ગ્રીક ભાષા : યુરોપના અગ્નિ દિશામાં આવેલા ગ્રીસ રાષ્ટ્રની, ઇજિયન સમુદ્રમાંના બેટો ઉપર રહેનાર પ્રજાની અને એનાતોલિયાના પશ્ચિમ કિનારા ઉપરના રહેવાસીઓની ભાષા. 2005ની વસ્તીગણતરી પ્રમાણે ગ્રીકભાષી લોકોની કુલ સંખ્યા 1,11,20,000 છે.

ગ્રીક ભાષા ઇન્ડો-યુરોપિયન કુળની ભાષા છે. એ કુળમાં તેનું એક વિશિષ્ટ સ્થાન છે; કારણ કે તેનાં વાચિક અને લિખિત સ્વરૂપોનો ગયા 35 શતકોનો, એટલે કે ઈ. પૂ. સોળમી સદીથી અત્યાર સુધીનો સળંગ ઇતિહાસ મળે છે. ઇન્ડો-યુરોપિયન કુળમાંની બીજી બે ભાષાઓ સંસ્કૃત અને લૅટિન તેની ભગિનીભાષાઓ છે; પરંતુ તેમનો આટલો સાદ્યંત ઇતિહાસ મળતો નથી.

ગ્રીક ભાષાના ઇતિહાસ અને વિકાસના ચાર મુખ્ય તબક્કા છે. તેનું સૌથી પ્રાચીન રૂપ ઈ. પૂ. સોળમી સદીથી ઈ. પૂ. બારમી સદી સુધીનાં વર્ષોનું જે પુરાતન લેખન મળ્યું છે તેમાં જોવા મળે છે. એ વખતની તે ભાષાની અવસ્થાનું નામ ‘માઇસિનિયન ગ્રીક’ પાડવામાં આવ્યું છે. પુરાવસ્તુવિદોએ ક્રીટની રાજધાની ક્નોસોસ (લેખનકાળ ઈ. સ. પૂ. 1400) અને ગ્રીસના ભૂપ્રદેશ ઉપર પાયલોસ (લેખનકાળ ઈ. સ. પૂ. 1200) અને માઇસેની (લેખનકાળ ઈ. પૂ. 1500) : આ સ્થળોમાં કરેલાં ઉત્ખનનમાં પ્રાચીન ભાષાની ચિત્રલિપિમાં લખાયેલા જે નમૂના ખોળી કાઢ્યા તેમાં મળેલી બે પ્રકારની ભાષાઓને ‘લિનિયર એ’ અને ‘લિનિયર બી’ એવાં નામો આપવામાં આવ્યાં હતાં. એમાંની ‘લિનિયર બી’ પ્રાચીન ગ્રીક છે એવું માયકાએલ વેન્ત્રિસે 1953માં સિદ્ધ કર્યું. ઇન્ડો-યુરોપિયન વિસ્તારના પશ્ચિમ તરફના જે લોકો ગ્રીસમાં આવીને વસ્યા તેમની આ ભાષા હતી. ગ્રીસનું આ ઇન્ડો-યુરોપિયનીકરણ પુરાવસ્તુવિદોના મતે ઈ. સ. પૂ. 1900માં થયું; પ્રાગૈતિહાસિક અભ્યાસના વિદ્વાનો ઈ. સ. પૂ. 2300–2200ના અરસામાં એ થયું એમ માને છે અને ભાષાવિજ્ઞાનીઓ ‘માઇસિનિયન ગ્રીક’ એ ગ્રીક ભાષાના સૌથી જૂના સ્વરૂપ ઉપરથી તે ઈ. સ. પૂ. 1600માં થયું એમ માને છે.

