ગુર્જર ભૂમિ : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ભૂમિ. આ સંજ્ઞા આ સ્વરૂપમાં ઉપલબ્ધ નથી. સં. ‘ગુર્જરત્રા ભૂમિ’ના સ્વરૂપનો પહેલો ઉલ્લેખ મહોદયના ભોજદેવ પહેલા (ઈ. સ. 706)ના અભિલેખમાં જોવામાં આવે છે. પછી ડેંડવાણક (હાલના જોધપુરના પ્રદેશના) મિહિરભોજ(ઈ. સ. 844)ના અભિલેખમાં પણ જોવા મળ્યો છે. આ અભિલેખોમાં સ્પષ્ટ રીતે તે પશ્ચિમ મારવાડને માટે પ્રયોજાયેલ છે.

પછીથી ‘ગુર્જર ભૂ’ એ ‘પ્રબંધ ચિંતામણિ’માં તથા ‘ગુર્જર ધરિત્રી’ અને ‘ગુર્જર ધરા’ અને ‘વિવિધ તીર્થકલ્પ’ તથા ‘પ્રબંધકોશ’માં જોવા મળે છે. આ ચૌલુક્યકાળ અને ઉત્તર ચૌલુક્યકાળના હોઈ ઉત્તરના ગુજરાતના છે. એમાં મધ્ય ગુજરાત પણ સમાવિષ્ટ હશે.

આ સમયમાં ‘ગુજરાત’ (સ્ત્રીલિંગે) વપરાતો થયો હતો, જે ‘આબુરાસ’ (ઈ. સ. 1233)માં પ્રથમ જોવા મળ્યો છે. ‘રેવંતગિરિરાસુ’ (અંદાજે ઈ. સ. 1232)માં ‘ગુરજરધર’ અને ‘ગુજ્જરદેશ’ પણ ઉત્તર ગુજરાત માટે વપરાયેલા જાણવામાં આવ્યા છે.

 કે. કા. શાસ્ત્રી