ગોરખનાથ 2 (ચૌદમી–પંદરમી સદી) : હિન્દી લેખક. નાથ સંપ્રદાયની ગુરુશિષ્યપરંપરામાં ગોરખનાથનું વિશિષ્ટ સ્થાન છે. એમણે ગદ્ય અને પદ્ય બંનેમાં રચના કરી છે. એમનાં પુસ્તકો છે : ‘ગોરખ-ગણેશ ગોષ્ઠી’, ‘મહાદેવગોરખ સંવાદ’, ‘ગોરખજી કી સત્રહ કલા’, ‘ગોરખબોધ’, ‘દત્ત-ગોરખ સંવાદ’, ‘યોગેશ્વર સાખી’, ‘નરવઈ બોધ’, ‘વિરાટપુરાણ’ તથા ‘ગોરખવાણી’. આમાંની કેટલીક રચનાઓ સંદિગ્ધ મનાય છે. ડૉ. પીતાંબરદાસ બડથ્યાએ ‘ગોરખવાણી’ શીર્ષકથી એમની રચનાઓ સંપાદિત કરી છે. ગોરખનાથે હઠયોગનો ઉપદેશ આપ્યો છે. ‘હ’ એટલે સૂર્ય અને ‘ઠ’ એટલે ચંદ્ર : બંનેના સંયોજનને હઠયોગ કહે છે. એ માર્ગમાં ષટ્ચક્રોનું પ્રાધાન્ય છે. હઠયોગી સાધક શરીર તથા મનને શુદ્ધ કરીને શૂન્યમાં સમાધિ લગાવે છે.

ગોરખનાથની રચનાઓમાં ‘ગુરુમહિમા’, ‘વૈરાગ્યસાધના’, ‘કુંડલિની જાગૃતિ’, ‘શૂન્યસમાધિ’ વગેરેનું વર્ણન છે. નિર્ગુણમાર્ગી ભક્તિશાખા પર ગોરખનાથનો પ્રબળ પ્રભાવ છે.

ગીતા જૈન