેક્ઝેગોરાસની વિશેષતા એ છે કે તેમણે આ તત્વોનાં ચાલક બળ તરીકે મિશ્રણના ભાગરૂપ ન હોય તેવા ચિત્ત(nous)ની ધારણા કરી અને મૂળતત્વમાં ગતિપ્રેરક બળ તરીકે સ્થૂળ ભૌતિક પરિબળને આવા સૂક્ષ્મ ચિત્તનો સ્વીકાર કર્યો. સૃર્દષ્ટિની યોજના, ક્રમ, સંવાદિતા, વ્યવસ્થા અને તેના સૌંદર્યને અબૌદ્ધિક, ગતિપ્રેરક, બળોની ધારણાથી સમજાવી શકાય નહિ તેવો મૌલિક વિચાર તે સમયે તેમણે રજૂ કર્યો.

જોકે આ તત્વ કેટલાકને મતે અ-ભૌતિક અને કેટલાકના મતે ભૌતિક છે. તમામ વસ્તુઓમાં ગતિ-પ્રેરક તત્વ તરીકે આ ચિત્તતત્વ પ્રવર્તે છે. તેને અભૌતિક તરીકે જ એનેક્ઝેગોરાસ ઘટાવે છે તેવું મોટા ભાગના વિદ્વાનો માને છે. અલબત્ત, આ ચિત્તતત્વ સૃષ્ટિનું સર્જક નથી. સૃષ્ટિનાં તત્વો તો નિત્ય જ છે. આ ચિત્તતત્વ તો વિશ્વમાં પ્રવર્તતી યોજના, વ્યવસ્થા અને ક્રમનું મૂળ કારણ છે. આ શુદ્ધ ચિત્તતત્વ દ્વારા પ્રેરિત આંદોલનો કદી અટકવાનાં નથી. એકસરખાં તત્વોને એકસરખાં તત્ત્વો સાથે તે જોડે છે; જેમ કે, લાકડાને લાકડા સાથે, સોનાને સોના સાથે – ભૌતિક-અભૌતિકતા ભેદની દિશામાં તત્વચિંતનને દોરી જવામાં એનેક્ઝેગોરાસનું યોગદાન ખૂબ જ મહત્વનું છે.

ઈ. સ. પૂ. પાંચમી સદીમાં યુવાનોને સવેતન શિક્ષણ આપનારા કેટલાક ગ્રીક ચિંતકોને સૉફિસ્ટ્સ (sophists) તરીકે ઓળખવામાં આવતા હતા. પ્રકૃતિવિષયક ચિંતનને સ્થાને તેમણે મનુષ્યકેન્દ્રી ચિંતનને મહત્વ આપ્યું હતું. જોકે તે ક્ષેત્રમાં પણ તેમણે જ્ઞાનનાં અને નૈતિકતાનાં ધોરણોને વ્યક્તિસાપેક્ષ અને વ્યક્તિનિષ્ઠ ગણ્યાં હતાં. આ રીતે સાપેક્ષવાદી અને સ્વનિષ્ઠતાવાદી અભિગમ અપનાવતા સૉફિસ્ટોએ સંશયવાદી અને અજ્ઞેયવાદી અભિગમ પણ અપનાવ્યો હતો; દા. ત., ‘‘મનુષ્ય સર્વ વસ્તુઓનો માનદંડ છે.’’ (Homo Measura – Man is the measure of all things.) એ ઉક્તિ માટે વિખ્યાત થયેલા પ્રોટેગૉરાસ (ઈ. સ. પૂ. 480–410) પ્રમાણે વ્યક્તિને જે સાચું જણાય તે તેને માટે સાચું છે. ગ્રીક સૉફિસ્ટ ગોરજિયાસે પ્રોટેગૉરાસના વસ્તુનિષ્ઠ જ્ઞાન અંગેના સંશયવાદને ઉગ્ર સ્વરૂપમાં રજૂ કર્યો. તેમના મત પ્રમાણે કશું અસ્તિત્વમાં નથી, કારણ કે જે કંઈ અસ્તિત્વમાં હોય તે કાં તો સત હોય, કાં તો અસત હોય અથવા તો સત અને અસત બંને હોય. આ એક પણ વિકલ્પ બંધ બેસતો ન હોવાથી કશું અસ્તિત્વમાં નથી; એ ઉપરાંત જો કંઈ અસ્તિત્વમાં હોય તો તેને સમજી શકાય તેમ નથી, અને જો તેને સમજી શકાતું હોય તોપણ તેને બીજાંને સમજાવી શકાતું નથી, એવું ગોરજિયાસે દર્શાવ્યું. મનુષ્યકેન્દ્રી વિચારણાનો સૉફિસ્ટોનો આગ્રહ સ્વીકારવા છતાં સર્વદર્શી જ્ઞાનના દાવાઓ સ્થાપી શકાય છે, એવો વિચાર સૉફિસ્ટોના અનુગામીઓએ કર્યો હતો.

