ગુદમાર્ગના રોગો અને સારવાર

February, 2011

ગુદમાર્ગના રોગો અને સારવાર : અપાનવાયુના નિવાસસ્થાનમાં કોઈ પણ પ્રકારના અવરોધથી થતા રોગો. આમાં નીચે મુજબના રોગો થવા સંભવ હોય છે : 1. અર્શ, 2. ભગંદર, 3. ગુદભ્રંશ તથા 4. ગુદવિદાર.

1. અર્શ : દોષોને કારણે ગુદાની માંસલ ત્વચામાં ઉત્પન્ન થનાર માંસાંકુરને અર્શ કહે છે. આ માંસાંકુર જ્યારે ગુદામાં ઉત્પન્ન થઈ ગુદમાર્ગનો નિરોધ કરી રોગીને કષ્ટ આપે છે ત્યારે તે વિશિષ્ટ અવસ્થાને અર્શ કહેવામાં આવે છે. આ રોગ ગુદામાં ઉત્પન્ન થઈ રોગીના પ્રાણની અરિવત્ હિંસા કરે છે માટે જ તેને અર્શ કહે છે. अरिवत् प्राणान् शृणाति हिनस्ति इति अर्श: । આ રોગ રોગીને દુશ્મનની માફક રિબાવીને મારે છે.

આ અર્શ ગુદમાર્ગમાં થવાનું કારણ વેગોને પરાણે રોકી રાખવાથી, પ્રવાહણથી, અતિમૈથુનથી, ઉત્કટ આસનથી, સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા સમયે કુપથ્ય ભોજન કરવાથી, અનિયમિત આહાર કરવાથી, શુષ્ક અને ઉષ્ણ, તીક્ષ્ણ આહાર કરવાથી, શરીરગત દોષો રક્તસહિત અનેક પ્રકારે પ્રસરી મુખ્ય ધમનીઓમાં પ્રવેશ કરી નીચે તરફ ગુદમાર્ગમાં સ્થાન સંશ્રય કરી ગુદાની વલીઓને દૂષિત કરી માંસપ્રરોહ ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે ગુદમાર્ગ અને ગુદાની આસપાસ જે માંસાંકુરોની ઉત્પત્તિ થાય છે તેને અર્શ કહે છે. આ રોગ મંદાગ્નિવાળા મનુષ્યોમાં અધિક જોવા મળે છે.

આ અંકુરો શરૂઆતમાં બહુ જ નાના હોય છે. પરંતુ તૃણ, કાષ્ઠ, પથ્થર, માટીનું ઢેફું, વસ્ત્ર વગેરેના ઘર્ષણથી અથવા શીતલ જલ, આર્દ્રભૂમિ વગેરેના સંસ્પર્શથી એ અંકુરો ધીમે ધીમે મોટા થાય છે અને વૃદ્ધિ પામે છે.

આ અર્શ ગુદામાર્ગમાં ગુદાની ત્રણ વલીમાં ઉત્પન્ન થાય છે. મોટા આંતરડાના અંતિમ ભાગને ગુદ કહે છે. એની લંબાઈ 4.5 આંગળ હોય છે. એ ઉપરથી નીચે તરફ ક્રમથી પ્રવાહણી, વિસર્જની અને સંવરણી વલીઓના નામથી ઓળખાય છે. પ્રવાહણી 1.5 આંગળ, વિસર્જની 1.5 અંગુલ અને સંવરણી 1 અંગુલ તથા ગુદૌષ્ઠ 0.5 અંગુલ લાંબું હોય છે.

આ અર્શ થવા પૂર્વે દર્દીને અરુચિ, અગ્નિમાંદ્ય, ખાટા-તીખા ઓડકાર, તૃષા, વાયુના મોટા અવાજવાળા ઓડકાર, અક્ષિશોથ, આંત્રકૂજન, શ્વાસ, કાસ, તંદ્રા, નિદ્રા અને ઇન્દ્રિયદૌર્બલ્ય વગેરે લક્ષણો જોવા મળે છે. આ અર્શના બે પ્રકાર છે : (ક) શુષ્કાર્શ તથા (ખ) પરિસ્રાવી અર્શ.

