ગોરખનાથ (ગોરક્ષનાથ 1)

February, 2011

ગોરખનાથ (ગોરક્ષનાથ 1) (ઈ. સ.ની દસમી કે અગિયારમી સદી) : ગુજરાતમાં સોલંકીકાળ દરમિયાન પ્રચલિત બનેલા સંપ્રદાયના મુખ્ય પ્રવર્તક. આ સંપ્રદાયના સાધુઓના નામાન્તે ‘નાથ’ શબ્દ પ્રયોજાતો. નાથ એટલે અનાદિ ધર્મ. ‘નાથ’ શબ્દ ઈશ્વર અથવા પશુપતિની જેમ સ્વામી કે મહેશ્વરના અર્થમાં અભિપ્રેત હોવાનું જણાય છે. બહુ પ્રાચીન કાળથી આ સંપ્રદાય સિદ્ધમતને નામે પણ ઓળખાતો. તેથી તેના ગ્રંથો ‘સિદ્ધાંત ગ્રંથ’ તરીકે ઓળખાય છે. આ પંથના મૂળ નવ આચાર્યો છે : (1) દત્તાત્રેય, (2) આદિનાથ, (3) જડભરત, (4) સહસ્રાર્જુન, (5) મત્સ્યેન્દ્રનાથ, (6) ગોરક્ષનાથ, (7) જલંધરનાથ, (8) નાગાર્જુન અને (9) દેવદત્ત. આમાં 2, 5, 6 અને 7 નામ સામાન્ય છે. આ નામો તાંત્રિક સિદ્ધોમાં અને તિબેટની સિદ્ધપરંપરામાં જાણીતાં છે.

ગોરખનાથ યુગપ્રવર્તક : શંકરાચાર્ય પછી ધાર્મિક ક્ષેત્રે આટલો પ્રભાવશાળી અને મહિમાન્વિત મહાપુરુષ બીજો ભાગ્યે જ કોઈ મળે. ભક્તિ-આંદોલન પહેલાં સૌથી શક્તિશાળી ધાર્મિક આંદોલન ગોરખનાથનો યોગમાર્ગ હતો. ભારતવર્ષમાં એવી કોઈ ભાષા નથી જેમાં ગોરખનાથ સંબંધી કથાઓ ન હોય. ગોરખનાથ પોતાના યુગના મહાન નેતા હતા.

જન્મસ્થાન : એમના જન્મસ્થાન વિશે કોઈ નિશ્ચિત પત્તો મળતો નથી.

‘યોગિસંપ્રદાયાવિષ્કૃતિ’માં ગોદાવરીતટે કોઈ ચંદ્રગિરિમાં તેમનો જન્મ થયાનું જણાવ્યું છે.

‘ગોરક્ષસહસ્રનામસ્તોત્ર’માં એક શ્લોક એવી મતલબનો છે કે દક્ષિણ દિશામાં કોઈ ‘બડવ’ નામનો દેશ છે. ત્યાં મહામંત્રના પ્રભાવથી મહાબુદ્ધિશાળી ગોરખનાથ પ્રાદુર્ભૂત થયા.

બંગાળમાં એવી માન્યતા છે કે ગોરખનાથ ત્યાં જન્મેલા. નેપાળની અનુશ્રુતિઓ એવું સૂચવે છે કે તેઓ પંજાબથી નેપાળ આવ્યા હતા. નાસિકના યોગીઓ એવું માને છે કે ગોરખનાથ પહેલાં નેપાળથી પંજાબ ગયા અને ત્યાંથી નાસિક આવ્યા હતા.

કચ્છમાં પ્રસિદ્ધ છે કે ગોરખનાથના શિષ્ય ધર્મનાથ પેશાવરથી કચ્છ આવ્યા હતા. ગ્રિયર્સને એમને ગોરખનાથના સતીર્થ કહ્યા છે, પરંતુ વસ્તુત: ધર્મનાથ ઘણા અનુકાલીન છે.