ગ્રીક તત્વચિંતનના અત્યંત પ્રભાવક ચિંતક સૉક્રેટિસે (ઈ. સ. પૂ. 469–399) સૉફિસ્ટોની જેમ જ મનુષ્યવિષયક ચિંતનને અગ્રિમતા આપી; પરંતુ જ્ઞાનના અને નૈતિકતાના ક્ષેત્રે સૉફિસ્ટોનો સાપેક્ષવાદ અને સ્વનિષ્ઠતાવાદ તેમને માન્ય ન હતો. સૉફિસ્ટોની જેમ સૉક્રેટિસ પણ દલીલો દ્વારા વાદ-વિવાદ કરતા પણ તેમનું લક્ષ્ય સૉફિસ્ટો કરતાં જુદું હતું. સૉફિસ્ટોનું લક્ષ્ય ગમે તેવી દલીલબાજીથી વિપક્ષીની દલીલો તોડી પાડીને તેને પરાજિત કરવાનું હતું. સૉફિસ્ટની પદ્ધતિ મહદ્ અંશે છલયુક્ત વિવાદપદ્ધતિ (eristic) બની જતી હતી. આવી પદ્ધતિ સત્યનો નિર્ણય તાર્કિક દલીલો દ્વારા કરવાની પદ્ધતિ (dialectic) કરતાં જુદી છે. સૉક્રેટિસે પોતે કશું લખ્યું નથી. એટલે પ્લેટોના પ્રારંભિક સમયના સંવાદો જેવા કે ‘ઍપૉલૉજી’, ‘ક્રીટો’, ‘યુથિક્રો’ વગેરેને આધારે સૉક્રેટિસની પદ્ધતિ અને તેમના દાર્શનિક અભિગમનો આપણને પરિચય થાય છે. પ્લેટોના આ ‘સૉક્રેટિક’ સંવાદો ઉપરથી ખ્યાલ આવે છે કે તેમાં કોઈ વ્યક્તિ પોતે જે વિધાન પ્રસ્થાપિત કરે તેના ફલિતાર્થો ટૂંકા સવાલ-જવાબની ઊલટતપાસ પદ્ધતિથી સૉક્રેટિસ તારવે છે અને મૂળ વિધાનથી વિરુદ્ધના ફલિતાર્થો નિષ્પન્ન થાય તેને લીધે તે વિધાન અસ્વીકાર્ય ઠરે છે. આવી પદ્ધતિ ખંડનાત્મક રહે છે અને ચર્ચાનાં પરિણામો નિર્ણાયક બનતાં નથી, પણ આવી પદ્ધતિ (elenctic method) સંવાદના પ્રવક્તાના દાવાઓને ઊલટતપાસથી ઉથલાવી નાખે છે – તે સત્યસ્થાપક ન હોય તોપણ છલયુક્ત વિવાદપદ્ધતિ કરતાં અવશ્ય ભિન્ન છે.

સંવાદોમાં સૉક્રેટિસ દલીલોથી એ જાણવા માગતા હતા કે આપણે જેને ‘ન્યાય’, ‘મૈત્રી’, ‘મિતત્વ’ વગેરે તરીકે જાણીએ છીએ તે ખરેખર શું છે ? ‘ક્ષ’ શું છે ?’ તે પ્રકારનો પ્રશ્ન સૉક્રેટિસનો મુખ્ય પ્રશ્ન હતો. સદગુણ શું છે ? શૌર્ય શું છે ? મિતત્વ શું છે ? વગેરે પ્રશ્નો પૂછીને સૉક્રેટિસ તેનાં જુદાં જુદાં ર્દષ્ટાંતો આપવાનું કહેતા ન હતા, પણ તે બધાં ર્દષ્ટાંતોમાં પ્રવર્તતો સર્વસામાન્ય એવો ગુણ સ્પષ્ટ કરવાનું કહેતા હતા. બીજા શબ્દોમાં સૉક્રેટિસ ‘ક્ષ’ શું છે ?’ એવો પ્રશ્ન પૂછીને ‘ક્ષ’ની વિભાવના શોધવા તરફ સંવાદોને દોરી જતા હતા. સૉક્રેટિસ અનુસાર તર્કબુદ્ધિ (reason) વિભાવનાઓ (concepts) નિર્ધારિત કરવાની ક્ષમતા ધરાવે છે. ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ તો એકદેશી અને વિશિષ્ટ છે, પણ તેવી વિવિધ વસ્તુઓમાં પ્રવર્તતા સામાન્ય ગુણને અનુલક્ષીને તે વસ્તુઓના વર્ગની એક સર્વસામાન્ય વસ્તુલક્ષી અને સર્વદેશીય વિભાવના સ્થાપી શકાય છે. સૉક્રેટિસ માત્ર શબ્દોના અર્થની સ્પષ્ટતા કરવા માગતા ન હતા; પણ સર્વસામાન્ય વિભાવનાઓ દ્વારા સૂચવાતા એક વર્ગનાં તમામ ર્દષ્ટાંતોને લાગુ પડતા ગુણનો નિર્દેશ સમજવાનો તેમનો પ્રયત્ન હતો.

