ગોંડા (Gonda) : ઉત્તરપ્રદેશના ફૈઝાબાદ વિભાગમાં ઉત્તર તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 26° 46´થી 27° 50´ ઉ. અ. અને 81° 33´થી 82° 46´ પૂ. રે. વચ્ચેનો 3,788 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની મહત્તમ લંબાઈ 68 કિમી. અને મહત્તમ પહોળાઈ 66 કિમી. જેટલી છે. તેની ઉત્તરે બહરૈચ અને બલરામપુર, પૂર્વ તરફ સિદ્ધાર્થનગર અને બસ્તી, દક્ષિણ તરફ બસ્તી, ફૈઝાબાદ અને બારાબંકી તથા પશ્ચિમ તરફ બારાબંકી અને બહરૈચ જિલ્લા આવેલા છે. જિલ્લામથક ગોંડા જિલ્લાની મધ્યમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ–વનસ્પતિ–જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ સ્થળર્દશ્યના સંદર્ભમાં ત્રણ પ્રદેશમાં વહેંચાયેલું છે : (i) તરાઈનો પ્રદેશ : તે નીચાણવાળો હોવાથી પૂરનાં પાણી ભરાઈ જાય તેથી તે સ્વાસ્થ્યપ્રદ નથી. (ii) બીજો પ્રદેશ ઉપ્રાહર નામથી ઓળખાય છે, તે વાયવ્યથી અગ્નિ દિશામાં વિસ્તરેલો છે. તે નદીઓથી ખંડિત ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ ધરાવે છે. તેમાં ફળદ્રૂપ કાંપનાં મેદાનોનો પણ સમાવેશ થાય છે. (iii) તરહાર અથવા ભેજવાળો વિસ્તાર. અહીંની નદીજન્ય જમીનો કાંપ અને ગોરાડુ પ્રકારની છે. અહીં જળસ્તર જમીનની હેઠળ છીછરી ઊંડાઈએ રહેલું હોવાથી દુકાળની દહેશત રહેતી નથી. વધુ વરસાદ વખતે અહીં પણ પૂરનાં પાણી છવાઈ જાય છે. અહીંનાં જંગલોમાં જોવા મળતાં વૃક્ષોમાં સાલ, એસિના, હલ્દુ, સીસમ, ખૈર, મહુડો, સીમલ, જાંબુડો અને એબોનીનો સમાવેશ થાય છે. અનાહ, ઘાઘ્રા, કુવાના અને બિસુલી આ જિલ્લાની મુખ્ય નદીઓ છે. આ સ્થળ દરિયાથી દૂર હોવાથી આબોહવા વિષમ રહે છે. અહીંના ઉનાળા અને શિયાળા આકરા હોય છે.

ગોંડા જિલ્લાનો નકશો

ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. જિલ્લાની કુલ ભૂમિ પૈકી 70 % ભૂમિ ખેડાણ હેઠળ છે. અહીં વર્ષમાં ત્રણ પાક લેવાય છે. ડાંગર, ઘઉં, શેરડી, તેલીબિયાં અને ચણા અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેડૂતો આવકવૃદ્ધિ માટે પશુપાલન પણ કરે છે. અહીંનાં મુખ્ય પશુઓમાં ગાયો, ભેંસો, ઘેટાં, બકરાં અને ડુક્કરનો સમાવેશ થાય છે. દૂધ અને ઘી અહીંની મુખ્ય પ્રાણીજ પેદાશો છે.

ઉદ્યોગો–વેપાર : જિલ્લામાં મહત્વના ગણાય એવા કોઈ ઉદ્યોગો નથી, પણ નાના પાયાના એકમો છે તે મોટે ભાગે કૃષિપેદાશો અને જંગલપેદાશો પર આધારિત છે. જિલ્લામાં ખાંડ, ઘી અને લાકડાંનો વેપાર ચાલે છે. વેપારીઓ અને ખેડૂતોની સુવિધા માટે નગરો અને ગામડાંઓમાં બૅન્કો કાર્યરત છે.

