ગોરખપુર : ઉત્તરપ્રદેશના પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.ની આજુબાજુનો 3,321 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે મહારાજગંજ, પૂર્વ તરફ કુશીનગર અને દેવરિયા, દક્ષિણ તરફ આઝમગઢ તથા પશ્ચિમ તરફ સંત કબીરનગર જિલ્લા આવેલા છે. જિલ્લામથક ગોરખપુર જિલ્લાના ઉત્તર તરફના મધ્યભાગમાં આવેલું છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ–વનસ્પતિ–આબોહવા : જિલ્લાનું ભૂપૃષ્ઠ સમતળ મેદાની પ્રદેશથી બનેલું છે, વચ્ચે વચ્ચે છીછરા નદી-ખીણભાગો આવેલા છે. ઘાઘ્રા અને રાપ્તી અહીંની મુખ્ય નદીઓ છે. અહીં જોવા મળતાં મુખ્ય વૃક્ષોમાં જાંબુડો, મહુડો, ખેર, હલ્દુ અને સીસમ વગેરેનો સમાવેશ થાય છે. આ સ્થળ દરિયાથી દૂર આવેલું હોઈ અહીંની આબોહવા વિષમ રહે છે; અહીંના ઉનાળા અને શિયાળા આકરા રહે છે.
ખેતી–પશુપાલન : જિલ્લામાં ઘઉં, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ અને જવ મુખ્ય કૃષિપાકો છે; આ ઉપરાંત અન્ય પાકોમાં કઠોળ (મગ, અડદ, વટાણા), તેલીબિયાં, મગફળી, તમાકુ અને કપાસનું વાવેતર પણ થાય છે.
જિલ્લામાં ઘણી સંખ્યામાં ગાયો, ભેંસો, ઘેટાં-બકરાં જેવાં પાલતુ પ્રાણીઓ જોવા મળે છે. આ ઉપરાંત ડુક્કર અને મરઘાં-બતકાં પણ સારી સંખ્યામાં છે. અહીં પશુદવાખાનાં, પશુવિકાસ-કેન્દ્રો, કૃત્રિમ ગર્ભાધાન-કેન્દ્રો, ઘેટાં-ઉછેરમથકો તેમજ સહકારી દૂધમંડળીઓ પણ કાર્યરત છે.
ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં ખાંડનાં ઘણાં કારખાનાં આવેલાં છે, અહીંનું ‘ગોરખપુર ફર્ટિલાઇઝર’ એકમ આ વિસ્તારમાં જાણીતું છે, તેમાં રાસાયણિક ખાતરોનું ઉત્પાદન લેવાય છે. આ સિવાય અહીં ઔદ્યોગિક વસાહત પણ ઊભી કરવામાં આવી છે. જિલ્લામાં હાથસાળનું કાપડ, રાયડાનું તેલ, કઠોળ, ગોળ અને ખાંડનું ઉત્પાદન લેવાય છે અને તે પૈકીની મોટા ભાગની પેદાશોની નિકાસ પણ થાય છે. અહીં કાપડ, દવાઓ, લોખંડ, કોલસો અને કેરોસીનની આયાત થાય છે.
પરિવહન–પ્રવાસન : જિલ્લામાં રેલમાર્ગો અને સડકમાર્ગોની ગૂંથણી વિકસેલી છે. બ્રૉડ ગેજ અને મીટર ગેજ રેલમાર્ગો દેશનાં તેમજ રાજ્યનાં શહેરો સાથે સંકળાયેલા છે. અહીંના રાજ્ય-ધોરીમાર્ગો તથા જિલ્લામાર્ગોની લંબાઈ અંદાજે 2500 કિમી. જેટલી છે.
જિલ્લામાં બૌદ્ધમંદિરોનાં દર્શનાર્થે ઘણા પરદેશીઓની અવરજવર રહે છે. ગોરખપુરમાં બાબા ગોરખનાથની પીઠનું મુખ્ય મથક આવેલું છે. ધાર્મિક પુસ્તકો માટે ગીતા પ્રેસ અને હાથસાળના કાપડ માટે ગોરખપુર જાણીતું છે. ત્યાં ટુવાલ અને ચાદરો તૈયાર થાય છે. વારતહેવારો પર અહીં મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.