જ્ઞાન વિભાવનાયુક્ત છે. વિભાવનાઓ સર્વસામાન્ય માનસરચિત ખ્યાલો છે અને વિભાવનાઓ વસ્તુલક્ષી અને સર્વદેશીય છે તેવું દર્શાવીને સૉક્રેટિસે જેને જે સાચું લાગે તે તેને માટે સાચું એવા સૉફિસ્ટોના વ્યક્તિસાપેક્ષવાદી મતનો અસ્વીકાર કર્યો.

નીતિવિષયક વિચારમાં સૉક્રેટિસે દર્શાવ્યું કે સદગુણ જ્ઞાન છે, સદગુણ એક છે અને સદગુણ શીખવી શકાય છે . જોકે સ્દગુણની સાચી વિભાવના જાણનારા શિક્ષકો મેળવવા મુશ્કેલ છે તેવું સૉક્રેટિસે દલીલોથી દર્શાવ્યું હતું. સૉકેટિસનો નીતિવિચાર સંપૂર્ણ રીતે બુદ્ધિનિષ્ઠ (rational) હતો. જ્ઞાન પોતે જ શ્રેય છે. સદગુણ જ્ઞાન છે અને સદગુણ આત્માના હિતને પોષક છે. તેથી દુર્ગુણ કે અનિષ્ટ અજ્ઞાન છે. જાણી જોઈને કોઈ વ્યક્તિ અનિષ્ટ આચરણ પસંદ કરી શકે જ નહિ કે સ્વેચ્છાએ તે ક્ષેત્રમાં કોઈ વ્યક્તિ ભૂલ કરતી જ નથી તેવું સૉક્રેટિસે ભારપૂર્વક જણાવ્યું છે. જ્ઞાન વગર સદવર્તન શક્ય નથી; એટલું જ નહિ, પણ જ્ઞાન હોય તો અનિષ્ટ આચરણ શક્ય જ નથી તેવો વિવાદાસ્પદ મત પણ સૉક્રેટિસે રજૂ કર્યો છે.

સૉક્રેટિસે કબૂલ્યું હતું કે પોતાને જ્ઞાન છે તેનો અર્થ એ જ કે પોતે શું નથી જાણતા તે પોતે જાણે છે; જ્યારે બીજા લોકો તેઓ શું નથી જાણતા તે પણ ન જાણતા હોવાથી અજ્ઞાની છે, ‘સૉક્રેટિક વક્રોક્તિ’ (Socratic irony) તરીકે આ ઉક્તિ જાણીતી છે.

નૈતિક સદગુણોની રજૂ થયેલી વ્યાખ્યાઓને ઊલટતપાસ દ્વારા વ્યાઘાતી કે અસમર્થિત પુરવાર કરવા માટેની દલીલપદ્ધતિ સૉક્રેટિસ કઈ રીતે પ્રયોજતા હતા તેની જાણકારી આપણને પ્લેટોના પ્રારંભિક તબક્કાના ખંડનાત્મક (elenctic) સૉક્રેટિક સંવાદોમાંથી મળે છે.

