ગુદવિદર (anal fissure) : ગુદાનળી(anal canal)ની લંબાઈને સમાંતર લીટીમાં લાંબું ચાંદું થવું તે. મળત્યાગ કરવાના દ્વારરૂપી છિદ્રને ગુદા (anus) કહે છે. મોટા આંતરડાના સૌથી નીચલા છેડાવાળા ભાગમાં મળ જમા થાય છે. તેને મળાશય (rectum) કહે છે. મળાશયની નીચે ગુદાદ્વાર સુધીની નળીને ગુદાનળી કહે છે. ગુદાનળીની આસપાસ ગોળ અને લાંબા એમ બે પ્રકારના સ્નાયુનાં પડ આવેલાં હોય છે, જેમાંના ગોળ સ્નાયુઓ ગુદાનો અંત:દ્વારરક્ષક (internal sphincter) બનાવે છે. તેના સતત આકુંચન (spasm) તથા તંતુમય સંકીર્ણન(contracture)ને કારણે ગુદાના ગુદવિદર જેવા અનેક વિકારો થાય છે. આ ઉપરાંત ઇચ્છાવર્તી સ્નાયુઓનો બનેલો બાહ્ય દ્વારરક્ષક (external sphincter) પણ છે, જે ગુદાનળીની બહાર આવેલો છે. ગુદાનળીની અંદરની દીવાલમાં એક દંતીય રેખા (dentate line) આવેલી છે. તેની ઉપરની દીવાલ મળાશયના શ્લેષ્મસ્તર(mucosa)ના ઘન-આકાર કોષો(cuboid cells)ની બનેલી હોય છે, જ્યારે તેનાથી નીચેનો ભાગ ચામડીના લાદીસમ (squamous) કોષોનો બનેલો હોય છે. ઘન આકાર કોષો અને લાદીસમ કોષોના મિલનસ્થાને આવેલી મોજાની જેમ ઊંચીનીચી થતી (wavy) રેખાને દંતીય રેખા કહે છે તે એક અગત્યનું સીમાચિહન (landmark) ગણાય છે, કેમ કે તેની ઉપરની નસો નિવાહિકાતંત્ર(portal system)માં ખૂલે છે, અને તેમાં સ્વાયત્ત ચેતાતંત્ર(autonomic nervous system)ની ચેતા આવેલી હોય છે. નીચેનો ભાગ બહુતંત્રીય (systemic) રુધિરાભિસરણનો એક ભાગ છે અને તે કરોડરજ્જુની ચેતાઓવાળો ભાગ હોય છે. તેથી તે સંવેદનશીલ (sensitive) હોય છે. ગુદાગ્રંથિઓ (anal glands) નામની નાની નાની ગ્રંથિઓ ગુદાનળીમાં ખૂલે છે.

આપણે જોયું કે ગુદાનળીના નીચલા ભાગમાં આવેલા લાંબા અને નળીની લંબાઈને સમાંતર ગોઠવાયેલા ચાંદાને ગુદવિદર કહે છે. મોટા ભાગના કિસ્સામાં તે પાછલી (90 %) કે આગલી મધ્યરેખા (midline) પર આવેલું હોય છે. મળમાર્ગ પાછળથી આગળ તરફ વળતો હોવાથી પાછલી દીવાલ પર સતત દબાણ, ઘસારો અને ક્ષોભન (irritation) થાય છે અને તેથી ત્યાં ચાંદું પડે છે, એવું મનાય છે. તે પુરુષો તથા જેમને પ્રસવ થયો એવી સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. ગુદાના મસા(piles)ની ક્ષતિયુક્ત શસ્ત્રક્રિયા પછી જો ગુદ્-સંકીર્ણન (anal stenosis) થાય અને ગુદાનળી સંકોચાઈ જાય, મોટા આંતરડામાં શોથકારી (inflammatory) રોગ થયેલો હોય અથવા સંભોગજન્ય રોગમાં ગુદા અસરગ્રસ્ત થઈ હોય તોપણ ગુદામાં ચાંદું પડે છે.

