ગોકળગાય (slug) : સમુદાય મૃદુકાય (mollusca); વર્ગ ઉદરપદી (gastropoda) અને શ્રેણી Pulmonataનું સ્થળચર પ્રાણી. ગોકળગાયને બાહ્યકવચ હોતું નથી. સામાન્યપણે પ્રાવર(બાહ્યકવચ)ના રક્ષણાત્મક ભાગની અંદર અંતસ્થ અંગો ઢંકાયેલાં હોય છે. પ્રાવરગુહા (mantle cavity) શરીરની જમણી બાજુએ આવેલ એક મોટા શ્વસનછિદ્ર દ્વારા બહારની બાજુએ ખૂલે છે. ગોકળગાયના શીર્ષ પર બે આકુંચનશીલ (retractible) સ્પર્શાંગો (tentacles) હોય છે. શરીર 10થી 20 સેમી. લાંબું અને સુરેખિત (streamlined) હોય છે. પરિણામે તે નાનાં દર કે વિવરોમાં સહેલાઈથી પ્રવેશી શકે છે. ત્વચા કોમળ અને સ્નિગ્ધ હોય છે. વક્ષભાગમાંથી એક માંસલ પગ બહાર આવે છે, તેની મદદથી તે ઘસડાતું ચાલે છે અને પોતાના રસ્તા પર શ્લેષ્મના લિસોટા પાડતું જાય છે. આમાં તેના શરીરના પાણીનો વ્યય થાય છે. તેથી શરીરને સુકાતું અટકાવવા સામાન્યપણે તે રાત્રે બહાર નીકળે છે. જોકે વાદળછાયા વાતાવરણમાં દિવસ દરમિયાન ખાસ કરીને સવારે કે સાંજે ગોકળગાયને હરતીફરતી જોઈ શકાય.

ગોકળગાયમાં ઝાલર હોતી નથી અને તે શ્વસન-પ્રક્રિયા ત્વચા તેમજ ફેફસાં દ્વારા કરે છે. ગોકળગાય વનસ્પત્યાહારી હોય છે અને પાંદડાંનું ભક્ષણ કરે છે. ગોકળગાયની આ આદત બાગબગીચા કે ખેતીના પાકને નુકસાનકારક નીવડે છે. રાખ છાંટવાથી ગોકળગાયને દૂર રાખી શકાય છે. ટેસ્ટા સેલ્લા ગોકળગાય માંસાહારી છે અને તે અળસિયાં ખાય છે.

ગોકળગાય

ગોકળગાય દ્વિલિંગી પ્રાણી છે અને સંવનન દ્વારા પરફલન (cross fertilization) સાધે છે. સંવનન દરમિયાન જનનકોષોની આપ-લે થતી હોય છે. સંજોગવશાત્ સ્વફલન(self fertilization)થી પણ પ્રજોત્પત્તિ થઈ શકે છે. ઈંડાં સૂકું વાતાવરણ સહન કરી શકતાં નથી. તેથી ગોકળગાય ભેજયુક્ત તિરાડવાળી જગ્યાએ ઈંડાં મૂકે છે.

દિલીપ શુક્લ