મહાન તત્વચિંતક પ્લેટો(ઈ. સ. પૂ.  428/427 – 348/347 428–348)ના પોતાના ચિંતનની જાણકારી આપણને જોકે તેમના વચગાળાના અને પાછળના સમયના સંવાદોમાંથી મળે છે; દા. ત., ‘ફિડો’, ‘સિમ્પોઝિયમ’, અને ‘રિપબ્લિક’ જેવા વચલા ગાળાના તેમજ ‘સૉફિસ્ટ’, ‘ફાઇલીબસ’, ‘ટીમિયસ’, ‘લૉઝ’ વગેરે પાછળના સમયના સંવાદોમાં પ્લેટોના વિચારતત્વ કે રૂપતત્વ(ગ્રીક શબ્દ ‘eidos’)નો સિદ્ધાંત રજૂ થયેલો છે; એટલું જ નહિ, પણ એ તત્વવિચારને સમાજચિંતન, નીતિવિચાર, કલાવિચાર, રાજ્યવિચાર કે પ્રકૃતિવિષયક ચિંતનનાં ક્ષેત્રે કઈ રીતે પ્રયોજવામાં આવ્યો છે તેને વિશે પણ આપણને જાણકારી મળે છે. પ્લેટોના જે ‘સૉક્રેટિક’ સંવાદો છે તે પ્રમાણમાં ટૂંકા છે જ્યારે પ્લેટોનો પોતાનો વિચાર રજૂ કરતા સંવાદો લાંબા છે. આ ઉપરાંત, ‘સૉક્રેટિક’ સંવાદો મહદ્ અંશે અનિર્ણાયક (aporetic) રહ્યા છે. કારણ કે તેમાં મુખ્ય પ્રવક્તાએ રજૂ કરેલાં વિધાનોનું ખંડન થાય છે અને તે વક્તા પોતાનું અજ્ઞાન કબૂલ કરે છે. જ્યારે પછીના સંવાદો સિદ્ધાંત-સ્થાપક છે. વળી, પ્રારંભિક ‘સૉક્રેટિક’ સંવાદો મુખ્યત્વે નૈતિકતા-વિષયક પ્રશ્નો ચર્ચે છે, જ્યારે પાછળના સંવાદ રાજ્યશાસ્ત્ર, કેળવણી, ભૌતિકશાસ્ત્ર વગેરે વિવિધ વિષયો ચર્ચે છે.

સૉક્રેટિસે જ્ઞાન વિભાવનાત્મક છે તેવું દર્શાવ્યું છે. આ વિભાવનાઓ જેવી કે મકાનની કે વૃક્ષની કે સફેદાઈની કે શૌર્યની વિભાવનાઓ – સર્વસામાન્ય વિચાર (general idea) રજૂ કરે છે. સૉક્રેટિસ પ્રમાણે તે વસ્તુલક્ષી અને સર્વદેશીય છે; પરંતુ પ્લેટો પ્રમાણે જો આવી વિભાવનાઓને અનુરૂપ તત્વો ખરેખર મનુષ્યના મનની બહાર અસ્તિત્વમાં ન હોય તો પછી સાચા અર્થમાં સત્યજ્ઞાન આપી શકે નહિ. માટે જ વિચાર કરનાર વ્યક્તિના મનમાં જે વૃક્ષની સૌંદર્યની વિભાવના છે તે ખરેખર તો અસલી તત્વોની અનુકૃતિ જ હોઈ શકે. આમ પ્લેટો ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ અને તેને અંગેની બુદ્ધિગમ્ય વિભાવનાઓ બંનેને તેનાથી ભિન્ન એવાં વ્યક્તિબાહ્ય પારમાર્થિક તત્વોનાં પ્રતિબિંબ ગણે છે અને આવાં તત્વોને તે ‘વિચારતત્વો’ કે ‘રૂપતત્વો’ (ideas, forms) એ રીતે ઓળખે છે. આવાં તત્વો ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ નથી; દા. ત., સર્વસામાન્ય વૃક્ષ (tree-in general) નામની કોઈ પણ ઇન્દ્રિયગમ્ય વસ્તુ નથી. ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ તેમજ માનસસર્જિત વિચારોથી ભિન્ન એવાં આ રૂપતત્ત્વો નિરપેક્ષ સત્તા ધરાવે છે, સાર્વત્રિક છે, દેશ-કાળથી પર છે, અપરિણામી છે, નિત્ય છે તેમજ વસ્તુઓના હાર્દ(essence)રૂપ છે; જ્યારે ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ સાપેક્ષ સત્તા ધરાવે છે, એકદેશી છે, દેશકાળમાં હોય છે, પરિણામી છે અને અનિત્ય છે. આ રીતે સૉક્રેટિસના અમૂર્ત ખ્યાલોને પ્લેટોએ વ્યક્તિબાહ્ય સત્તત્વો તરીકે રજૂ કર્યા છે.

આવાં સત્તત્વો (ideas) અનેક છે પણ તેનો ઉચ્ચાવચ ક્રમ હોય છે અને તેની એક વ્યવસ્થિત સમર્દષ્ટિ પ્રવર્તે છે; દા. ત., સફેદાશ કે લાલાશ એ નિમ્ન સ્તરનાં રૂપતત્વો છે, તેમનો સમાવેશ રંગ(colour)ના વ્યાપક રૂપતત્વમાં થાય છે. તે જ રીતે ખારાશ કે ખટાશનાં તત્વોનો સ્વાદના રૂપતત્વમાં સમાવેશ થાય છે. પ્લેટો પ્રમાણે આ ઉચ્ચાવચ ક્રમમાં શ્રેયનું તત્વ (The Good) સર્વોચ્ચ તત્વ છે.

