ગિલ, એમ. એસ. (જ. 14 જૂન 1936, પંજાબ) : ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર. પિતા કર્નલ પ્રતાપસીંગ ગિલ અને માતા નિરંજન કૌર ગિલ. પંજાબના અમૃતસર જિલ્લાનું અલ્દીનપુર ગામ તેમનું વતન. સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી.ની ડિગ્રીઓ ધરાવવા સાથે તેઓ ડેવલપમેન્ટ સ્ટડીઝનો ડિપ્લોમા ધરાવે છે. યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાંથી ડૉક્ટર ઑવ્ સાયન્સની ડિગ્રી ધરાવવા ઉપરાંત પંજાબ એગ્રિકલ્ચર યુનિવર્સિટી, પંજાબ યુનિવર્સિટી, હરિયાણા એગ્રિકલ્ચર યુનિવર્સિટી જેવી બીજી યુનિવર્સિટીઓની માનદ ડિગ્રીઓ તેઓ ધરાવે છે. કેમ્બ્રિજની ક્વીન્સ કૉલેજમાં તેઓ માનદ ફેલો છે. પંજાબ કેડરમાંથી તેઓ ભારતીય વહીવટ સેવા(IAS)ના અધિકારી બન્યા, 1958–93 દરમિયાન તેમણે વિવિધ હોદ્દાઓ પર કામગીરી બજાવી. 1961–62માં નાયબ કમિશનર તરીકે અને 1965થી અંબાલા અને જલંધર જિલ્લાના કલેક્ટર તરીકે સેવાઓ આપી. ત્યારબાદ પંજાબના મુખ્યમંત્રીના સચિવ, ડેવલપમેન્ટ કમિશનર એમ વિવિધ હોદ્દાઓ પર પંજાબ સરકારમાં કામગીરી બજાવી. 1988થી પંજાબ રાજ્યની સેવામાંથી તેઓ ભારત સરકારના વિવિધ વિભાગોની સેવામાં જોડાયા. પ્રારંભે ડિપાર્ટમેન્ટ ઑવ્ કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સમાં અને પછી કૃષિ અને સહકારી વિભાગના સચિવ તરીકે ફરજો બજાવતા હતા. 1993–96 દરમિયાન તેઓ ચૂંટણી અધિકારી અને 1996–2001 દરમિયાન મુખ્ય ચૂંટણી અધિકારી રહ્યા. મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની ફરજો તેમણે સુવ્યવસ્થિત રીતે પાર પાડી. નિવૃત્તિ બાદ તેઓ 2005થી ભારતની રાજ્યસભાના સાંસદ તરીકે સેવાઓ આપવા ઉપરાંત ભારતના કેન્દ્ર સરકારના ખેલકૂદ મંત્રી પણ છે. 2000માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેઓ કૃષિ અંગેની સમિતિ, વિદેશ મંત્રાલયની સલાહકાર સમિતિ જેવી સમિતિઓના તથા ઇન્ડિયન કાઉન્સિલ ઑવ્ વર્લ્ડ અફેર્સના સભ્ય છે. 1981–85માં સોકોટો એગ્રિકલ્ચર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના તેઓ સંગઠક અને માર્ગદર્શક હતા. આ પ્રોજેક્ટને વિશ્વબૅંક તરફથી નાણાં પૂરાં પાડવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત દાદાભાઈ નવરોજજી ન્યૂ મિલેનિયમ ઇન્ટરનૅશનલ ઍવૉર્ડ જેવાં અન્ય બહુમાન પણ તેમણે મેળવ્યાં છે.

એમ. એસ. ગિલ

તેઓ રમતગમતનો ભારે શોખ ધરાવે છે. હિમાલયન માઉન્ટિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ(દાર્જિલિંગ)માં જોડાનાર તેઓ ભારતીય વહીવટી સેવાના સૌપ્રથમ અધિકારી હતા. તેનસિંગ નોર્ગે સાથે તાલીમ મેળવી તેઓ 6096 મીટર (20,000 ફૂટ) સુધીની ઊંચાઈ આંબી શકતા હતા. 1968માં ઇન્ડિયન કન્ટિન્જન્ટ ટીમ(ભારતીય પ્રાસંગિક ટુકડી)ને 1968ની મેક્સિકો ખાતેની ઑલિમ્પિકમાં લઈ જવા માટેનું શ્રેય તેમને ખાતે જમા છે. અન્ય ઘણી સંસ્થાઓમાં તેઓ સભ્ય કે સલાહકાર સભ્ય તરીકેની સેવાઓ આપે છે.

તેમનાં પ્રકાશનો વિવિધ ક્ષેત્રો ધરાવે છે. હિમાલયન વન્ડરલૅન્ડ : ટ્રાવેલ્સ ઇન લાહૌલ-સ્પિતિ (1972); ફોક ટેલ્સ ઑવ્ લાહૌલ (1977); એન એસેસમેન્ટ ઑવ્ ધ ગ્રીન રેવોલ્યૂશન ઇન ઇન્ડિયા (1978); એગ્રિકલ્ચરલ કૉ-ઓપરેટિવ્સ : એ કેસ સ્ટડી ઑવ્ પંજાબ (1983); ધ ઇલેક્ટોરલ સિસ્ટમ ઇન ઇન્ડિયા (1997); ઇલેક્શન્સ ઇન ઇન્ડિયા મેજર ઇવેન્ટસ ઍન્ડ ન્યૂ ઇનિશયેટીવ્સ 1996-2000 (2000) જેવા ગ્રંથોના તેઓ લેખક છે.

રક્ષા મ. વ્યાસ