ગોકળદાસ તેજપાલ (જ. 16 જૂન 1822, મુંબઈ; અ. 19 નવેમ્બર 1867, મુંબઈ) : ગરીબીમાંથી જાતમહેનત કરી આગળ આવી પોતાની સંપત્તિની ઉદાર હાથે અનેકવિધ સખાવતો કરીને નામાંકિત થનાર પરોપકારી શ્રેષ્ઠી. જ્ઞાતિએ તેઓ કચ્છી ભાટિયા વણિક હતા. શેઠ ગોકળદાસના પિતામહ ખટાઉ કેશવજી કચ્છમાં આવેલા કોઠારા ગામના વતની હતા. તેમને બે દીકરાઓ – નાનજી અને તેજપાલ. ખટાઉ કેશવજીએ કારમી ગરીબીને કારણે દસ વર્ષના દીકરા નાનજીને બે ટંકના ભાતા સાથે કોઈ ટંડેલને આજીજી કરી મુંબઈ જતા વહાણમાં ચડાવી દીધો. ત્યાં મહેનત-મજૂરી કરી પોતાની જાતે નસીબ અજમાવ્યું અને નાના ભાઈ તેજપાલને પણ મુંબઈ બોલાવી બહુ હેતથી કામધંધો શીખવ્યો. ધીરે ધીરે મલબાર સાથેના વેપારમાં તે સૌથી મોટા વેપારી ગણાવા લાગ્યા.

નાનજીને કોઈ સંતાન ન હતું. તેજપાલને એક દીકરો અને બે દીકરીઓ હતાં. દીકરાનું નામ ગોકળદાસ. 1832માં ગોકળદાસની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી ત્યારે તેમના પિતાનું અવસાન થયું. શેઠ તેજપાલ રૂ. 3 લાખનો વારસો પોતાના પુત્રને સોંપી ગયા. કાકા નાનજીએ ગોકળદાસને દીકરાની જેમ રાખ્યો. ગોકળદાસ પાંચ ગુજરાતી સુધી ભણ્યા હતા. પારસી શિક્ષક પાસે થોડું અંગ્રેજી શીખ્યા. નાનજી શેઠ ગોકળદાસને ધંધામાં પલોટવા લાગ્યા. ગોકળદાસ ખૂબ જ ખંતપૂર્વક કામ શીખવા લાગ્યા. દિવસના 14 કલાક કામ કરતા, ઉઘરાણીમાં માળાના દાદરા ચડવા, ગલીકૂંચીઓમાં પગે ચાલી રખડવું, મોડી રાતે રોજનું નામું લખવું, પુરાંત સાચવવી, વેપાર અને ઘર સંભાળવાં, ન કોઈ કુટેવ કે વ્યસન. વળી તેમના કાકા શેઠ નાનજી નિર્વંશ ગુજરી જવાથી તેમનો રૂ. 6 લાખનો વારસો તેમને મળ્યો. વારસામાં મળેલી દોલત સાચવીને તેઓ પુષ્કળ ધન કમાયા. તેમણે પોતાની મિલકતનો કેટલોક ભાગ પરમાર્થનાં કાર્યોમાં જ વાપર્યો. તેમની પહેલી સખાવત સને 1852માં તેમના મૂળ વતન કોઠારામાં ધર્મના કાર્ય અંગે શરૂ થઈ હતી. આ સખાવતોમાં : 1858માં મુંબઈમાં હિંદુઓનાં બાળકોને દેશી તથા અંગ્રેજી વિદ્યાની કેળવણી મફત આપવા માટે બે સ્કૂલો સ્થાપવા માટે રૂ. 56,000ની રકમ સરકારને આપી તથા 1867માં તેમણે ગરીબોને માટે એક મોટું દવાખાનું સ્થાપવા માટે રૂ. 1,50,000ની રકમ સરકાર હસ્તક સોંપી અને તે રકમમાંથી તેમના મરણ પછી 1870માં મુંબઈમાં એક મોટી હૉસ્પિટલ સ્થાપવામાં આવી, જે ‘શેઠ ગોકળદાસ તેજપાલ હૉસ્પિટલ’ નામે પ્રખ્યાત છે.