ઉચ્ચાવચ ક્રમ ધરાવતાં આવાં રૂપતત્ત્વો દરેક પોતપોતાના સંદર્ભમાં સત છે જ્યારે બીજાં તેનાથી વિરુદ્ધનાં રૂપતત્વોનાં સંદર્ભમાં તે અસત છે; દા. ત., સ્થિતિનું રૂપતત્વ તેના પોતાનામાં સત છે; ગતિના સત્ તત્વના સંદર્ભમાં તે અસત છે.

જ્ઞાન, પ્લેટોની ર્દષ્ટિએ, પ્રત્યક્ષીકરણ નથી, જ્ઞાન અભિપ્રાય પણ નથી. સાચું જ્ઞાન રૂપતત્વોનું છે, ઇન્દ્રિગમ્ય વસ્તુઓનું નહિ. પ્લેટો આત્માની અમરતાનો સિદ્ધાંત સ્વીકારે છે. તેમના મતે જન્મ પહેલાં અશારીરિક અવસ્થામાં આત્માને રૂપતત્વોનું શુદ્ધ જ્ઞાન હતું. દેહધારી બનતાં જ તેને તેનું વિસ્મરણ થાય છે; પરંતુ ઇન્દ્રિયગમ્ય પદાર્થો તેને આવાં રૂપતત્વોના શુદ્ધ જ્ઞાનનું પુન:સ્મરણ કરાવે છે. તેથી જ્ઞાન, સાચા અર્થમાં પુન:સ્મરણ (recollection) છે.

પ્લેટોએ આત્માના મુખ્ય ત્રણ અંશો દર્શાવ્યા છે : બુદ્ધિતત્વ, પ્રાણતત્વ, કામતત્વ. બુદ્ધિતત્વ આત્માનો સહુથી ઉચ્ચ અંશ છે. તે અવિનાશી છે.

જેમ જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ તેવું પ્લેટો સ્વીકારતા નથી તેમ સદગુણ એટલે આનંદ (pleasure) તેવું પ્લેટો સ્વીકારતા નથી. આત્માના ત્રણ અંશોને અનુરૂપ ત્રણ સદગુણો પ્લેટો દર્શાવે છે : બુદ્ધિતત્વનો સદગુણ જ્ઞાન છે, પ્રાણતત્વનો સદગુણ શૌર્ય છે જ્યારે કામતત્વનો સદગુણ સંયમ છે. આ ત્રણે સદગુણોની પરસ્પરની સંવાદિતા એટલે જ ન્યાય (justice). મિત્રોનું ભલું કરવું અને શત્રુઓનું બૂરું કરવું તે પ્લેટોની ર્દષ્ટિએ નૈતિક વર્તન નથી.

