ગોંડળ : રાજકોટ જિલ્લાનું તાલુકામથક અને આ જ નામ ધરાવતા દેશી રાજ્યની આઝાદી પૂર્વે રાજધાની. તે 22° 15´ ઉ. અ. અને 70° 45´ પૂ. રે. ઉપર ગોંડળી નદીના પશ્ચિમ કાંઠે વસેલું છે. ગોંડળ તાલુકાનો વિસ્તાર 1,193.6 ચોકિમી. છે અને 2022 પ્રમાણે તાલુકાની વસ્તી  2,21,892 છે, જ્યારે શહેરની વસ્તી 1,30,687 છે.

ગોંડળ મરચાં, ઘઉં, મગફળી અને અનાજનું મહત્વનું પીઠું છે. ગોંડળમાં તેલમિલો, વનસ્પતિ-ઘીનું કારખાનું ઉપરાંત બૉલ-બેરિંગ, લોખંડના પાઇપ, સ્ટીલ-ફર્નિચર, સિમેન્ટ-પાઇપ, બારી-બારણાં વગેરે બનાવવાના ઉદ્યોગો છે.

ગોંડળ મૂળ નાનું ગામ હતું. ઈ. સ. 1350માં દિલ્હીના સુલતાન મહમ્મુદ તુઘલુક સૌરાષ્ટ્રની સવારી દરમિયાન માંદો પડતાં અહીં રોકાયો હતો. 1548માં તે જૂનાગઢના શાસક અમીનખાન ઘોરીને તાબે હતું અને ગુજરાતના છેલ્લા સુલતાન મુઝફ્ફરશાહ ત્રીજાને અહીં આશ્રય મળ્યો હતો. ‘આઇને અકબરી’ તથા ‘મિરાંતે અહમદી’એ તેનો સોરઠ સરકારના પરગણા તરીકે ઉલ્લેખ કર્યો છે. ‘આઇને અકબરી’ પ્રમાણે તે વાઘેલા ઠાકોરને તાબે હતું. કુંભાજીને પિતા મેરામણજી પાસેથી સરડોઈ અને બીજાં ગામો ગરાસમાં મળ્યાં હતાં. કુંભાજીના અનુગામી સંગ્રામજીએ ગોંડળને રાજધાની તરીકે પસંદ કર્યું અને ભા’-કુંભાજી બીજાને ભાયાવદર અને જૂનાગઢના નવાબ તરફથી રાધનપુરની ફોજને હાંકી કાઢવામાં મદદ કરવા બદલ ધોરાજી અને ઉપલેટાનાં બે પરગણાં ઇનામ તરીકે મળ્યાં હતાં. ભા’કુંભાજીએ તેના શાસનકાળ દરમિયાન (1752–89) અદમ્ય હિંમત, દૃઢ મનોબળ અને રાજરમતમાં કુશળતા દાખવ્યાં. મેરામણ ખવાસ અને અમરજી દીવાન જેવા પ્રબળ પાડોશીઓ વચ્ચે ગોંડળને આંચ આવવા દીધી ન હતી.

ગોંડળનું આધુનિકીકરણ કરનાર ભગવતસિંહજી વિદ્વાન, પ્રજાપ્રેમી અને શિક્ષણપ્રેમી તથા દૂરંદેશી દૃષ્ટિવાળા રાજવી હતા. 1884માં ગોંડળ રાજ્યની સંપૂર્ણ સત્તા હસ્તગત કર્યા બાદ તેમણે દરેક ગામમાં શાળા તથા ટેલિફોનની સગવડ ઊભી કરી હતી. કન્યાઓ માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરાયું હતું. ગોંડળ, ઉપલેટા અને ધોરાજીનું નગર-આયોજન તથા વિશાળ રસ્તાઓ ધ્યાન ખેંચે છે. ભાગબટાઈને બદલે વિઘોટી દાખલ કરી, કરવેરા ઘટાડી કે રદ કરી પ્રજાની આબાદીમાં વધારો કર્યો હતો.

ગોંડળ શિક્ષણ, વેપાર અને ઉદ્યોગોનું મહત્વનું કેન્દ્ર છે. શહેરની સૌથી જૂની હાઈસ્કૂલ ઈ. સ. 1887માં અને મોંઘીબા કન્યાશાળા પ્રથમ પ્રાથમિક શાળા તરીકે 1858માં સ્થપાઈ હતી. હાલ તે કન્યાઓ માટેનું સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય છે. અહીં કન્યાવિદ્યાલયો, માધ્યમિક શાળાઓ, આટર્સ, કૉમર્સ અને ગૃહવિજ્ઞાન-શાખાની કૉલેજો ઉપરાંત કાયદા-શાખાની કૉલેજ, આઇ.ટી.આઇ., પ્રાથમિક શાળાઓ, બાલમંદિરો, છાત્રાલયો વગેરે શૈક્ષણિક સંસ્થાઓ છે. રાજાના દાનને કારણે ગોંડળના વિદ્યાર્થીઓ માટે પાંચ બેઠકો પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં અલગ રખાય છે. ભગવદ્ગોમંડળ જેવા મહાકોશના સંપાદક તરીકે ભગવતસિંહજી તથા ચંદુભાઈ પટેલનાં નામ સુપ્રસિદ્ધ છે. રાજ્યે પોતાની વાચનમાળા તથા પાઠ્યપુસ્તકો તૈયાર કરાવ્યાં હતાં.

કવિ લલિતજી, ગૌરીશંકર જોશી (ધૂમકેતુ), દેશળજી પરમાર, બચુભાઈ રાવત, મકરંદ દવે, કવિ અનિલ જોશી જેવા સાહિત્યકારો; રતિકુમાર વ્યાસ જેવા લોકસાહિત્યકાર; શિવકુમાર શુક્લ અને રવિશંકર પંડિત જેવા ચિત્રકારો ગોંડળના વતની હતા. સૌરાષ્ટ્રની રચના થઈ ત્યારે ગોંડળ રાજ્યની તિજોરીમાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં વધારેમાં વધારે રૂ. સાત કરોડની સિલક મૂકી જનાર ગોંડળના રાજવી હતા.

શિવપ્રસાદ રાજગોર