ક્નોસોસ, પાયલૉસ અને માઇસેની – આ ત્રણ સ્થળોમાં મળેલા ‘માઇસિનિયન ગ્રીક’ના અભ્યાસ ઉપરથી એમાં ચાર બોલીઓ મળી આવી છે : ડોરિક, એઑલિક, આક્રેડોસાપ્રિયન, ઍટિકઆયોનિક. એપ્રિલ 1956થી માંડીને દર બે વર્ષે યુરોપમાં ‘માઇસેનિયન કોલોક્વિયમ’ પરિષદનું અધિવેશન મળે છે. એમાં આ ચાર બોલીઓનું વિસ્તરણ એ ચર્ચાનો બહુ અગત્યનો વિષય હોય છે, પણ હજુ સુધી આ બોલીઓના વિસ્તરણ વિશે ભાષાવિજ્ઞાનીઓ એકમત થયા નથી. ‘લિનિયર બી’માંનું ગ્રીકલેખન અવયવપ્રધાન હતું અને તેનો ઉકેલ એ માયકાએલ વેન્ત્રિસનો બહુ મોટો વિજય માનવામાં આવે છે. ‘લિનિયર એ’ની ભાષા કઈ હતી તેનો હજુ સુધી ઉકેલ આવેલો નથી.

એ પછીની અવસ્થામાં, એટલે કે ઈ. સ. પૂ. આઠમી સદીથી ઈ. સ.ની ચોથી સદી સુધીમાં, ગ્રીકનું જે સ્વરૂપ જોવા મળે છે તેને ‘હેલિનિસ્ટિક ગ્રીક’ એવું નામ આપવામાં આવ્યું છે. આ અવસ્થામાં ગ્રીકની લેખનપદ્ધતિ અક્ષરપ્રધાન – એટલે સ્વરો અને વ્યંજનો માટે જુદાં જુદાં ચિહનોવાળી બની ગઈ હતી. ગ્રીકના લેખનની અવયવ-અવસ્થામાંથી અક્ષર-અવસ્થા કેવી રીતે ઊપસી આવી અને અવયવ-અવસ્થામાંનું જમણી તરફથી ડાબી તરફનું લેખન ડાબી તરફથી જમણી તરફનું ક્યારે થયું એ વિશે કોઈ ચોક્કસ વિગતો મળતી નથી. ‘હેલિનિસ્ટિક ગ્રીક’ લેખનપદ્ધતિના અક્ષરો ઈ. સ. પૂ. 1000ના અરસામાંની મધ્ય-પૂર્વના ઉત્તર તરફની સેમિટિક ભાષાઓના લેખનમાં વપરાતાં ચિહનો છે. કેડમસ નામના ફોનેશિયને એમાંનાં 18 ચિહનો ગ્રીક ભાષાને આપ્યાં એવી પ્રાચીન માન્યતા હતી. એ ચિહનો સેમિટિક ભાષાઓનાં હતાં એનું પ્રમાણ એ ચિહનો માટેનાં નામો છે; દા. ત., સેમિટિક આલ્ફ, બેથ, ગમ્લ, ડેલ્ટ, હે, વાવ : આ અક્ષરો ગ્રીકમાં આલ્ફા, બીટા, ગૅમા, ડેલ્ટા, એઈ, વાઉ એવા મળે છે. એમનો અર્થ પણ સેમિટિક ભાષામાંનો છે; દા. ત., ‘આલ્ફ’ એટલે ‘બળદ’, ‘બેથ’ એટલે ‘ઘર’, ઇ. સેમિટિક ભાષાના એ અર્થવાળા શબ્દોના એ આદ્યાક્ષરો હોવાનો સંભવ છે, કેમ કે ગ્રીકમાં એ અર્થવાળા આવા શબ્દો મળતા નથી. સેમિટિક ભાષાઓમાં સ્વરો માટે ચિહનો ન હતાં; પરંતુ તેમાંનાં કેટલાંક બીજાં ચિહનોને ગ્રીક ભાષાના સ્વરો માટેનાં ચિહનો બનાવવામાં આવ્યાં. શરૂઆતના ગ્રીક લેખનમાં બધાં ચિહનો ‘કૅપિટલ’ હતાં; પરંતુ ઈ. સ.ની આઠમી સદીમાં શીઘ્ર લેખનમાં નાના અક્ષરો વાપરવાની પ્રથા શરૂ થઈ. આજના ગ્રીક લેખનમાં આ બંને પ્રકારનાં ચિહનો મળે છે. ‘કૅપિટલ’ ચિહનોનો ઉપયોગ હવે વિશેષનામોના આદ્યાક્ષરોમાં જ થાય છે. અંગ્રેજી પ્રમાણે વાક્યની શરૂઆતમાં અથવા કવિતાની પંક્તિની શરૂઆતમાં ‘કૅપિટલ’ ચિહ્ન વાપરવાની પ્રથા નથી.