વ્યક્તિ અને સમાજનું સદગુણ અને આત્માના અંશોના અનુસંધાનમાં પ્લેટો મહત્વનું સામ્ય સ્થાપે છે. વ્યક્તિના આત્માના અંશ તરીકે બુદ્ધિતત્વ પ્રવર્તે છે. સમાજમાં તે તત્વ શાસકવર્ગ તરીકે પ્રભાવક બને છે. વ્યક્તિના આત્મામાં પ્રાણતત્વને અનુરૂપ સમાજમાં શૌર્યયુક્ત લોકોનો વર્ગ – સૈનિકોનો વર્ગ – જોવા મળે છે તે જ રીતે સમાજમાં શ્રમજીવીઓ અને વ્યાવસાયિકોનો વર્ગ વ્યક્તિના આત્માના કામતત્વને અનુરૂપ કલ્પી શકાય છે. જેમ વ્યક્તિગત કક્ષાએ આત્માના ત્રણ અંશોની સંગતિ એ જ ન્યાય, તેમ સમાજકક્ષાએ તેને અનુરૂપ જુદા જુદા વર્ગો પોતપોતાના ક્ષેત્રનું કાર્ય ઉત્તમ રીતે કરે અને તેથી જે સંવાદિતા સ્થપાય તે જ ન્યાય. પ્લેટોના સિદ્ધાંત પ્રમાણે આદર્શ નગરરાજ્ય(republic)માં માત્ર ફિલસૂફો જ રાજ કરશે. શાસક ફિલસૂફોનો સદ્ગુણ જ્ઞાન, ક્ષત્રિયવર્ગનો સદગુણ શૌર્ય અને સામાન્ય શ્રમિકો અને વ્યાવસાયિકોનો સદગુણ મિતત્વ (temperance) છે. આમ, આત્માના ત્રણ અંશો અને સમાજના ત્રણ વર્ગો સાથે સામ્ય દર્શાવી વ્યક્તિગત આત્માની કક્ષાએ જે ત્રણ સદગુણોની સંગતિને ન્યાય તરીકે ઘટાવી છે તે જ ત્રણ સદગુણોની પ્રજાના ત્રણ વર્ગોમાં પ્રવર્તતી સંગતિને ન્યાય તરીકે ઘટાવી શકાય છે. પ્લેટોના કેળવણી અંગેના વિચારો પણ ઇન્દ્રિયગમ્ય પદાર્થોના જગત તેમજ બુદ્ધિગમ્ય રૂપતત્ત્વોના જગતના મહત્વના તફાવતો ઉપર રચાયા છે. તેવી જ રીતે તેમનો કલાવિષયક મત પણ રૂપતત્વોના સિદ્ધાંત સાથે સંલગ્ન છે. કલાચિંતનમાં ત્રણ અભિગમો પ્રવર્તે છે : કલા અનુકરણ છે; કલા આવેગોની અભિવ્યક્તિ છે; કલા એ કૃતિનાં તત્વોની રૂપલક્ષી સંવાદિતા છે. પ્લેટોના મતે કલા અનુકરણ (imitation) છે. કલા તત્વજ્ઞાન અને નૈતિકતાને ઉપકારક હોય તો જ તે પ્લેટોને સ્વીકાર્ય છે. કલા ઇન્દ્રિયગમ્ય પદાર્થોની અનુકૃતિ (copy) છે અને ઇન્દ્રિયગમ્ય વસ્તુઓ ખરેખર તો રૂપતત્વ(idea)ની અનુકૃતિ છે એટલે કલા અનુકૃતિની અનુકૃતિ (copy of a copy) છે; દા. ત., કારીગરે બનાવેલો પલંગ ઇન્દ્રિયગમ્ય વસ્તુ છે; ચિત્રકારે પલંગનું જે ચિત્ર દોર્યું હોય છે તે ઇન્દ્રિયગમ્ય પલંગની નકલ છે. કલાને આ રીતે પ્લેટો ઘણું ઊતરતું સ્થાન આપે છે. સાહિત્યપ્રકારો વિશે પણ તેમનો આવો જ અભિગમ છે. જોકે સંગીતને તે પ્રમાણમાં વધુ મહત્વનું ગણે છે અને શિક્ષણવ્યવસ્થામાં અગત્યનું સ્થાન આપે છે. પ્લેટોનો કલા વિશેનો આ મત ઘણો અસંતોષકારક છે; કારણ કે બધી કલા પ્રતિનિધાનાત્મક (representational) નથી અને માત્ર પ્રતિનિધાનથી કલાકૃતિનું મૂલ્યાંકન થતું નથી.

જ્ઞાનનાં અનેક વિદ્યાધામોમાં જેમનું તર્કશાસ્ત્ર અનેક સદીઓથી અનિવાર્ય અભ્યાસવિષય બની ગયું છે તેવા અને પ્લેટોના શિષ્ય તેમજ મહાન ફિલસૂફ ઍરિસ્ટૉટલે (ઈ. પૂ. 384–322) જ્ઞાનનાં અનેક ક્ષેત્રોમાં વિચારપદ્ધતિ અને વિચારસામગ્રીની ર્દષ્ટિએ ઘણું મૂલ્યવાન યોગદાન કર્યું છે. ઍરિસ્ટૉટલને અનુસરીને જ્ઞાનને સૈદ્ધાંતિક, વ્યાવહારિક કે ઉત્પાદક એમ ત્રણ પ્રકારે સમજી શકાય છે. તેને પોતાને ખાતર જે જ્ઞાનનું સંપાદન કરવામાં આવે તે સૈદ્ધાંતિક જ્ઞાન; કાર્ય કરવા માટે જેને પ્રયોજવામાં આવે તે વ્યાવહારિક જ્ઞાન; અને કોઈ વસ્તુ બનાવવા માટે જેનો ઉપયોગ થાય તે ઉત્પાદક જ્ઞાન એવા જ્ઞાનના પ્રકારો ઍરિસ્ટૉટલે દર્શાવ્યા છે.

