ગિરિવ્યાધિ (mountain sickness) : ઊંચાઈ પર હવાના દબાણમાં તથા ઑક્સિજનના પ્રમાણમાં થતા ઘટાડાને કારણે થતો વિકાર. વ્યક્તિ 2000 મીટર કે વધુ ઊંચાઈ પર ઝડપથી પહોંચી હોય તો તેની દેહધાર્મિક ક્રિયાઓમાં હવાના દબાણ અને ઑક્સિજનના ઘટાડાની સ્થિતિને અનુરૂપ જરૂરી ફેરફાર કરવાનો સમય ઉપલબ્ધ હોતો નથી. આવા સંજોગોમાં વધુ કામ કરવાથી કે ફેફસાંની મર્યાદિત ક્ષમતા હોવાને કારણે ઉદભવતો વિકાર ઉગ્ર (acute) અથવા અલ્પ-ઉગ્ર (sub-acute) પ્રકારનો હોય છે. લાંબા સમયથી આવા વાતાવરણમાં રહેનાર વ્યક્તિમાં વ્યક્તિની દેહધાર્મિક (physiological) ક્રિયાઓમાં વાતાવરણને અનુકૂળ ફેરફારો થાય છે તેને અનુકૂલન (acclimatization) કહે છે.

ઉગ્ર વિકાર : વાતાવરણમાં ઉપર જણાવેલ ફેરફાર ઝડપથી આવે ત્યારે વ્યક્તિને અંધારાં આવે છે (dizziness), માથું દેખે છે, ટાઢ વાય છે, ચહેરા પર ફીકાશ આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે છે તથા ચામડી અને હોઠ તથા પોપચાંની અંદર તરફની સપાટી પર આવેલી શ્લેષ્મકલા (mucosa) ભૂરી થાય છે. વધુ તીવ્ર વિકાર હોય તો ચક્કર (vertigo), આંખના ર્દષ્ટિપટલ પર લોહી ઝમવું, સાંભળવામાં તકલીફ થવી, મગજના સોજાને કારણે માથું દુખવું વગેરે તકલીફો થઈ આવે છે. અતિતીવ્ર વિકાર ઉદભવે તો ફેફસાંમાં પ્રવાહી ભરાય છે અને ચાઇન-સ્ટોક્સ પ્રકારની શ્વાસોચ્છવાસની ક્રિયા થવા માંડે છે. સમયાંતરે, વારે ઘડીએ શ્વાસોચ્છવાસનો દર વધે છે. તેને સમયાંતરિત અતિશ્વસન (periodic hyperventilation) કહે છે. તેને કારણે થોડા સમય માટે તકલીફો શમે છે. મોટા ભાગના કિસ્સામાં 24 થી 48 કલાકમાં આ વિકાર શમે છે. ક્યારેક ઑક્સિજન આપવો પડે છે તથા દર્દીને ઊંચાઈ પરથી નીચેની સપાટીએ લાવવો પડે છે. આ પ્રકારનો વ્યાધિ થતો અટકાવવા માટે વ્યક્તિએ મુસાફરી પહેલાં પૂરતો આરામ અને ઊંઘ લેવાં જોઈએ, ખોરાક પણ ઓછો લેવો જોઈએ, તમાકુ તથા દારૂનું સેવન કે ધૂમ્રપાન ન કરવાં જોઈએ. બિનજરૂરી શ્રમદાયક પ્રવૃત્તિ ઘટાડવી જોઈએ એવું સૂચવાય છે. જો મગજ કે ફેફસાંનો સોજો થઈ આવે તો તે તીવ્ર (severe) અને જોખમી વિકારો ગણાતા હોવાથી તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવી પડે છે. તે માટે ઑક્સિજન, સ્ટીરોઇડ્સ અને મેનિટોલ કે અન્ય મૂત્રવર્ધકો-(diuretics)નો ઉપયોગ તથા તરત નીચલી સપાટીએ સ્થાનાંતરણ કરવા માટે સૂચવાય છે.