વ્યંજનો અને સ્વરો માટે જુદાં જુદાં ચિહનો વાપરીને ગ્રીકનું જે લેખન થયું તેથી ગ્રીકની લેખનપદ્ધતિ અવયવ-અવસ્થામાંથી પૂરેપૂરી બહાર આવી. સંસ્કૃત લેખનપદ્ધતિમાં વ્યંજનો અને સ્વરો માટે જુદાં ચિહનો હોવા છતાં તે અવયવ-અવસ્થામાંથી પૂર્ણાંશે બહાર આવી શકી નહિ. લેખન અને છપાઈની ર્દષ્ટિથી ગ્રીક લેખનપદ્ધતિ કેટલી સયુક્તિક છે એ દેખીતું છે; પરંતુ ભાષાના વિશ્લેષણાત્મક અભ્યાસ માટે એ લેખનપદ્ધતિ કેટલી સહાયભૂત બને છે એનો ખ્યાલ ભાષાવિજ્ઞાનની પ્રગતિ પછી થયો. યુરોપની બધી ભાષાઓએ ગ્રીકની આ પદ્ધતિ પોતાના લેખન માટે અપનાવી છે એ જ એની સિદ્ધિનો મોટો પુરાવો છે.

‘હેલિનિસ્ટિક ગ્રીક’નો પ્રસાર મેસિડોનિયાના રાજા ઍલેક્ઝાંડર ધ ગ્રેટ(ઈ. સ. પૂ. 356 – ઈ. સ. પૂ. 323)ના જમાનામાં ઘણો થયો અને ઍલેક્ઝાંડરના મધ્ય-પૂર્વમાંના પ્રવેશ(ઈ. સ. પૂ. 334)થી ભારત પરના આક્રમણ (ઈ. સ. પૂ. 326) પછીનાં વર્ષો દરમિયાન તેનો વિસ્તાર બહુ જ વ્યાપક થયો. ઇજિપ્તના કિનારા પર ઍલેક્ઝાંડરે જે ઍલેક્ઝાંડ્રિયા શહેરની સ્થાપના કરી ત્યાં અને મધ્યપૂર્વમાં તેણે જ્યાં જ્યાં પોતાના સૂબા નીમ્યા એ ભારત સુધીના પ્રદેશોમાં ગ્રીક ભાષાનો સારો પ્રસાર થયો. ઍલેક્ઝાંડ્રિયાનો સમૃદ્ધિકાળ ઈ. સ. પૂ. 332થી ઈ. સ. 640 સુધી લગભગ એક હજાર વર્ષનો હતો. એ વખતે ત્યાંના ગ્રંથાલયમાં મુખ્યત્વે ગ્રીકમાં લખાયેલા અને ગ્રીકમાં ભાષાંતર કરેલા અસંખ્ય ગ્રંથો હતા. તુર્કી લોકોએ ઍલેક્ઝાંડ્રિયા અને કૉન્સ્ટૅન્ટિનોપલ એ શહેરોમાંનાં ગ્રંથાલયો બાળી નાખ્યાં (ઈ. સ. પંદરમી સદી) તેમાં એ બધા ગ્રંથો નષ્ટ થયા. ભારતના વાયવ્ય સીમાપ્રદેશમાં આવેલા ગંધારમાં રાજા અશોકના જે શિલાલેખો મળ્યા છે એમાંના કેટલાક તે જમાનાના ‘હેલિનિસ્ટિક’ ગ્રીકમાં કોતરેલા છે.