(ક) શુષ્કાર્શ : શુષ્કાર્શ ગુદૌષ્ઠની ચારે તરફ રથચક્રમાં આરાની માફક હોય છે. પ્રત્યેક અંકુરની મધ્યમાં ગ્રંથિયુક્ત શિરા હોય છે. એની ચારે બાજુ સૌત્રિક તંતુઓ હોય છે. તે ત્વચાથી ઢંકાયેલા હોય છે. શરૂઆતમાં એ મૃદુ હોય છે એટલે જણાતું નથી પણ જીર્ણ વિબંધ, વસ્ત્રનું ઘર્ષણ, આર્દ્રસ્થાન પર બેસવું, ભેજમાં રહેવું વગેરે કારણોથી જ્યારે તેનો પ્રકોપ થઈ તે શોથયુક્ત બને છે ત્યારે તે રોગીને પીડા આપે છે જેથી રોગીને ચાલવામાં, બેસવામાં, ફરવામાં કષ્ટ થાય છે. આ અર્શમાંથી રક્તનો સ્રાવ થતો નથી માટે તેને શુષ્કાર્શ કહે છે. આ શુષ્કાર્શમાં વાયુ અને કફદોષનું પ્રાધાન્ય હોય છે. આ અર્શ બહાર સ્પષ્ટ દેખાય છે. તે તુવેર કે વટાણાના આકારવાળા હોય છે અને બાહ્ય વલીમાં હોય છે માટે તેને બાહ્યાર્શ પણ કહે છે.

(ખ) પરિસ્રાવી અર્શ : આ અર્શ ગુદૌષ્ઠની અંદર થાય છે. એટલે તેને આભ્યંતરી અર્શ પણ કહે છે. શરૂઆતમાં તે નરમ હોય છે અને ગુદામાં આંગળી નાખવાથી દબાઈ જાય છે; પરંતુ સમય જતાં ઘર્ષણ વધવાથી તે અંકુરો કઠણ બની જઈ મળત્યાગ કરતી વેળાએ કષ્ટ આપે છે. તે બહાર પણ નીકળે છે અને તેમાંથી રક્તનો સ્રાવ થાય છે. એટલા માટે તેને પરિસ્રાવી અર્શ કહે છે. લક્ષણોની ર્દષ્ટિએ મલાવરોધ, મંદાગ્નિ, ગુદપરિકર્તન ઉત્પન્ન થાય છે. રક્તસ્રાવથી પાંડુતા અને શ્વાસનાં લક્ષણો પેદા થાય છે.

સારવાર : અર્શની ચિકિત્સાના ચાર પ્રકાર છે : (1) ભૈષજ, (2) ક્ષારકર્મ, (3) અગ્નિકર્મ અને (4) શસ્ત્રકર્મ.

2. ભગંદર : ગુદા માર્ગનો બીજો રોગ એ ભગંદર છે. આમ તો આ નાડીવ્રણ છે પણ તે ગુદાસ્થાન પાસે પીડિકાને ઉત્પન્ન કરી ગુદાની ચારે તરફ પક્વ કરી ત્યાં પરુ ઉત્પન્ન કરે છે. આ પરુ ત્વચા કરતાં પણ વિશેષ મૃદુ તથા પોલાં સ્થાનોની ધાતુઓ તરફ ગમન કરે છે. પાકીને ફૂટવા છતાં પણ પરુનું પૂર્ણ નિર્હરણ થતું નથી અને નાડીવ્રણ બની જાય છે. ભગ-ગુદ અને બસ્તીપ્રદેશનું દારણ કરવાને કારણે આને ભગંદર કહે છે.

આ ભગંદર થતાં પહેલાં કમરનાં અસ્થિઓમાં પીડા, ગુદામાં દાહ, ખંજવાળ અને શોથ ઉત્પન્ન થાય છે. પ્રાય: બધાં જ ભગંદર દુ:ખદાયી અને કષ્ટસાધ્ય હોય છે. ભગંદરનું સ્થાન અશુદ્ધ હોવાથી વારંવાર જીવાણુનો ઉપસર્ગ થાય છે. વ્રણ કઠણ બને છે અને જલદી રુઝાતો નથી. વ્રણનું પૂર્ણ શોધન થઈ શકતું નથી. આ બધાં કારણોને લીધે રોગ કષ્ટસાધ્ય બને છે.

