ગુર્જર પ્રતિહારો : શિલાલેખો પ્રમાણે રઘુવંશી રાજા રામચંદ્રના પ્રતિહાર બનેલા લક્ષ્મણના મનાતા વંશજો. વસ્તુત: તેઓ હરિચન્દ્ર નામે કોઈ પ્રતિહારના વંશજ હોવાનું પ્રતીત થાય છે. ઈ. સ.ની છઠ્ઠી સદીમાં ગુપ્ત સામ્રાજ્યના પતનકાળે અનેક રાજસત્તાઓ સ્થપાઈ તેના ઉપક્રમમાં દક્ષિણ રાજસ્થાનમાં ગુર્જર રાજવંશ સ્થપાયો. આ ગુર્જરો હૂણોની સાથે વિદેશથી આવેલા હોવાનું અનુમાન છે; પરંતુ એ અંગે કંઈ નિશ્ચિત કહી શકાતું નથી. એટલું નિશ્ચિત છે કે તેઓ હિમાચલથી વિંધ્ય સુધીના વિસ્તારમાં, ખાસ કરીને એના પશ્ચિમ ભાગમાં મુખ્યત્વે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતમાં ઠેકઠેકાણે વસ્યા હતા. હાલમાં પણ ગુર્જરો આ વિસ્તારમાં વિશેષપણે જોવામાં આવે છે. છઠ્ઠી સદીમાં ગુર્જરોની દક્ષિણ રાજસ્થાનના જોધપુર આસપાસના પ્રદેશમાં સત્તા સ્થપાઈ અને એમના નામ પરથી એ પ્રદેશ ગુર્જરદેશ તરીકે ઓળખાયો. આ નવીન ગુર્જર સત્તાનો સ્થાપક હરિચન્દ્ર નામનો બ્રાહ્મણ હતો. એને બ્રાહ્મણ વર્ણની એક અને ક્ષત્રિય વર્ણની એક એમ બે પત્નીઓ હતી. એ બંનેનાં સંતાનો ‘પ્રતિહાર’ તરીકે ઓળખાયાં. એ સૂચવે છે કે હરિચન્દ્ર અને એના પૂર્વજો કોઈ રાજ્યમાં પ્રતિહાર તરીકેનો અધિકાર ધરાવતા હશે. ગુપ્ત સામ્રાજ્યનું પતન થતાં તકનો લાભ લઈ હરિચન્દ્રે ‘શાસ્ત્રોને સ્થાને શસ્ત્ર’ ધારણ કરી મરુદેશ(મારવાડ)માં પોતાનું રાજશાસન પ્રવર્તાવ્યું. એના વંશજો પ્રતિહાર તરીકે ઓળખાયા. પણ સમકાલીન રાજ્યો તેમને ‘ગુર્જર’ તરીકે પિછાણતાં.
પ્રતિહાર રાજા હરિચન્દ્રને ભટ્ટ, કક્ક, રજ્જિલ તથા દદ્દ નામે ચાર પુત્રો હતા. એમણે માંડવ્યપુર (મંડોર) જીતી લઈ ત્યાં કિલ્લો બંધાવ્યો. માંડવ્યપુરમાંથી રજ્જિલ રાજ્ય કરતો હતો ત્યારે લાટ(દક્ષિણ ગુજરાત)માં દદ્દે પોતાની સત્તા સ્થાપેલી. રજ્જિલના પૌત્ર નાગભટ્ટે રાજધાની મેડન્તક(મેડતા)માં ખસેડી. તેણે ઈ. સ. 640 સુધી રાજ્ય કર્યું. એના વંશમાં થયેલા શીલુકે ગુર્જર રાજ્યનો વિસ્તાર છેક અજમેર અને બિકાનેર સુધી વધારેલો પણ ત્યારબાદ ઈ. સ. 726માં સિંધના અરબ સરદાર જુનૈદે ગુર્જરદેશ પર આક્રમણ કરી ગુર્જર સત્તાને મરણતોલ ફટકો માર્યો. જોકે આ વખતે માળવામાં ગુર્જર-પ્રતિહાર રાજ્યનો અભ્યુદય થયો હતો. ત્યાંના પ્રતાપી રાજા નાગભટ્ટે અરબોનું ઉજ્જન પરનું આક્રમણ મારી હઠાવી યશ પ્રાપ્ત કરેલો. તેનું રાજ્યારોહણ ઈ. સ. 725થી 30ના અરસામાં થયેલું હોવાનું જણાય છે. આ રાજકુલમાં થયેલા રાજા વત્સરાજે માળવા ઉપરાંત ગુર્જરદેશ પર પણ પોતાની સત્તા પ્રવર્તાવેલી. વત્સના પુત્ર નાગભટ્ટ બીજાએ રાજધાની કનોજમાં ખસેડી. એના વંશમાં નવમી સદીના પૂર્વાર્ધમાં આદિવરાહ ભોજદેવ પ્રતિહાર વંશનો સહુથી પ્રતાપી રાજા થયો. તેની સત્તા છેક સૌરાષ્ટ્ર સુધી પ્રવર્તેલી. એના પૌત્ર મહીપાલને રાજશેખરે ‘આર્યાવર્તનો મહારાજાધિરાજ’ કહ્યો છે. તેની આણ કાશ્મીરથી કર્ણાટક અને પૂર્વમાં કલિંગ સુધી પ્રવર્તતી હતી. દશમી સદીના ઉત્તરાર્ધમાં પ્રતિહારોની જાહોજલાલી વિલાવા લાગી અને 1018માં મહમૂદ ગઝનવીના કનોજ પરના આક્રમણ સાથે પ્રતિહાર સત્તાનો મૃત્યુઘંટ વાગ્યો.
પ્રવીણચંદ્ર પરીખ