‘હેલિનિસ્ટિક’ ગ્રીકમાં એની પહેલાંની અવસ્થાની વિવિધ બોલીઓ એકીકરણ અને પરિપક્વતા પામેલી જોવા મળે છે. એથી ગ્રીક ભાષાના શબ્દો અને તેના વ્યાકરણને શિષ્ટમાન્ય સ્વરૂપ પ્રાપ્ત થયું. એમાંથી જ ગ્રીકનું ત્રીજું સ્વરૂપ ઊપસી આવે છે. એ ત્રીજા સ્વરૂપની ગ્રીક ભાષાને ‘કૉઈની’ એટલે ‘સામાન્ય ભાષા’ એવું અભિધાન આપવામાં આવ્યું. તે જમાનાના ગ્રીકના ઘણા વ્યાકરણકારોએ ‘કૉઈની’ને અશુદ્ધ માનીને એનાં કરતાં પ્રાચીન ભાષાના પ્રયોગો વાપરવાનો આગ્રહ કર્યો. એનું પરિણામ એ આવ્યું કે કેટલાક લેખકોએ પોતે ‘શુદ્ધ’ ગ્રીકમાં લખાણ કર્યું છે એવું અભિમાન વ્યક્ત કર્યું છે. એ ‘શુદ્ધ’ સ્વરૂપની ગ્રીક ભાષાને ‘બૂઝન્ટાઇન’ ગ્રીક એવું નામ આપવામાં આવ્યું છે અને તેનો સમય ઈ. સ.ની પાંચમી સદીથી ઈ. સ.ની પંદરમી સદી સુધીનો માનવામાં આવે છે. ગ્રીકવિકાસની આ ત્રીજી અવસ્થા છે. શુદ્ધતાના આગ્રહને લીધે એ વર્ષોમાં બોલાતી ગ્રીક અને લખાતી ગ્રીક એકબીજીથી અલગ થવા લાગી. પૂર્ણાંશે અલગ થયેલી માન્ય ગ્રીકના ઈ. સ. પંદરમી સદીમાંના સ્વરૂપને ‘આધુનિક’ ગ્રીક એવું નામ મળ્યું. આ તેની ચોથી અવસ્થા છે.

તુર્કોના આક્રમણ પછીનાં વર્ષોમાં ગ્રીક ભાષા ઉપર બીજી ભાષાઓનું આક્રમણ વધવા લાગ્યું. એ આક્રમણ બોલાતી ભાષા ઉપર વધારે થયાથી ગ્રીક ભાષામાં બે જાતની લેખનશૈલી વિકાસ પામી : એક સામાન્ય લોકોની, જેની ‘ડેમોટિક’ એવી સંજ્ઞા છે અને બીજી વિદગ્ધ ભાષામાંથી ઊતરી આવેલી સાહિત્યની શૈલી, જેની ‘કાથારેવુસા’ એવી સંજ્ઞા છે. ઈ. સ.ની પંદરમી સદી પછી આ બંને શૈલી ઉપર નજીકના પ્રદેશોમાંની ઇટાલિયન અને ફ્રેંચ ભાષાઓના ઘણા સંસ્કારો થયા છે. ઈ. સ. ની ઓગણીસમી સદીના અને આધુનિક લેખકોના સાહિત્યમાં ‘ડેમોટિક’નો વપરાશ વધારે થવાથી આજના ગ્રીક સાહિત્યની ભાષા ‘ડેમોટિક’ બની છે; પરંતુ વિજ્ઞાન અને શાસકીય વ્યવહારની ભાષા ‘કાથારેવુસા’ સ્વરૂપની જોવા મળે છે. કેટલાક નવા ગ્રીક નાટકકારોએ પોતાનાં નાટકોમાં ‘ડેમોટિક’ના પ્રયોગ વધારવાથી અને એના પરિણામ રૂપે વૃત્તપત્રીય લેખનમાં પણ એવા પ્રયોગ વધી જવાથી એ શૈલીની વપરાશ છેલ્લાં કેટલાંક વર્ષોથી શાસકીય વ્યવહારમાં પણ વધી ગઈ છે.