ક્રુક્સે એક પરંપરાનો ઉલ્લેખ કર્યો છે. ગ્રિયર્સને પણ એ પરંપરા નોંધી છે. એમાં કહ્યું છે કે ગોરક્ષનાથ સત્યયુગમાં પંજાબના પેશાવરમાં, ત્રેતાયુગમાં ગોરખપુરમાં, દ્વાપરયુગમાં દ્વારકાથી આગળ (અર્થાત્ ઈરાનના અખાત વિસ્તારમાં) હુરમુજમાં અને કલિયુગમાં ગોરખમઢીમાં પ્રાદુર્ભૂત થયા.

ગોરખમઢી સોમનાથ-પાટણથી પૂર્વમાં 14.67 કિમી. અને પ્રાચી કુંડથી પશ્ચિમે 9.78 કિમી.ના અંતરે સરસ્વતીતટે આવેલી છે. ગોરખનાથના આ સ્થાનકમાં આ પંથના સાધુઓના મઠો છે.

ગિરનાર પર આવેલ ટૂકોમાં સૌથી ઊંચી ટૂક (1117 મી.) ગોરખનાથની ટૂક તરીકે ઓળખાય છે. એ ટૂકની ટોચ પર ગોરખનાથનું સ્થાનક આવેલું છે. ગોરખનાથે આ સ્થાને તપ કરેલું એવી માન્યતા છે.

વળી પ્રભાસ-પાટણમાં ત્રિપુરાંતકે સોમનાથના મંડપની ઉત્તરે બંધાવેલાં શિવાલયોની વચ્ચે ગોરક્ષ (ગોરખ) આદિ મંદિર બંધાવ્યાં હતાં. એવી રીતે ગોરખનાથના શિષ્ય ધર્મનાથ કચ્છમાં આવી વસ્યા. એ પણ ગુજરાતના દાવાને સમર્થન આપે છે.

ગોરખનાથે સંસ્કૃત ભાષામાં લખ્યા ગણાતા ગ્રંથો નીચે પ્રમાણે છે : 1. અમનસ્ક, 2. અમરૌઘશાસનમ્, 3. અવધૂતગીતા, 4. ગોરક્ષકલ્પ, 5. ગોરક્ષકૌમુદી, 6. ગોરક્ષગીતા, 7. ગોરક્ષચિકિત્સા, 8. ગોરક્ષપંચક, 9. ગોરક્ષપદ્ધતિ, 10. ગોરક્ષશતક, 11. ગોરક્ષશાસ્ત્ર, 12. ગોરક્ષસંહિતા, 13. ચતુરશીત્યાયન, 14. જ્ઞાનપ્રકાશશતક, 15. જ્ઞાનશતક, 16.  જ્ઞાનામૃતયોગ, 17. નાડીજ્ઞાનપ્રદીપિકા, 18. મહાર્થમંજરી, 19. યોગચિંતામણિ, 20. યોગમાર્તણ્ડ, 21. યોગબીજ, 22. યોગશાસ્ત્ર, 23. યોગસિદ્ધાસનપદ્ધતિ, 24. વિવેકમાર્તણ્ડ, 25. શ્રીનાથસૂત્ર, 26. સિદ્ધસિદ્ધાંતપદ્ધતિ, 27. હઠયોગ, 28. હઠસંહિતા.

એમણે સંસ્કૃત ઉપરાંત લોકભાષાને પણ ઉપદેશનું માધ્યમ બનાવ્યું હતું.

ગોરખનાથ અને કંથડી : ગુજરાતમાં સરસ્વતીને તટે રહેતા કંથડી નામના સિદ્ધ સાથે ગોરખનાથનો ગુરુ તરીકેનો સંબંધ જણાય છે.