શેઠ ગોકળદાસનાં પ્રથમ પત્ની જમનાબાઈ એક પુત્રીને જન્મ આપીને ગુજરી ગયાં હતાં (1840). તેથી તેમણે શામાબાઈ સાથે ફરી લગ્ન કર્યાં. તેમને સંતાન ન થવાથી તેમણે પોતાના ભાણેજ શેઠ દ્વારકાદાસ વસનજીના પુત્ર સુંદરદાસનું નામ ગોવર્ધનદાસ રાખીને તેમને દત્તક લીધા. તેઓ અનેક પુણ્ય અને પરમાર્થનાં કાર્યો કરી અમર થઈ ગયા અને આશરે 40 લાખની દોલત મૂકતા ગયા. તેઓ તેમના ત્રણ વિશ્વાસુ ટ્રસ્ટીઓ મારફત વસિયતનામું કરીને કેટલાંક લોકોપયોગી કાર્યો માટે દાનની રકમો ફાળવવાનું ફરમાવી ગયા હતા, તે સારણીમાં દર્શાવ્યું છે :

રૂ. 6,08,000 ગરીબ હિંદુ વિદ્યાર્થીઓને મફત ખાવા, રહેવા તથા કેળવણી આપવા બોર્ડિંગ, સ્કૂલો તથા સંસ્કૃત પાઠશાળાઓ સ્થાપવા તેમજ ફતેહમંદ વિદ્યાર્થીઓને ઇનામો આપવા માટે રકમ ફાળવવામાં આવી.
રૂ. 1,55,000 ‘ગોકળદાસ તેજપાલ ભાટિયા નિરાશ્રિત ફંડ’ સ્થાપી તેમાંથી ભાટિયા જ્ઞાતિની વિધવાઓને તથા અનાથ બાળકો વગેરેને મદદ કરવા, ગરીબ કન્યાઓને પરણાવવા, અંધજનોને પાળવા તથા ગરીબ લોકોને અંત્યેર્દષ્ટિ માટે મદદ કરવા માટે આપી.
રૂ. 40,000 પોતાની પુત્રી જમનાબાઈ તથા બહેન માણેકબાઈના નામે ફંડ સ્થાપી એ રકમનું વ્યાજ તેમને હયાતી સુધી મળે અને ત્યારબાદ તેમની ઇચ્છા મુજબ ઉપર્યુક્ત પૈકી જાહેર ધર્મ-ખાતામાં ભેળવી દેવાનું જણાવ્યું.
રૂ. 65,000 કચ્છમાં આવેલા પોતાના વતન કોઠારા ગામની જાહેર ધર્મશાળાના, દેશના અને બીજા ધર્મના ફંડમાં મદદ માટે ફાળવ્યા.
રૂ. 10,000 કોઠારામાં તળાવ બાંધવાના ફંડ ખાતે.
રૂ. 8,78,000 કુલ

આ ધર્માદાખાતાની દિનપ્રતિદિન આબાદી અને વૃદ્ધિ થતી રહે તે માટે તથા એ ખાતાનો વહીવટ સારી રીતે ચલાવવા શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ તનમનથી જહેમત ઉઠાવી હતી.

આ સખાવતોને કારણે કચ્છનાં ગામોમાં દેવમંદિરો, ધર્મશાળાઓ, સદાવ્રતો, પાઠશાળાઓ ઉપરાંત મુંબઈમાં દાદીશેઠ અગિયારી લેન પરની જી. ટી. હાઈસ્કૂલ, ગોવાળિયા તળાવ પરનું સુપ્રસિદ્ધ લક્ષ્મીનારાયણ મંદિર, ગોકળદાસ તેજપાલ સંસ્કૃત પાઠશાળા, કન્યાશાળા અને બોર્ડિગ પ્રખ્યાત છે. જી. ટી. બોર્ડિગ મુંબઈનાં ઐતિહાસિક સ્થળોમાંનું એક ગણાય છે, કેમ કે ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસનું સૌપહેલું અધિવેશન ત્યાં જ મળેલું. ઉપરાંત જાહેર જીવનમાં નામ કાઢનાર પ્રથમ પંક્તિના અનેક આગેવાનો આ બોર્ડિગમાં રહીને તૈયાર થયા છે.

નયના શુક્લ