વસ્તી–લોકો : 2022 મુજબ આ જિલ્લાની વસ્તી 50,10,772 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓનું સંખ્યા-પ્રમાણ અનુક્રમે અંદાજે 52% અને 48% જેટલું છે, જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 80% અને 20% જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુઓની વસ્તી વિશેષ છે, જ્યારે મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને જૈનોની વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 50% જેટલું છે. પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યા મધ્યમસરની છે. વહીવટી સરળતા માટે જિલ્લાને તાલુકા અને સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં નગરો અને 3319 ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : ઈ. પૂ.ની 3જી સદીમાં આ પ્રદેશ સમ્રાટ અશોકના શાસન હેઠળ આવેલો હતો. તે પછી ઈ. પૂ. 184માં શૂંગ વંશના રાજાઓ તથા ગુપ્ત વંશના રાજાઓ આ પ્રદેશ ઉપર રાજ્ય કરતા હતા. ગુપ્ત રાજાઓના પતન બાદ આ પ્રદેશ પર આદિવાસીઓની સત્તા હતી; પરંતુ કેટલાક સમકાલીન પુરાવા દર્શાવે છે કે વખતોવખત રાજપૂત રાજાઓની સત્તા અહીં પ્રવર્તતી હતી. 10મી કે 11મી સદીનો ભાગલપુર સ્તંભલેખ જણાવે છે કે અયોધ્યાના રાજાના વંશજ સૂરજવંશી જાતિનો રાજા શાસન કરતો હતો. મુસલમાનોની જીત અગાઉ, મજૌલીમાં પ્રાચીન રાજપૂત કુટુંબો વસતાં હતાં. સરહદો બદલાતી હોવાથી મુસલમાનોના શાસન દરમિયાન આ જિલ્લો ઔધ (અવધ) રાજ્યમાં કે બિહારમાં હતો તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે. 1721માં સાદતખાને ગોરખપુર સહિત ઔધનો પ્રાંત મેળવ્યો. 1725ના અરસામાં વણજારાઓએ અનેક ગામોનો વિનાશ કર્યો. ફૈઝાબાદથી લશ્કર મોકલવામાં આવ્યું; પરંતુ તે અસરકારક થયું નહિ અને આખા જિલ્લામાં અરાજકતા ફેલાઈ. માત્ર મજૌલીનો રાજા પોતાના પ્રદેશમાં શાંતિ અને સલામતી જાળવી શક્યો. ગોરખપુરમાં રાખેલા લશ્કરે બળવો કરવાથી ત્યાં વધુ મજબૂત લશ્કર મોકલવામાં આવ્યું. નવેમ્બર, 1801ની સંધિ દ્વારા નવાબ વજીરે દેવું ભરપાઈ કરવા વાસ્તે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ગોરખપુર સહિત કેટલાક પ્રદેશો આપ્યા. કંપનીએ કબજો સંભાળી મિ. રાઉટલેજને વહીવટદાર નીમ્યો. તેને શરૂનાં વર્ષોમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. રાજાઓની સમિતિ રચવામાં આવી હતી. તે ઉપયોગી થઈ નહિ. અંગ્રેજી અધિકારી મિ. બર્ડને નાસી જવું પડ્યું. સિવિલ સ્ટેશનના બંગલાઓને આગ ચાંપવામાં આવી. તેથી મુહમ્મદ હસને ત્યાં જઈને મિલકતોનો નાશ થતો રોક્યો. મહેસૂલની માગણી માટે તેણે રેકર્ડ સાચવ્યું. તેણે કાયદો અને વ્યવસ્થા સ્થાપ્યાં. વ્યવસ્થા સ્થાપ્યા બાદ, વફાદારોને યોગ્ય બદલો આપ્યો અને વિરોધીઓને સજા કરવામાં આવી. ગોરખપુરના રાજાને વફાદારી વાસ્તે કેટલાક પ્રદેશો સહિત સારો બદલો આપવામાં આવ્યો. ગોરખપુરના મિયાંસાહેબે અંગ્રેજોને રક્ષણ આપ્યું હતું. મજૌલીના રાજાને ભારે દેવું થઈ ગયું હતું. તે ભરવાની જવાબદારી સરકારે લીધી.
ગોરખપુર (શહેર) : ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લાનું વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 26° 45´ ઉ. અ. અને 83° 22´ પૂ. રે.. તે રાપ્તી નદીના ડાબે કિનારે વારાણસીથી ઉત્તરે 160 કિમી.ને અંતરે આવેલું છે. તથા રાપ્તી અને રોહિણી નદીઓ તથા રામગઢ તળાવથી વીંટળાયેલું છે. તે ઈશાન રેલવેનું મુખ્ય જંક્શન છે. લખનૌ–ફૈઝપુર ધોરી માર્ગ અહીંથી પસાર થાય છે અને દક્ષિણે ગાઝીપુર–વારાણસી સુધી જાય છે. તે આંતરિક જળમાર્ગનું પણ કેન્દ્ર છે. શહેરના 60% લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે.
ગોરખપુર નાથસંપ્રદાયના સ્થાપક ગોરખનાથના નામ સાથે સંકળાયેલું છે. અહીંનું ગોરખનાથનું ભવ્ય મંદિર અલાઉદ્દીન ખલજીએ તોડી પાડી ત્યાં મસ્જિદ બંધાવી હતી. અંગ્રેજોના શાસન દરમિયાન તેનો વ્યવસ્થિત વિકાસ થયો. અહીંના માર્કેટયાર્ડમાં ચોખા, તમાકુ, તેલીબિયાં, શેરડી અને ઘઉંનો વેપાર થાય છે. અહીં લોખંડનો સામાન, કાગળ, ખાદ્યપદાર્થો, પીણાં, તમાકુ અને બીડીનાં કારખાનાં આવેલાં છે. 1956માં સ્થપાયેલી ગોરખપુર વિદ્યાપીઠ અહીં આવેલી છે. માનવવિદ્યા, કલા, વિજ્ઞાન, વાણિજ્ય, કાયદો, ઇજનેરી જેવી વિદ્યાશાખાઓની કૉલેજો અહીં છે. વનસ્પતિશાસ્ત્ર અને પ્રાચીન ઇતિહાસનાં અહીં સંશોધનકેન્દ્રો પણ છે; એમાં ચીની, ફ્રેન્ચ, જર્મન, તિબેટી અને ભારતીય સંગીતની વિશિષ્ટ શાખાઓ છે. પુરાતત્ત્વીય વસ્તુઓનું સંગ્રહસ્થાન પણ અહીં આવેલું છે.
શિવપ્રસાદ રાજગોર
જયકુમાર ર. શુક્લ
ગિરીશભાઈ પંડ્યા