પ્રસિદ્ધ ગ્રીક મહાકવિ હોમરના કાવ્યની ભાષામાં એઑલિક અને આયૉનિક એ બંને બોલીઓના પ્રયોગો મળે છે. ઇતિહાસકાર હિરોડોટસ અને વિજ્ઞાની હિપોક્રટીઝના લેખનની બોલી આયૉનિક છે. થ્યુસિડિડીઝ અને પ્લેટોનું લેખન ઍટિકમાં છે. ગ્રીક શોકાન્તિકામાંના સંવાદો ઍટિકમાં હોય છે; પરંતુ કોરસનાં ગીતોની ભાષા ડૉરિક હોય છે. બોલીઓની વિવિધતા હોવા છતાં એમની અલગ ભાષાઓ બની નહિ એ ગ્રીક ભાષાનું એક મહત્વનું લક્ષણ છે. એના લીધે એના વ્યાકરણનું માળખું વિવિધતામાં પણ વિશિષ્ટ રચનાવાળું ટકી રહ્યું છે. એટલે હોમર કે ઍરિસ્ટોટલ જો આજે ગ્રીસમાં અવતરે તો તેને આજની ગ્રીક અપરિચિત નહિ લાગે. ગ્રીકની આ ખાસિયત સંસ્કૃત કે લૅટિનમાં જોવા મળતી નથી.

ગ્રીકનું વ્યાકરણ ઇન્ડો-યુરોપિયન પરથી વિકાસ પામેલું છે. સંસ્કૃત પ્રમાણે એમાં નામોનાં ત્રણ વચનો અને ત્રણ લિંગો હતાં. આગળ જતાં દ્વિવચન લુપ્ત થયું. વિશેષણોને પણ નામો પ્રમાણે લિંગ અને વચનના પ્રત્યયો લાગે છે. ક્રિયાપદોનાં કાળ, વચન, પુરુષ માટેના પ્રત્યયો અલગ હોય છે. માઇસિનિયન ગ્રીકમાં છ વિભક્તિઓ મળે છે જેમાંની તૃતીયા અને સપ્તમી વિભક્તિઓ આગળ જતાં લુપ્ત થઈ ગઈ.

સંસ્કૃત સાથેના સામ્યને લીધે ગ્રીક અને સંસ્કૃતનો તુલનાત્મક અભ્યાસ સંસ્કૃતનું પૂર્વસ્વરૂપ જાણવા માટે બહુ જ મહત્વનો બને છે. આવા તુલનાત્મક અભ્યાસ ઉપરથી સંસ્કૃત અને ગ્રીક બંનેમાં ઇન્ડો-યુરોપિયનની કઈ રચનાઓ, તત્વો અને વ્યવસ્થા વારસાગત રીતે આવ્યાં છે અને દરેકના પોતપોતાના ઇતિહાસમાં કયાં પરિવર્તનો સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યાં એની શાસ્ત્રશુદ્ધ મીમાંસા ઘડી કાઢવામાં ગઈ સદીના ભાષાવિજ્ઞાનીઓ યશસ્વી થયા. બંને ભાષાની ઉચ્ચારપ્રક્રિયા અને વ્યાકરણ વ્યવસ્થા જે ચોકસાઈથી ટકી રહી છે તેના લીધે જ ઇન્ડો-યુરોપિયનનો આવો અભ્યાસ એ ગયા જમાનાની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે.