ઍરિસ્ટૉટલના તત્વવિચારમાં દ્રવ્ય (substance) અને કારણ- (cause)ના ખ્યાલો મહત્વના છે. મૂર્ત વસ્તુવિશેષ(individual)ને ઍરિસ્ટૉટલ મૂળભૂત દ્રવ્ય ગણે છે; દા. ત., ‘સૉક્રેટિસ’ કે ‘આ અશ્વ’ એ મૂળભૂત દ્રવ્ય છે. ‘મનુષ્ય’ એ ઉપજાતિમાં સૉક્રેટિસનો સમાવેશ થાય છે અને ‘પ્રાણી’ એ વ્યાપક જાતિ(genus)માં ‘મનુષ્ય’ની ઉપજાતિ(species)નો સમાવેશ થાય છે. ઉપજાતિ અને જાતિને ઍરિસ્ટૉટલ ગૌણ દ્રવ્ય ગણે છે. કારણ કે મૂર્ત વ્યક્તિવિશેષ જ ન હોય તો ઉપજાતિ કે જાતિ કશું જ હોઈ ન શકે. દરેક દ્રવ્ય (મૂળભૂત દ્રવ્ય) સામાન્યયુક્ત વિશેષ (universal in the particular) છે. કેવળ વિશેષ (pure particular) એ દ્રવ્ય નથી; કેવળ સામાન્ય (universal) એ પણ દ્રવ્ય નથી. વિશેષોથી સ્વતંત્ર એવા સામાન્ય તત્વની સત્તા ઍરિસ્ટૉટલ સ્વીકારતા નથી. આ તેમનો પ્લેટોથી તદ્દન વિરુદ્ધ મત છે. ઍરિસ્ટૉટલ વિશેષોમાં સામાન્યની સત્તા (reality) સ્વીકારે છે. અહીં પ્લેટોથી તેમનો અભિગમ જુદો છે. કારણ કે પ્લેટો વિશેષોથી અલગ એવા સામાન્ય તત્વને સ્વતંત્ર સત્તા માને છે. પ્લેટો પ્રમાણે ઇન્દ્રિયગમ્ય, અપૂર્ણ, પરિણામી અને અનિત્ય પદાર્થો, બુદ્ધિગમ્ય એવા પૂર્ણ, અપરિણામી અને નિત્ય એવાં સામાન્યરૂપી રૂપતત્વોની અનુકૃતિ કે નકલ છે. ઍરિસ્ટૉટલની ર્દષ્ટિએ જો સામાન્ય સત્તત્ત્વો ઇન્દ્રિયોથી જાણી શકાતા પદાર્થોના હાર્દરૂપ હોય તો તેનું આવા પદાર્થોથી સ્વતંત્ર નિરપેક્ષ અસ્તિત્વ ધારવાની આવશ્યકતા નથી; એટલું જ નહિ, પણ આવાં તત્વો ધારવાથી પણ ઇન્દ્રિયગમ્ય પદાર્થોના વિશ્વ અને બુદ્ધિગમ્ય પદાર્થોના વિશ્વનો સંબંધ કોઈ પણ રીતે સમજાવી શકાતો નથી. એના એ જ ઇન્દ્રિયગમ્ય પદાર્થોને તેમનાથી અલગ એવાં બુદ્ધિગ્રાહ્ય રૂપતત્વો તરીકે બેવડાવવાનો અર્થ નથી; દા. ત., ઇન્દ્રિયગમ્ય પલંગ અને બુદ્ધિગમ્ય આદર્શ પલંગ એવો ભેદ પાડવાથી જે સમજાવવાનું છે તે જ બેવડાય છે.

સૉક્રેટિસે વિશેષ વસ્તુઓના વર્ગમાં તમામ વિશેષોમાં પ્રવર્તતા તેમના હાર્દરૂપ સર્વસામાન્ય ગુણની વિભાવના જ્ઞાનને માટે અનિવાર્ય ગણી છે; દા. ત., તમામ શૌર્યયુક્ત કાર્યોમાં જે સમાન રીતે પ્રવર્તે છે તે શૌર્યનો સર્વસામાન્ય ગુણ શૌર્યની વિભાવનાથી નિર્દેશાય છે. પણ પ્લેટોએ સૉક્રેટિસથી આગળ જઈને આવા સર્વસામાન્ય તત્વની સ્વતંત્ર સત્તા સ્વીકારી છે. ઍરિસ્ટૉટલ સૉક્રેટિસે દર્શાવેલી વિભાવનાઓ સ્વીકારે છે, પ્લેટોએ દર્શાવેલ સામાન્ય તત્વનો સ્વીકાર કરે છે પણ એ સામાન્ય તત્વોને મૂળભૂત દ્રવ્યો (substances) તરીકે તેઓ સ્વીકારતા નથી. જોકે આ સામાન્ય તત્વો વિશેષ વસ્તુના હાર્દરૂપ ગુણધર્મો તરીકે વિશેષ વસ્તુઓની અંદર જ છે. વસ્તુવિશેષમાં સર્વસામાન્ય ગુણધર્મો હોય છે તેવું ઍરિસ્ટૉટલે સ્વીકાર્યું હતું. પ્લેટો અને ઍરિસ્ટૉટલ બંને સામાન્ય તત્વની સત્તાના સ્વીકાર અંગે વાસ્તવવાદી (realist) અભિગમ સ્વીકારે છે. કારણ કે બંને એમ માને છે કે સામાન્ય તત્વ વ્યક્તિના ચિત્તની બહાર અસ્તિત્વમાં છે. તફાવત માત્ર એટલો જ કે પ્લેટો સામાન્ય તત્વની વસ્તુવિશેષથી અલગ એવી સ્વતંત્ર સત્તા સ્વીકારે છે. જ્યારે ઍરિસ્ટૉટલ એવાં તત્ત્વોની સત્તા મૂર્ત વસ્તુવિશેષ(individual)માં જ સ્વીકારે છે.

