ગોકાક : કર્ણાટક રાજ્યના બેલગામ જિલ્લાના ગોકાક તાલુકાનું મુખ્ય મથક. તે 16° 11´ ઉ. અ. અને 74° 52´ પૂ. રે. પર બેલગામની અગ્નિદિશામાં 48 કિમી. દૂર આવેલું છે. આદિલશાહી વખતના કિલ્લા, જૂનાં દેવળ, સાવનૂરના નવાબે બંધાવેલી મસ્જિદ તેમજ તોપખાનું અહીંનાં જોવાલાયક પુરાતત્વીય સ્મારકો છે.

ભૂતકાળમાં કાપડ રંગવાનો અને વણવાનો ધંધો અહીં ખીલ્યો હતો. ગોકાકથી વાયવ્યમાં 5 કિમી. દૂર ઘટપ્રભા નદી પર 52 મી. ઊંચાઈ પર ગોકાક ધોધ છે. તેનાથી ઉત્પાદિત વીજળીનો ઉપયોગ આસપાસના વિસ્તારમાં ઝડપથી વિકસી રહેલા ઉદ્યોગો અને ખેતી માટે થાય છે.

આસપાસના ખડકો ભૂસ્તરવિજ્ઞાનની ર્દષ્ટિએ મહત્વના છે.

નિયતિ મિસ્ત્રી