ગુદારુધિરસ્રાવ (per rectal bleeding) : ગુદામાર્ગે લોહી પડવું તે. ગુદામાર્ગે પડતું સુસ્પષ્ટ અથવા ગુપ્ત (occult) પ્રકારનું એમ બે જુદી જુદી રીતે લોહી પડે છે. તેનાં વિવિધ કારણો છે. જેમ કે નાના આંતરડામાં ગાંઠ, મોટા કે નાના આંતરડાના રુધિરાભિસરણમાં અટકાવ (ischaemia), મોટા આંતરડામાં અંધનાલી (diverticulum), નસના ફૂલેલા ભાગનું ફાટવું, મસા થવા, મોટા આંતરડાનું કૅન્સર, મળાશય કે ગુદાનું કૅન્સર, આંતરડાના શોથકારી રોગો (inflammatory diseases) વગેરે. ક્યારેક અન્નનળી કે પેપ્ટીક અલ્સર(વ્રણ)ને કારણે જઠરમાંથી પુષ્કળ પ્રમાણમાં લોહી પડે તો તે પણ ગુદામાર્ગે બહાર આવે છે. વિવિધ પ્રકારના લોહી વહેવાના લોહીના રોગોમાં પણ ગુદામાર્ગે લોહી પડે છે. જ્યારે જઠર કે અન્નનળીમાં લોહી વહેતું હોય તો તે આંતરડામાં અડધું પચી જાય છે અને તેથી તે કાળું કે કૉફી રંગનું બને છે. આવી રીતે કાળા લોહીવાળા મળને શ્યામ મળ (malaena) કહે છે. તેને ગુપ્ત રુધિરસ્રાવ (occult blood loss) પણ કહે છે. વહી જતા લોહીનાં કદ અને ઝડપને આધારે વિવિધ વિકારો ઉદભવે છે. ઝડપથી પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જાય તો હૃદય અને રુધિરાભિસરણતંત્રને અનુકૂલન (adaptation) માટે પૂરતો સમય મળતો નથી અને તેથી નાડીના ઝડપી ધબકારા, લોહીનું ઘટેલું દબાણ તથા ક્યારેક તેની કાર્યક્ષમતામાં અતિશય પ્રકારે ઘટાડો પણ થાય છે. ગુપ્ત રુધિરસ્રાવ ધીમે ધીમે થતો હોવાથી હૃદય અને રુધિરાભિસરણતંત્ર નવી પરિસ્થિતિ સાથે ગોઠવાય છે અને તેથી હિમોગ્લોબિનના ઘટાડાથી ઉદભવતી પાંડુતા (anaemia) થાય છે. ઘણી વખત તે લોહ(iron)ની ઊણપથી ઉદભવતી પાંડુતા કરે છે. મોટી ઉંમરે તે મોટા આંતરડા કે જઠરના કૅન્સરનું એકમાત્ર ચિહન પણ હોય છે. તેવી રીતે ક્યારેક તે લોહી વહેવાના વિકારનું પણ ચિહન હોય છે.
સારવાર માટે કારણરૂપ રોગની સારવાર કરવામાં આવે છે. ઉગ્ર પ્રકારના રુધિરસ્રાવમાં લોહી તથા લોહી જેવા આસૃતિ વધારતા પ્રવાહીને નસ વાટે આપવામાં આવે છે, જેથી રુધિરાભિસરણ જળવાઈ રહે. લોહની ઊણપથી થતી પાંડુતાની સારવાર માટે લોહના ક્ષાર અપાય છે.
શિલીન નં. શુક્લ
સોમાલાલ ત્રિવેદી