ગ્રીક ભાષાનું શબ્દભંડોળ પહેલેથી જ વિપુલ હતું; તેની રૂપવ્યવસ્થા ચોક્કસ હતી અને તેની વાક્યરચના બહુ જ પ્રવાહી હોવાથી યુરોપનાં સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યોમાં ગ્રીકનું સ્થાન હંમેશ આગવું રહ્યું છે. આજે પણ વિજ્ઞાન, સાહિત્ય, ફિલસૂફી – એ ક્ષેત્રોમાં નવા શબ્દો બનાવવા માટે પાશ્ર્ચાત્ય રાષ્ટ્રોને ગ્રીક ભાષાનો આશરો લેવો પડે છે. ગ્રીક સાહિત્યે દુનિયાનાં રાષ્ટ્રોને ઉચ્ચ કોટિનાં મહાકાવ્યો અને નાટકો આપ્યાં છે. યુરોપનાં વિજ્ઞાન અને ફિલસૂફી જેવાં ક્ષેત્રોમાં એક પણ વિચાર અથવા તત્ત્વ એવાં નથી કે જેની શરૂઆત ગ્રીસમાં થઈ ન હોય.

ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિથી ગ્રીક ભાષાનો અભ્યાસ ત્રણ મુખ્ય વિગતો માટે મહત્વનો છે. સંસ્કૃતના પ્રાચીન સ્વરૂપને જાણવા માટે ગ્રીકનો અભ્યાસ અનિવાર્ય છે. ગયા શતકના ભાષાવિજ્ઞાનના પૂર્વસૂરિઓનું એવું માનવું હતું કે ઇન્ડો-યુરોપિયનની પુનર્રચના માટે સંસ્કૃતને અચલ અને અવિકારી માનવું જોઈએ. સંસ્કૃતના જે વર્ણો હતા તે જ ઇન્ડો-યુરોપિયનના હતા એવી તેમની માન્યતા હતી. ‘પાંચ’ એ સંખ્યાવાચક શબ્દ સંસ્કૃતમાં पञ्च છે અને ગ્રીકમાં તે पेन्ते એવો છે. બંનેમાં प् છે એટલે મૂળ ભાષામાં प् હતો એ તર્ક સ્વાભાવિક છે; પરંતુ સંસ્કૃતના च्ની સરખામણીમાં ગ્રીકમાં त् છે. સંસ્કૃતને અવિકારી માનીને ચાલીશું તો મૂળ ધ્વનિ च् માનવો પડે; પરંતુ ભાષાવિજ્ઞાનના આગળના વિદ્વાનોએ એવું સિદ્ધ કર્યું કે ગ્રીકનો त् એ મૂળ ભાષાનો ધ્વનિ હતો અને તેના આગળ આવતા ए સ્વરના લીધે તેનું च એવું તાલવ્યીકરણ થયું. સંસ્કૃતમાંના તાલવ્યીકરણના નિયમની આ રચના બહુ જ મહત્વની બની કેમ કે એ નિયમની રચના પછી મૂળ ઇન્ડો-યુરોપિયનના સ્વરો સંસ્કૃતમાં કેવી રીતે પરિવર્તન પામ્યા તેની વિગત સ્પષ્ટ થઈ. ગ્રીકમાં જ્યાં अ, ए, ओ સ્વરો છે ત્યાં સંસ્કૃતમાં એકલો अ જ મળે છે. એનાથી સંસ્કૃતના સ્વરોની વ્યવસ્થા અને સંસ્કૃતના વ્યાકરણકારોએ गुण અને वृद्धि નામના જે સંધિનિયમો આપ્યા છે તેમનું સ્વરૂપ સાવ બદલાઈ ગયું છે.

