ગ્રિબિન, જૉન (જ. 19 માર્ચ 1946, મૅડસ્ટોન, કૅન્ટ ઇંગ્લૅન્ડ) : બ્રિટનના વિજ્ઞાનલેખક અને બ્રહ્માંડવિજ્ઞાની (cosmologist). સસેક્સ યુનિવર્સિટીમાંથી બી.એસસી. અને એમ.એસસી. થઈ ગ્રિબિને 1970માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ભૌતિક-ખગોળમાં પીએચ.ડી.ની ઉચ્ચતમ પદવી મેળવી. અહીં તે ફ્રેડ હૉઇલ ઉપરાંત ભારતના જયંત નારલીકર તથા માર્ટિન રીસ, જ્યૉફ્રી અને માર્ગારેટ બરબિજ, સ્ટિફન હૉકિંગ અને વિલિયમ હાઉલર જેવા પ્રખર સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્રીઓના પરિચયમાં આવ્યા; પરંતુ તે બધાંની જેમ પોતે સંશોધનમાં આગળ વધી શકશે નહિ તેવી પ્રતીતિ થતાં તેમણે આ બધા સંશોધકોનાં કાર્યને લોકો સુધી પહોંચાડવાની કામગીરી કરવાનું નક્કી કર્યું. વળી નાનપણમાં વાંચેલા જૉર્જ ગૅમૉવ (1904–1968) અને આઇઝેક આસિમૉવ (1920–1992) જેવા વિજ્ઞાનલેખકોનાં લખાણોએ પણ આ માટેની પ્રેરણા પૂરી પાડી. એટલે અભ્યાસ પૂરો થતાં જ ગ્રિબિન બ્રિટનની અતિપ્રખ્યાત વિજ્ઞાનપત્રિકા ‘નેચર’ સાથે જોડાયા અને પાછળથી તેના સહાયક તંત્રી તરીકે પણ કામ કર્યું. ત્યાં 5 વર્ષ કામ કરી, 1975થી સસેક્સ યુનિવર્સિટીના ‘સાયન્સ પૉલિસી રિસર્ચ યુનિટ’ નામના ઘટકના મુલાકાતી સભ્ય તરીકે જોડાયા. આ કામગીરી એમણે 3 વર્ષ કરી. આ જ સમયગાળામાં અભ્યાસ પૂરો કર્યા બાદ, એમણે ‘ધ ટાઇમ્સ’ અને ‘ધ ગાર્ડિયન’માં વિજ્ઞાનના લેખો નિયમિત લખ્યા અને ‘ધ ટાઇમ્સ’ માટે રોજેરોજના વિજ્ઞાનસમાચારોના અહેવાલો પૂરા પાડવાની કામગીરી પાંચેક વર્ષ સુધી સારી રીતે બજાવી. એ પછી 1978થી બ્રિટનના અત્યંત લોકપ્રિય વિજ્ઞાન અઠવાડિક ‘ન્યૂ સાયન્ટિસ્ટ’ સાથે જોડાયા અને હાલમાં એ પત્રના સંપાદનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ખગોળ ઉપરાંત અન્ય વિષયો સંબંધી એમના લેખો આ સામયિકમાં અવારનવાર જોવા મળે છે. ઉપરાંત હાલમાં તે સસેક્સ યુનિવર્સિટીમાં ખગોળશાસ્ત્રના મુલાકાતી સભ્ય તરીકેની કામગીરી પણ બજાવે છે. રેડિયો અને ટિલિવિઝન જેવાં માધ્યમો સાથે પણ એ વિવિધ રૂપે સંકળાયેલા છે. તેમનાં પત્ની મેરી 1967ના અરસામાં કેમ્બ્રિજમાં ફ્રેડ હૉઇલ સ્થાપિત ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ થિયરેટિકલ ઍસ્ટ્રૉનૉમી(IOTA)માં ગ્રંથપાલ હતાં અને ગ્રિબિન એ સંસ્થામાં કમ્પ્યૂટર-ઑપરેટર હતા. તેમના લેખનકાર્યમાં તેમનાં પત્ની સહાય કરે છે. ગ્રિબિન દંપતીને બે પુત્રો છે.

જૉન ગ્રિબિન

કેમ્બ્રિજમાં એ અભ્યાસ કરતા હતા ત્યારે જ એમને ગુરુત્વાકર્ષણના કોયડામાં અને દિક્કાલની વક્રતા(warped spacetime)માં રસ જાગ્યો હતો અને આ વિષય અંગે કામ કરવા માટે એમને વિદ્યાર્થીકાળમાં જ બે ઇનામો પણ મળ્યાં હતાં. એ પછી તો વિજ્ઞાનલેખક તરીકે ઘણાં ઇનામો એમને મળ્યાં છે, જેમાં ‘ગ્લૅક્સો ટ્રાવેલિંગ ફેલોશિપ’નો પણ સમાવેશ થાય છે. આબોહવામાં થતા ફેરફારોની સમસ્યાઓ અંગેનાં લખાણો માટે 1974માં એમને આ ઇનામ મળ્યું હતું, જે બ્રિટનના વિજ્ઞાનલેખકો માટે એક રાષ્ટ્રીય કક્ષાનો ઍવૉર્ડ છે અને તે બ્રિટનના વિજ્ઞાનલેખક સંઘની દેખરેખ હેઠળ ગ્લૅક્સો કંપની દ્વારા આપવામાં આવે છે.