અહીંનાં મોટા ભાગનાં નગરોમાં ખાંડ, રાયડો, લાકડાના પાટડા, ગોળ, કઠોળ અને પગરખાંનું ઉત્પાદન લેવાય છે. આ જિલ્લામાંથી ખાદ્યાન્ન, ગોળ, ખાંડ, લાકડાં અને ચામડાંની નિકાસ તથા મસાલા, કાપડ, કેરોસીન, મીઠું અને કેટલાંક કઠોળની આયાત થાય છે.

પરિવહન–પ્રવાસન : આ જિલ્લાને ઈશાન વિભાગીય બ્રૉડ ગેજ અને મીટર ગેજ રેલવેની સેવાનો લાભ મળે છે. રેલમાર્ગોથી ગોંડા આજુબાજુના બધા જ જિલ્લાઓથી સંકળાયેલું છે. બ્રૉડ ગેજ અને મીટર ગેજ રેલમાર્ગોની લંબાઈ અનુક્રમે 108 કિમી. અને 202 કિમી. જેટલી છે. જિલ્લામાં બધા જ પ્રકારના સડકમાર્ગોની લંબાઈ 1070 કિમી. છે, તે પૈકી 4 કિમી. રાષ્ટ્રીય ધોરી માર્ગો, 191 કિમી. રાજ્ય ધોરી માર્ગો, 310 કિમી. જિલ્લામાર્ગો અને 502 કિમી. જેટલા અન્ય માર્ગો છે. અવરજવર માટે રાજ્ય પરિવહનની બસસેવા ઉપલબ્ધ છે.

ગોંડા જિલ્લામાં કોઈ પ્રવાસન-સ્થળ આવેલું નથી. અહીં તુલસીપુર નજીકના સ્થળે ચૈત્ર માસમાં ભરાતા મેળામાં નેપાળ અને અન્ય સ્થળોએથી વેપારીઓ આવે છે. કાર્તિકી પૂર્ણિમા અને રામનવમીએ નવાબગંજ નજીકના મહેશપુર ખાતે સ્નાનમેળો પણ ભરાય છે. વાર-તહેવારે અન્યત્ર પણ મેળા ભરાય છે અને ઉત્સવો યોજાય છે.

વસ્તી–લોકો : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 27,65,574 જેટલી છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. અહીં હિન્દુ અને મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે શીખ, ખ્રિસ્તીઓ, જૈન વસ્તી ઓછી છે. જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ માત્ર 30 % જેટલું છે. નગરો અને ગામડાંઓમાં પ્રાથમિક-માધ્યમિક શાળાઓનું પ્રમાણ મધ્યમસરથી ઓછું છે, જ્યારે કૉલેજોનું પ્રમાણ તદ્દન ઓછું છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 7 તાલુકાઓ અને 25 સમાજવિકાસ ઘટકોમાં વહેંચેલો છે. અહીં 10 નગરો અને 2842 (24 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે. દવાખાનાં અને ચિકિત્સાલયોનું પ્રમાણ પણ ઓછું છે.