અલ્પઉગ્ર વિકાર : વાતાવરણમાંના ફેરફાર સાથે જેમની દેહધાર્મિક ક્રિયાઓ ગોઠવાઈ શકી ન હોય તેવી વ્યક્તિઓ જો થોડા વધુ સમયમાં 4500 મીટરથી વધુ ઊંચાઈએ પહોંચે તો ક્યારેક તેમના મગજ પર સોજો આવે છે; પરંતુ વારંવાર શ્વાસોચ્છવાસનો દર વધતો નથી અને તેથી વિકારની તીવ્રતા ક્યારેક વધે છે. તે સમયે શરીરમાંનું પ્રવાહી ઘટે છે, ચામડી સૂકી થાય છે અને ખૂજલી થઈ આવે છે. હૃદયની જમણી બાજુના ખંડની દીવાલ જાડી થાય છે. સારવાર માટે આરામ, ઑક્સિજન તથા નીચલી સપાટીએ સ્થાનાંતરણ લાભ કરે છે.

દીર્ઘકાલી ગિરિવ્યાધિ : તેને મોન્ગેનો રોગ પણ કહે છે. આ ભાગ્યે જ જોવા મળતો વિકાર છે. લાંબા સમયથી ઊંચાઈ પર રહેતી વ્યક્તિઓમાં વાતાવરણને અનુરૂપ દેહધાર્મિક ક્રિયાઓના ફેરફાર ઘટ્યા હોય ત્યારે આ રોગ થાય છે. તેને લાંબા સમયના શ્વસનમાર્ગના રોગથી કે ફેફસાંના રોગોથી અલગ પાડવો ક્યારેક મુશ્કેલ પણ હોય છે. તે સમયે વ્યક્તિને શ્વાસ ચઢે છે, તેની ચામડી તથા શ્લેષ્મકલા ભૂરી થઈ જાય છે. આંગળીઓનાં ટેરવાં ફૂલે છે (clubbing) અને સતત રહેતી ઑક્સિજનની ઊણપને કારણે ઑક્સિજનનું વહન કરતા લોહીના રક્તકોષોની સંખ્યા વધે છે. તેને અતિરક્તકોષિતા (polycythaemia) કહે છે. તે સમયે લોહીનું રુધિરકોષદળ (haematocrit) 75 % જેટલું થઈ જાય છે., લોહીના નમૂનાને સતત ગોળ ગોળ ફેરવવાથી તેના કોષો કશનળીમાં નીચે જમા થાય છે અને પ્રવાહી ઉપર આવી જાય છે. આના વડે લોહીમાં કેટલા પ્રમાણમાં (ટકામાં) કોષો છે તે જાણી શકાય છે. તેને લોહીનું કોષદળ અથવા રુધિરકોષદળકદ (packed cell volume) કહે છે. સામાન્ય રીતે કોષદળ 45 % થી 50 % હોય છે. દીર્ઘકાલી ગિરિવ્યાધિના દર્દીમાં સતત ઑક્સિજનની ઊણપને કારણે રક્તકોષોની સંખ્યા અને રુધિરકોષદળકદ વધે છે. આ ઉપરાંત હૃદયના જમણા ખંડની કાર્યદક્ષતા ઘટે છે અને તેમની નિષ્ફળતા ઉદભવે છે. તેને રક્તભારિત હૃદય નિષ્ફળતા (congestive cardiac failure, CCF) કહે છે. મૂત્રવર્ધકો, ઑક્સિજન, આરામ તથા નીચલી સપાટીએ સ્થનાંતરણથી ઘણી વખત આ વિકાર પૂરેપૂરો શમે છે.

હવાઈ મુસાફરી : હાલ ઉપલબ્ધ વિમાનોમાં તેની અંદરના વાતાવરણને સમતુલિત રાખવાની પદ્ધતિ વિકસેલી છે છતાં ઝડપથી ઊંચાઈમાં થતા ફેરફરોને કારણે કેટલાક વ્યાધિ, વિકારો કે રોગવાળી વ્યક્તિને માટે હવાઈ મુસાફરી જોખમી પણ થઈ પડે છે.

