ગુર્જર દેશ ભૂપાવલી : ગુજરાતના રાજાઓની વંશાવળીઓને લગતી કૃતિ. જૈન મુનિ પં. રંગવિજયે વિ. સં. 1865(ઈ. સ. 1809)માં યવન રાજા રોમટના આદેશથી અને ક્ષાત્ર ભગવંતરાયના કહેવાથી ભૃગુપુર(ભરૂચ)માં તે 95 શ્લોકોમાં રચી હતી. એમાં ભગવાન મહાવીરના નિર્વાણથી માંડીને કર્તાના સમય સુધીની ગુર્જર દેશની રાજવંશાવળીઓ આપી છે. આ પરંપરા મેરુતુંગસૂરિએ ‘વિચારશ્રેણી’માં આપેલી પરંપરાને મળતી આવે છે. આરંભમાં પાલક, નવ નંદો, મૌર્યો, પુષ્યમિત્ર, બલમિત્ર – ભાનુમિત્ર, નરવાહન, ગર્દભિલ્લ અને શક રાજાનાં નામ તથા રાજ્યકાલ જણાવ્યાં છે. વિક્રમાદિત્ય વીર નિર્વાણ સંવત 470માં થયા ને શાલિવાહન એ પછી 135 વર્ષે થયા. પછી બલમિત્રાદિ રાજાઓ અને આમ-ભોજ આદિ રાજાઓ થયા.

ચાપોત્કટ (ચાવડા) વંશથી દરેક રાજાના રાજ્યારોહણનું વિ. સં.નું વર્ષ પણ આપવામાં આવ્યું છે. ચાવડા વંશની સત્તા 196 વર્ષ અને મૂલરાજના વંશની 300 વર્ષ રહી. વીરધવલના વંશની સત્તા સં. 1368માં અસ્ત પામી. યવન વંશોમાં ખલજીથી લોદી વંશ અને મુઘલ વંશના રાજવંશોની રૂપરેખા આપી છે.

હરિપ્રસાદ શાસ્ત્રી