ઇતિહાસ : રાજ્યના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ ગોંદ જિલ્લો ફૈઝાબાદ વિભાગનો સૌથી મોટો જિલ્લો છે. અયોધ્યાની નજીક આ પ્રદેશ આવેલો હોવાથી તે પરાશર, જમદગ્નિ અને અષ્ટાવક્ર જેવા ઋષિઓની તપોભૂમિ છે. ગૌતમ બુદ્ધના સમય દરમિયાન આ જિલ્લો સરસ્વતી રાજ્યનો ભાગ હતો. સાહેત-માહેત તરીકે ઓળખાતા અવશેષો સરસ્વતી રાજ્યના હતા અને ગોંદ જિલ્લાની સરહદે આવેલા છે. સરસ્વતી રાજ્ય દરમિયાન ઊભી કરેલી, લેખ સહિતની પ્રતિમા ત્યાંથી મળી છે. આ પ્રદેશમાં જૈન ધર્મનો ફેલાવો થયો હતો અને જૈન દેરાસર બાંધવામાં આવ્યું હતું. રાજા ઉગ્રસેને ત્યાં નગર વસાવ્યું હતું. અવધના સૂબેદાર રાય જતસિંહે ત્યાંના દોમ લોકોની સત્તા 14મી સદીમાં ઉથલાવી નાખી. ત્યારબાદ ત્યાં રાજપૂતોની સત્તા પ્રવર્તી. તે સૂબેદારે અમરોહા કબજે કર્યું અને તેની સાથે આવેલ નવલશાહને નવાબગંજ પરગણું આપ્યું. આ અંગેની વિવિધ વાર્તાઓ પ્રચલિત છે. સૂબેદાર જગતસિંહે સહજસિંહને મહાદેવાનો પ્રદેશ આપ્યો. સહજસિંહે કલ્હણ જાતિનું રાજ્ય સ્થાપ્યું. તેના વંશજોએ ખુરાસા મુખ્યમથક રાખીને દક્ષિણ તરફ પ્રદેશવિસ્તાર કર્યો. ત્યાંના છેલ્લા રાજા અચલસિંહ કે અચલ નારાયણસિંહનું 1544માં પતન થયું. શહેનશાહ અકબરના સમય(16મી સદી)માં અવધના ત્રણ પ્રદેશો (સરકાર) વચ્ચે આ જિલ્લાનું વિભાજન થયું. ગોંદ જિલ્લાના સ્થાપક માનસિંહે 1618માં જહાંગીરને હાથી ભેટ આપ્યો અને તેના બદલામાં રાજાનો ખિતાબ મેળવ્યો. તેના વંશજોમાં રાજા લછમનસિંહ, અરજણસિંહ, અમરસિંહ, રામસિંહ, દત્તસિંહ, ઉદિતસિંહ વગેરે આ પ્રદેશના શાસકો થઈ ગયા. તે પછી 18મી સદીના ઉત્તરાર્ધમાં આ જિલ્લો ઔધ(અવધ)ના નવાબના શાસન હેઠળ આવ્યો. ગોંદના નાઝિમો તેના પર વહીવટ કરતા. અમરસિંહ, દર્શનસિંહ (19મી સદીનો પૂર્વાર્ધ), માનસિંહ વગેરે નામાંકિત નાઝિમો થઈ ગયા. 1856માં બ્રિટિશ સરકારે ઔધનું રાજ્ય ખાલસા કર્યું અને ગોંદ અલગ જિલ્લો બન્યો. 1857માં ઔધ રાજ્યમાં બળવો થયો. બ્રિટિશ સરકારે બળવો કચડી નાખ્યો અને પ્રદેશ તેના વર્ચસ હેઠળ રહ્યો. 1947માં દેશ સ્વતંત્ર થયા બાદ ત્યાં લોકશાહી સરકારની સ્થાપના થઈ.

ગોંડા (નગર) : ઉત્તરપ્રદેશના ગોંડા જિલ્લાનું મુખ્ય વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : તે 27° 10´ ઉ. અ. અને 82° 10´ પૂ. રે. પર લખનૌથી ઈશાનમાં ઘાઘ્રા નદીની શાખાને કિનારે આવેલું છે. ગોંડા નગર રેલમાર્ગ અને સડકમાર્ગનું કેન્દ્ર છે. તે ખેતીની પેદાશોનું વેચાણકેન્દ્ર બની રહેલું છે. અહીં ખાંડનાં કારખાનાં તથા તેલ અને ચોખાની મિલો આવેલી છે. શેરડીની આડપેદાશ મોલેસિસ આલ્કોહૉલ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. સાગનાં બીજમાંથી તેલ મેળવાય છે અને સાગનાં લાકડાં રેલવેના સ્લીપર તરીકે વપરાય છે.

ગિરીશભાઈ પંડ્યા

શિવપ્રસાદ રાજગોર

જયકુમાર ર. શુક્લ