દરેક મૂર્ત વસ્તુવિશેષ ઉપાદાન (matter) અને રૂપ(form)નું સંયોજન છે. રૂપ વગરનું કોઈ ઉપાદાન નથી તેમજ ઉપાદાન વગરનું કોઈ રૂપ નથી. ઍરિસ્ટૉટલે ચાર પ્રકારનાં કારણો દર્શાવ્યાં છે : ઉપાદાન કારણ, નિમિત્ત કારણ, રૂપલક્ષી કારણ અને અંતિમ (પ્રયોજનલક્ષી) કારણ. આરસની મૂર્તિમાં આરસ એ ઉપાદાન કારણ છે, મૂર્તિનો ઘાટ કે આકાર એ તેનું રૂપલક્ષી કારણ છે. શિલ્પી તેનું નિમિત્ત કારણ છે અને શિલ્પીનું પ્રયોજન એ તેનું અંતિમ કારણ છે. માનવસર્જિત કે કુદરતી કોઈ પણ વસ્તુને આ ચાર કારણોથી સમજાવી શકાય છે. વસ્તુ જેમાંથી બને તે તેનું ઉપાદાન; વસ્તુ જે બને તે તેનું રૂપ; જેને લીધે તે પરિણમે તે તેનું નિમિત્ત અને જેને માટે તે પરિણમે તે તેનું લક્ષ્યરૂપ કે અંતિમ કારણ છે. વસ્તુ જેમાં પરિણમવાની છે તે તેનું રૂપ છે અને તે તેનું લક્ષ્ય પણ છે. એટલે રૂપ અને અંતિમ કારણ બંને એક જ છે. નિમિત્ત કારણ પણ આખરે તો રૂપલક્ષી અને અંતિમ કારણ જ ગણાય કારણ કે જે લક્ષ્ય સિદ્ધ કરવાનું છે તે જ તેનું રૂપ છે અને તેને લીધે જ ઉપાદાનનું રૂપાંતર થાય છે, તેમાં પરિવર્તન થાય છે. આમ આખરે તો ઉપાદાન અને રૂપ બે જ તત્વો રહે છે.

તમામ ગુણોનો સમુચ્ચય એ જ રૂપ હોવાથી રૂપ વગરનું ઉપાદાન માત્ર અવ્યક્તતા (potentiality) જ છે અને રૂપ એ જ તેની મૂર્તતા કે વ્યક્તતા (actuality) છે. સત અને અસતના તીવ્ર નિરપેક્ષ ભેદને સ્થાને ઍરિસ્ટૉટલ અવ્યક્તતા (સુપ્તતા) અને વ્યક્તતાનો ભેદ રજૂ કરીને પરિણામ-પ્રક્રિયા(becoming)ને સમજાવે છે. પરિવર્તન એટલે અસતમાંથી સત થવું એમ નહિ, પણ અવ્યક્તમાંથી વ્યક્ત થવું. જગતની દરેક વસ્તુને તેનું કાર્ય છે, પ્રયોજન છે, રૂપ છે. જગતમાં કશું વધારાનું કે પ્રયોજન વગરનું નથી. તેનો અર્થ એવો નથી કે સમગ્ર પ્રકૃતિ મનુષ્યના હેતુઓ સંતોષવા માટે પ્રવર્તે છે. અથવા તો પ્રકૃતિને પોતાનાં પ્રયોજનની સભાનતા હોય છે.

ઍરિસ્ટૉટલે ઈશ્વરનો સૃષ્ટિના અગતિશીલ ગતિપ્રેરક નિત્યતત્વ (Unmoved Mover) તરીકે સ્વીકાર કર્યો છે. ઍરિસ્ટૉટલે જોકે વ્યક્તિના આત્માની વૈયક્તિક અમરતા કે ઈશ્વરના વ્યક્તિરૂપ અસ્તિત્વનો સ્વીકાર કર્યો નથી.

ચીમનલાલ વલ્લભરામ રાવળ

મધુસૂદન બક્ષી