સારવારની ર્દષ્ટિએ અર્શની માફક જ ચાર ઉપક્રમ દ્વારા ચિકિત્સા કરવામાં આવે છે – (1) ભૈષજ, (2) ક્ષારકર્મ, (3) અગ્નિકર્મ અને (4) શસ્ત્રકર્મ. પથ્યાપથ્યનું પાલન કરવાથી રાહત જલદી થાય છે.

મસા અને ભગંદર માટે ઉપર્યુક્ત ચાર પ્રકારની સારવારમાં અર્વાચીન યુગમાં ક્ષારસૂત્રચિકિત્સા ખૂબ જ પ્રચલિત બની છે અને તેનાં પરિણામ ઘણાં જ સુંદર ને પ્રશંસનીય છે.

3. ગુદભ્રંશ : અત્યધિક પ્રવાહણ કે કરાંજવાથી અને અતિસાર થઈ જવાથી રૂક્ષ અને દુર્બળ શરીરવાળા મનુષ્યની ગુદા બહાર નીકળી આવે છે. આને ગુદભ્રંશ કહે છે. આ રોગ ખાસ કરીને નાનાં બાળકોને થાય છે તેમજ વૃદ્ધાવસ્થામાં પણ તે જોવા મળે છે.

ગુદભ્રંશના બે પ્રકાર છે : (ક) અપૂર્ણભ્રંશ તથા (ખ) પૂર્ણભ્રંશ. અપૂર્ણભ્રંશમાં કેવળ ગુદાની શ્લેષ્મકલાનો ભ્રંશ થાય છે. યુવાનોમાં તે વધુ જોવા મળે છે. પૂર્ણભ્રંશમાં શ્લેષ્મકલા સાથે સંપૂર્ણ ગુદાનો ભ્રંશ જોવા મળે છે. આ પ્રકાર નાનાં બાળકોમાં વધુ જોવા મળે છે.

પ્રવાહિકા, અતિસાર, કૃમિ, અશ્મરી અને ગુદસંકોચની પેશીની દુર્બળતા વગેરેથી આ વ્યાધિ થાય છે. ગુદનલિકાની આસપાસનો આધાર જે મેદધાતુ છે તે નષ્ટ થઈ જવાથી મળત્યાગ કરતાં ગુદનલિકા સ્થિર રહી શકતી નથી અને ગુદભ્રંશ થઈ જાય છે. ચાંગેરીઘૃત અથવા મૂષકતૈલથી આંત્રનું સ્નેહન અને સંકોચન થવાથી લાભ થાય છે.

4. ગુદવિદાર : ગુદાની સંવરણી વલીમાં અર્થાત્ ગુદૌષ્ઠના ભાગમાં ચીરા પડે છે તેને ગુદવિદાર કહે છે. ગુદવિદાર ઘણા જ કષ્ટદાયક હોય છે. ગુદૌષ્ઠને ઘડિયાળની જેમ જોઈએ તો ઘડિયાળમાં જ્યાં 6 અને 12ના આંક હોય છે તે રીતે તે જ જગ્યાએ ગુદૌષ્ઠમાં ચીરા જોવા મળે છે. ગુદવિદારની ઔષધચિકિત્સા દ્વારા શમન થયા પછી કોઈક વાર બહારના અર્શ પ્રાદુર્ભૂત થતા હોય તેમ જોવા મળે છે. આ રોગમાં અર્શ સમાન ચિકિત્સા કરવાનો શાસ્ત્રમાં ઉલ્લેખ છે. છતાં પણ ગુદવિદાર માટે ક્ષારકર્મ ચિકિત્સા કરવાથી વારંવાર ગુદવિદાર થવાની શક્યતા નહિવત્ બને છે.

ઈન્દુભાઈ દવે