સંસ્કૃત સાહિત્યમાંનો यवन શબ્દ ‘આયૉનિયન’ પરથી બનેલો છે અને તેનો અર્થ ‘ગ્રીક માણસ’ એવો થાય છે. यवन શબ્દના સ્ત્રીલિંગમાં બે પ્રયોગો મળે છે : यावनी અને यवनानी. यावनीનો અર્થ ‘ગ્રીક સ્ત્રી’ એવો છે પરંતુ यवनानीનો અર્થ ‘ગ્રીક લિપિ’ એવો છે. ભારતવાસીઓને ગ્રીક લોકોની લિપિનો પરિચય ઈ. સ. પૂ.ની સદીઓમાં થયો હશે એનું અનુમાન થઈ શકે. ગંધારમાં મળી આવેલા રાજા અશોકના ખરોષ્ઠી લિપિમાં લખાયેલા પ્રાકૃત શિલાલેખોમાં પ્રાકૃત સાથે અરેમાઇક અને ગ્રીક લિપિઓમાં તેનું ભાષાંતર પણ મળે છે. આ ત્રણે લિપિઓ જાણનાર વ્યક્તિઓ તે વખતે હશે અને ત્રણેમાં લખાયેલી વિગતોનું સાચું ભાષાંતર જાણનારા પણ હશે. પ્રાકૃતના અભ્યાસીઓને માટે ગ્રીક ભાષાંતરકારે धर्म અથવા अहिंसा જેવા શબ્દોનું ગ્રીક ભાષાંતર કયા પ્રકારે કર્યું છે તેનો અભ્યાસ સંસ્કૃતિસંગમની ર્દષ્ટિથી મહત્વનો છે.

ત્રીજી વિગત એ કે ગ્રીકમાં સામાન્ય લોકોની ‘ડેમોટિક’ બોલીનો સંબંધ વિદગ્ધ બોલી ‘કાથારેવુસા’ સાથે કયા પ્રકારનો છે અને તે બંને સામાન્ય વ્યવહારમાં કેવી રીતે વપરાય છે એનો અભ્યાસ ભારતીય ભાષાઓના સંદર્ભમાં ઉપયોગી છે. ગ્રીક ભાષાવ્યવહારમાં ‘ડેમોટિક’નો ઉપયોગ વધી ગયો છે એ વિગત વિશ્વભરના ભાષાવ્યવહારમાં જે સામાજિક પરિબળો કામ કરે છે તેનું દર્શન કરાવે છે. મહત્વની વિગત એ છે કે આવો વ્યવહાર ‘કૉઈની’ના વખતથી એટલે કે ભારતમાં પ્રાકૃત ભાષા પ્રચલિત થઈ ત્યારથી થતો આવ્યો છે; પરંતુ ભારતની પ્રાકૃત બોલીઓ અને તેના પછીની બોલીઓમાં જે પરિવર્તનો થયાં તે એટલાં ઝડપથી અલગ-અલગ થયાં કે પ્રાકૃત બોલીઓ એકબીજીથી જુદી થઈને તેમની સ્વતંત્ર ભાષાઓ બની તેવું ગ્રીસમાં થયું નહિ. ગ્રીક બોલીઓનું સાતત્ય ટકી રહ્યું; પરંતુ તે ભાષાઓ બની નહિ એ પ્રક્રિયામાં કયાં પરિબળો હતાં એ શોધ ભાષાવિજ્ઞાનની ર્દષ્ટિએ મહત્વની છે. ગ્રીક ભાષા પ્રાચીન જમાનાથી આજ સુધી ગ્રીક જ રહી છે. એટલે કે બોલીઓના વૈવિધ્યથી તેની ભાષાવ્યવસ્થાને બાધ આવ્યો નહિ. ભારતની બોલીઓની સીમારેખાઓ ભૌગોલિક હોવા કરતાં જાતીય છે. એના લીધે તે રેખાઓ જ્યારે ર્દઢ થાય છે ત્યારે બોલીઓને અલગ પાડી દેતી હશે. ગ્રીકભાષી જનતામાં આવી સીમારેખાઓ નથી. ભાષાના વિદગ્ધ સ્વરૂપને ભૂંસી નાખવા માટે જાતીય (racial) સીમારેખાઓ જવાબદાર હોય છે એ ગ્રીક ભાષાના અભ્યાસ પરથી તારવી શકાય.