ગુદાનું ચાંદું બે પ્રકારનું છે : ઉગ્ર (acute) તથા લાંબા સમયનું (chronic). તેમાં સખત દુખાવો થાય છે. ઉગ્ર ગુદવિદર હોય ત્યારે ગુદામાં ઊભો ચીરો જોવા મળે છે અને દુખાવાને કારણે ગુદાનું સતત સંકોચન થાય છે. ક્યારેક ગુદાદ્વાર પાસે દ્વારીય મસો (sentinal piles) થાય છે. લાંબા ગાળાના (દીર્ઘકાલી) ગુદવિદરમાં સોજો, ચેપ, તંતુતા, ક્યારેક ગૂમડું તથા ચામડીમાં સંયોગનળી (fistula) થાય છે. મોટે ભાગે તે ક્રોહનના રોગમાં જોવા મળે છે. ગુદવિદર મોટે ભાગે મધ્યમ ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે છે અને તેમને મળત્યાગ વખતે સખત દુખાવો થાય છે તેને કારણે કબજિયાત થાય છે. મળદ્વારેથી પ્રવાહી અને ક્યારેક લોહી પડે છે. તપાસ કરતાં ગુદાદ્વાર પર ચામડીની નાની ગડી જોવા મળે છે. ખૂબ સાવચેતીથી ગુદાના નીચલા ભાગની દીવાલને છૂટી પાડીને જોતાં ચાંદાનો નીચલો છેડો જોવા મળે છે. ખૂબ દુખાવાને કારણે શરૂઆતમાં આંગળી કે સાધન વડે તપાસ કરવામાં નથી આવતી; પરંતુ જો ચાંદું ન દેખાય અથવા મળાશયમાં કોઈ રોગ હોવાની સંભાવના હોય તો આંગળી કે સાધન વડે તપાસ જરૂરી ગણાય છે. તે માટે જરૂર પડ્યે ચામડી બહેરી થાય તેવો મલમ લગાવવામાં આવે છે. ક્યારેક નિદાન કરવા માટે દર્દીને શીશી સૂંઘાડીને બેહોશ કરવાનું સૂચવાય છે. તેને ગુદાના કૅન્સર, સંભોગજન્ય રોગો તથા ક્ષયથી અલગ પાડવું જરૂરી ગણાય છે.

દુખાવો મટે અને ચાંદું રુઝાય માટે ઔષધીય તથા શસ્ત્રક્રિયાલક્ષી સારવારપદ્ધતિઓ ઉપલબ્ધ છે. ઉગ્ર અને સપાટી પરના ચાંદાને રુઝવવા ચામડી બહેરી કરતા મલમનો લેપ લગાડવામાં આવે છે. તે 90 % કિસ્સામાં ઉપયોગી સારવાર છે. જો ગુદામાર્ગ સંકોચાઈ ગયો હોય તો, જરૂર પડ્યે, શસ્ત્રક્રિયા કરવામાં આવે છે. તેના પછી ચામડી બહેરી કરતો મલમ લગાવીને તૈલી પદાર્થ લગાવેલા ગુદા વિવૃત્તક (anal dilator) વડે ગુદાનળીને પહોળી કરાય છે. દિવસમાં 2 વખત એમ સતત મહિના સુધી ગુદા-વિવૃત્તક વડે ગુદા પહોળી કરાય છે. કબજિયાત દૂર કરવા જુલાબ અપાય છે. દર્દીને બેહોશ કરવાની શસ્ત્રક્રિયાઓમાં અચાનક મહત્તમ વિવૃત્તન (dilatation), વિવર-ઉચ્છેદન (fissurectomy), દ્વારરક્ષકછેદન (sphlincterotomy) વગેરે પદ્ધતિઓ વપરાય છે. મોટા ભાગના કિસ્સામાં પાર્શ્વીય દ્વારરક્ષક છેદન (lateral sphincterotomy)ની શસ્ત્રક્રિયા કરવામાં આવે છે.

શિલીન નં. શુક્લ

સોમાલાલ ત્રિવેદી