ગોરખનાથ અને હઠયોગ : પરંપરા અનુસાર નાથ સંપ્રદાયના પ્રવર્તક આદિનાથ (શિવ) હતા. ગોરખનાથ એ કાલના એક મહાન ધાર્મિક નેતા હતા. એ સમયે ઇસ્લામનો ભારતમાં પ્રચાર થવા લાગ્યો હતો. બીજી બાજુ વજ્રયાન બૌદ્ધો, શાક્તો અને કેટકેટલાક શૈવો ગુહ્ય સાધનાઓ દ્વારા અનૈતિક આચરણ કરતા હતા. ધર્મના નામે અનેક ભેદો પ્રવર્તતા હતા. આવી વિષમ પરિસ્થિતિમાં ગોરખનાથે જુદા જુદા યોગપરક સંપ્રદાયોનું વિશાળ સંગઠન કર્યું. એમના પ્રબળ પુરુષાર્થ અને આકર્ષક વ્યક્તિત્વને લઈને અનેક પ્રાચીન મતો નાથ સંપ્રદાયમાં ભળી ગયા. ગોરખનાથે પંજાબ, ઉત્તરપ્રદેશ, નેપાળ, મેવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશોમાં ફરીને પોતાના ‘હઠયોગ’નો અલખ જગાવ્યો. તેમણે નાતજાતના ભેદભાવ વગર પોતાના પંથમાં લોકોને દીક્ષા આપવા માંડી. જોતજોતામાં આ સંપ્રદાય ભારતના ઘણા ભાગોમાં ફેલાઈ ગયો.

ગોરખનાથના દાર્શનિક સિદ્ધાંતો વેદાંત જેવા જ છે. પણ તેઓ શંકરાચાર્યની માફક કેવળ જ્ઞાનમાર્ગને આત્મજ્ઞાન માટે પર્યાપ્ત ગણતા નથી. તેઓ માનતા કે જ્યાં સુધી શરીર અને તેની ઇંદ્રિયોને વશ કરવામાં ન આવે ત્યાં સુધી તેમજ ચિત્તવૃત્તિઓનો પૂર્ણપણે નિરોધ કરવામાં ન આવે ત્યાં સુધી મનુષ્ય ક્યારેય પોતાનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકતો નથી. તેમને મતે યોગીનું પરમ લક્ષ્ય કૈવલ્યાવસ્થાવાળી સહજ સમાધિ પ્રાપ્ત કરવી એ છે. આ લક્ષ્ય વેદપાઠથી, જ્ઞાનથી કે વૈરાગ્યથી પ્રાપ્ત થઈ શકતું નથી. તેની પ્રાપ્તિ ગુરુની કૃપા દ્વારા જ થઈ શકે. ગુરુના માર્ગદર્શન અને આદેશ મુજબ જ ‘હઠયોગ’ સાધવાનો ગોરખનાથે સાધકોને ઉપદેશ કર્યો હતો.

‘હઠયોગ’ પાતંજલ યોગનું જ એક વિકસિત રૂપ છે. ‘હઠયોગ’ સાંકેતિક શબ્દ છે. ‘હ’નો અર્થ છે બહાર જનાર વાયુ(પ્રાણ)થી અને ‘ઠ’ એટલે અંદર જનાર વાયુ(અમાપ)થી અર્થાત્ પ્રાણ અને અપાન વાયુમાં સમત્વ લાવનાર યોગ ‘હઠયોગ’ કહેવાય છે. નાથપંથનો સિદ્ધાંત છે કે સ્થૂળ શરીર અને સૂક્ષ્મ શરીર એક જ ભાવથી ગૂંથાયેલાં છે. અને બંનેનો એક બીજા પર સતત પ્રભાવ રહ્યા કરે છે. આ સંપ્રદાયમાં પરમાત્માને સત્ અને અસત્ – નામ અને રૂપ બંનેથી પર માનવામાં આવે છે. પરમાત્મા ‘કેવળ’ છે તેની સાથે જીવનું તાદાત્મ્ય કેળવાય એ જ કૈવલ્ય મોક્ષ કે યોગ છે. આ જન્મમાં તેની અનુભૂતિ કરાવી એ નાથ યોગીનું લક્ષ્ય હોય છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કાયાનું શોધન કરવું અનિવાર્ય છે. યમ, નિયમ, આસન, પ્રાણાયમ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગ યોગ દ્વારા કાયા શુદ્ધ થાય છે.

પ્રવીણચંદ્ર પરીખ

જે. પી. અમીન

જી. પ્ર. અમીન