એમણે ઘણા સંશોધનલેખો ઉપરાંત સંખ્યાબંધ લોકભોગ્ય વિજ્ઞાનવિષયક પુસ્તકો અને લેખો લખ્યાં છે; જેમાં ખગોળશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર ઉપરાંત હવામાન, પ્રદૂષણ, ઓઝોન, ભૂ-ભૌતિકશાસ્ત્ર, જીવવિજ્ઞાન, જીવસૃષ્ટિ તથા માનવઉત્ક્રાંતિ વગેરે જેવા વિષયોનો સમાવેશ થાય છે. વળી, એમણે ડગ્લાસ ઑરગિલ સાથે ‘ધ સિક્સ્થ વિન્ટર’ (1979) અને ‘બ્રધર ઈસો’ (1982) નામની બે નવલકથાઓ પણ લખી છે. સ્ટિફન પ્લૅગમાન સાથે 1974માં ‘ધ જૂપિટર ઇફેક્ટ’ નામનું પુસ્તક લખેલું. જોકે એમાંની ખગોલીય ધારણાઓ કે આગાહીઓમાંની એક પણ સાચી પડી ન હતી. તેમ છતાં એ કાળે આ પુસ્તક બહુ જાણીતું બનેલું. જેરેમી શેરફાસ સાથે મળીને એમણે ‘ધ રિડન્ડન્ટ મેલ’ (1984) નામે નવલકથા તથા માનવ-ઉત્ક્રાંતિ સંબંધી માહિતીને આવરી લેતું ‘ધ મંકી પઝલ’ (1982) નામે પુસ્તક લખેલું. આ ઉપરાંત માર્ટિન રીસ જેવા ખગોળશાસ્ત્રીના સહયોગથી એમણે 1990માં ‘કૉસ્મિક કોઇન્સિડન્સિઝ’ નામનું પુસ્તક લખ્યું છે. એમણે પોતે સ્વતંત્ર રીતે લખેલાં અત્યંત જાણીતાં વિજ્ઞાન-પુસ્તકોમાં ‘ઇન સર્ચ ઑવ્ શ્રોડિંગર્સ કૅટ’(1984)નો સમાવેશ થાય છે. કવૉન્ટમ ભૌતિકીને સરળ ભાષામાં સમજાવતાં જે કેટલાંક ઉત્તમ પુસ્તકો ઉપલબ્ધ છે તેમાં આ પુસ્તકની ગણના થાય છે. એમનાં અન્ય જાણીતાં પુસ્તકો છે – ‘ગૅલેક્સી ફૉર્મેશન’ (1976) ‘અવર ચેન્જિંગ પ્લૅનેટ’ (1977), ‘વ્હાઇટ હોલ્સ’ : ‘કૉસ્મિક ગશર્સ ઇન ધ યુનિવર્સ’ (1977), ‘ટાઇમ વૉર્પ્સ’ (1979), ‘જેનિસિસ : ધ ઓરિજિન્સ ઑવ્ મૅન ઍન્ડ ધ યુનિવર્સ’ (1981), ‘ફ્યૂચર વેધર ઍન્ડ ધ ગ્રીનહાઉસ ઇફૅક્ટ’ (1982), ‘સ્પેસ વૉર્પ્સ : બ્લૅક હોલ્સ, વ્હાઇટ હોલ્સ, ક્વાસાર્સ ઍન્ડ ધ યુનિવર્સ’ (1983), ‘ઇન સર્ચ ઑવ્ ધ ડબલ હેલિક્સ’ (1985) ‘ઇન સર્ચ ઑવ્ ધ બિગ બૅગ : ‘કવૉન્ટમ ફિઝિકસ ઍન્ડ કૉસ્મૉલૉજી’ (1986), ‘ધ ઓમેગા પૉઇન્ટ : ‘ધ સર્ચ ફૉર ધ મિસિંગ માસ ઍન્ડ ધ અલ્ટિમેટ ફેટ ઑવ્ ધ યુનિવર્સ’ (1988), ‘ધ હોલ ઇન ધ સ્કાય : મૅન્સ થ્રેટ ટુ ધ ઓઝોન લેયર’ (1988), ‘બ્લાઇન્ડેડ બાય ધ લાઇટ : ધ સીક્રિટ લાઇફ ઑવ્ ધ સન’ (1991) વગેરે.

સુશ્રુત પટેલ