ગ્રીક ભાષાની જે નિર્મિતિક્ષમતા પ્લેટોના લેખનમાં અથવા ગ્રીક નાટકોની ભાષામાં મળે છે તેનો પ્રભાવ યુરોપની બધી ભાષાઓના સાહિત્ય ઉપર પડ્યો તેનું રહસ્ય શું ? એ સવાલનો જવાબ આપવા માટે અત્યાર સુધી કોઈ પણ આધાર ન હતો; પરંતુ તે હવે કંઈક અંશે પ્રાપ્ત થયો છે. ઈ. સ. 1898થી માંડીને અત્યાર સુધીના પુરાવસ્તુવિદોના પરિશ્રમથી ગ્રીક પ્રદેશમાં ‘ઓગ્ઝીરિંખુસ પાપિરિ’ ‘પેપિરસ લેટર્સ’ નામથી ઓળખાતાં લખાણો પ્રાપ્ત થયાં છે. ઈ. પૂ.ની ત્રીજી સદીની વચમાં ‘પાપિરિ’માંનું લેખન શરૂ થાય છે અને આગળની દસ-અગિયાર સદીઓ સુધી ચાલુ રહે છે. અંગત પત્રો, હિસાબ, કરાર, ઇત્યાદિ લખેલાં મળે છે. તેમની ભાષા અત્યંત સાદી, રોજના વ્યવહારની, સંભાષણાત્મક છે. એ લેખનની શૈલી લગભગ પ્લેટો કે ઍરિસ્ટોફનિસના લેખન જેટલી સરળ અને સુલભ છે. તેના અભ્યાસ પરથી, બોલાતી ગ્રીકનું જે સ્વરૂપ તરી આવે છે તે ભાષાવિજ્ઞાનના અભ્યાસ માટે અગત્યનું છે. ગ્રીક ભાષામાં થતાં ધ્વનિ અને રૂપોનાં પરિવર્તનોનો ખ્યાલ એના પરથી સારી રીતે આવે છે. ‘પાપિરિ’ની શોધ પરથી ગ્રીકમાં સામાન્ય વ્યવહારની ભાષાનો ઉપયોગ, તાત્વિક લેખન માટે સંવાદપદ્ધતિ, ગ્રીક વિદ્વાનોમાંની ચર્ચાની પ્રથા અને ભાષણપદ્ધતિ ઇત્યાદિનો સારો ખ્યાલ આવે છે. તે લેખનને આલંકારિકતાનો કે કૃત્રિમ શૈલીનો દૂરથી પણ સ્પર્શ થતો નથી. જે ભાષાના ઉપયોગમાં પહેલેથી જ આવી સજીવતા, શ્રોતાને સુલભ એવી ભાષારચના, સંભાષણની પ્રસન્નતાકારક આપ-લે અને તેનાથી નિર્માણ થતી સ્વાભાવિકતા અને વિચારશુદ્ધતા હતી તેનું ભાવિ ઉજ્જ્વળ બનશે એવું તે વખતે જ નક્કી થયું હશે તેવું લાગે છે. ‘‘ગ્રીકોનો સૌથી મોટો વિજય એમની પોતાની ગ્રીક ભાષાનું ઘડતર છે.’’ એવી યુરોપના વિદ્વાનોની જે માન્યતા છે તે ‘પાપિરિ’ના લેખન પરથી સાચી લાગે છે.

દિ. દ. માહુલકર