આવા સમયે 100 % ઑક્સિજન આપવાની વ્યવસ્થા હોવી આવશ્યક ગણય છે અથવા આવી વ્યક્તિઓને હવાઈ મુસાફરી ન કરવાની સૂચના અપાય છે (સારણી 1). આવી વ્યક્તિઓને પર્વત પરની ઊંચાઈ પર પણ ન જવાનું સૂચવાય છે.

સારણી 1 : હવાઈ મુસાફરી કે ઊંચાઈ પર ગિરિવ્યાધિ થવાની

શક્યતાવાળા રોગો અને વિકારો

(1) હૃદય-વાહિની તંત્ર :
(અ) હૃદયરોગના હુમલા (heart attack) અથવા હૃદ્સ્નાયુપેશી-હનન

(myocardial infection) થયા પછી 4 અઠવાડિયાં કે તેથી ઓછો

સમય

(આ) મગજની નસમાં લોહી જામી જવાના વિકાર પછી 2 અઠવાડિયાં કે

તેથી ઓછો સમય

(ઇ) લોહીનું ઘણું ઊંચું દબાણ
(ઈ) હૃદયના સ્નાયુ કે વાલ્વના રોગોને કારણે હૃદયની કાર્યક્ષમતામાં

અતિશય ઘટાડો

(2) ફેફસાં :
(અ) વાતવક્ષ (pneumothorax) અથવા ફેફસાંની આસપાસનાં

આવરણોમાં હવા ભરાઈ જવી

(આ) ફેફસી કોષ્ઠ (pulmonary cyst)
(ઇ) શ્વસનક્ષમતા (vital capacity) 50 % કે તેથી ઓછી
(3) આંખ : આંખ પર ટૂંક સમય પહેલાં કરાયેલી શસ્ત્રક્રિયા
(4) નાક, કાન, ગળું :
(અ) નાકની આસપાસમાંનાં હાડકાંનાં પોલાણમાં ચેપ લાગવાથી

થતો ઉગ્ર વિવરશોથ (acute sinusitis)

(આ) કાનના વચલા ભાગમાં ચેપ લાગવાથી થતો મધ્યકર્ણ શોથ

(otitis media)

(5) જઠર અને આંતરડાં :
(અ) પેટ પર કરાયેલી 10થી 14 દિવસ જૂની શસ્ત્રક્રિયા
(આ) આંતરડાંની અંધનાલિ(diverticulum)માં લાગેલા ચેપથી થતો

અંધનાલિશોથ (diverticulitis) નામનો વિકાર

(ઇ) મોટા આંતરડામાં વારંવાર ચાંદાં પડવાનો વ્રણકારી સ્થિરાંત્ર-
શોથ (ulcerative colitis) નામના વિકારનો ઉગ્ર તબક્કો છે
(ઈ) અન્નનળીમાં ઉગ્ર સ્વરૂપે ફૂલેલી લોહીની નસોથી થતો ઉગ્ર
અન્નનાલિકાકીય શિરાવિસ્ફારણ(Oesophageal Varices)
(6) મગજ :
(અ) વારંવાર આંચકી અથવા ખેંચ (convulsions) આવે તેવો

અપસ્માર (epilepsy) નામનો વિકાર

(આ) ખોપરીના હાડકાનું તૂટવું
(ઇ) મગજમાં ગાંઠ
(7) લોહી :
(અ) લોહીમાંના હિમોગ્લોબિનનું પ્રમાણ 8.5 % કે તેથી ઓછું હોય

એવી પાંડુતા (anaemia)

(આ) દાત્રકોષી (sickle cell) રોગ
(ઇ) લોહી વહેવાના કે ગંઠાઈ ન શકવાના વિકારો
(8) 240 દિવસથી વધુ થયા હોય એવી સગર્ભાવસ્થા.

શિલીન નં. શુક્લ

નિલય રા. ઠાકોર