ગિરિવ્રજ : પટણાથી 97 કિમી. દૂર મગધની પ્રાચીન રાજધાની. ઉપરિચરવસુએ આ નગરની સ્થાપના કરી હોવાથી તેને વસુમતી નામ મળ્યું હતું. બૃહદ્રથ કુળના રાજાઓની તે રાજધાની હતી એવો મહાભારતનો બાર્હદ્પુર તરીકે આ સ્થાનનો ઉલ્લેખ મળે છે. બુદ્ધના સમયથી તેનું રાજગૃહ નામ મળે છે. બૌદ્ધ ગ્રંથોમાં કુશાગ્રપુરી એવું નામ પણ મળે છે. ગૌતમ બુદ્ધ વર્ષા દરમિયાન વાસ માટે અહીં આવ્યા હતા એવો ઉલ્લેખ મળે છે. ચીની પ્રવાસી ફાહ્યાનના મતે રાજગૃહની દક્ષિણે 1.2 કિમી. ઉપર આવેલી પાંચ ટેકરીઓ વચ્ચે આ સ્થળ હતું. રામાયણમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. આ પાંચ ટેકરીના વૈભાર, વરાલ (વિપુલગિરિ), વૃષભ (રાન), ઋષિ (ઉદય) અને ચૈત્યક (સોનાગિરિ) નામ હતાં. વૈભાર ટેકરી ઉપર બૌદ્ધોની પ્રથમ ધર્મપરિષદ મળી હતી.

શિવપ્રસાદ રાજગોર