ગાંધી, કસ્તૂરબા મોહનદાસ
January, 2010
ગાંધી, કસ્તૂરબા મોહનદાસ (જ. 11 એપ્રિલ 1869 પોરબંદર; અ. 22 ફેબ્રુઆરી 1944, પુણે) : ગાંધીજીનાં પત્ની. તેમના નમ્ર, મિતભાષી, મૃદુ તેમજ મક્કમ સ્વભાવ વિશે ગાંધીજી કહેતા કે સત્યાગ્રહનું રહસ્ય પોતે તેમની પાસેથી શીખ્યા છે.
તેમની ચોક્કસ જન્મતારીખ તો મળતી નથી; પરંતુ તે ગાંધીજી કરતાં લગભગ છ મહિના મોટાં હતાં. એટલે તેમની જન્મસાલ પણ અંદાજે 1869 ગણાય. પિતા ગોકુળદાસ મકનજી અને માતા વ્રજકુંવર તરફથી વૈષ્ણવ કુટુંબના ધાર્મિક સંસ્કાર વારસામાં મળેલા. સાત વર્ષની ઉંમરે કસ્તૂરબાની સગાઈ અને તેર વર્ષે લગ્ન થયેલાં. તેમને ચાર પુત્રો
હરિલાલ, મણિલાલ, રામદાસ અને દેવદાસ હતા. તેમના પુત્રો અને પછી સૌ આશ્રમવાસીઓ તેમને બા કહી બોલાવતા તેથી ગાંધીજી પણ અન્ય સાથે વાતમાં તેમનો ‘બા’ શબ્દથી ઉલ્લેખ કરતા. તેમણે ગાંધીજીને આજીવન અંત:કરણપૂર્વક સાથ આપ્યો અને જ્યાં જ્યાં તે રહ્યા અને જે જીવનવ્યવસ્થા તેમણે અપનાવી તે બધાંને કસ્તૂરબા પૂરી સમજ અને શ્રદ્ધાપૂર્વક અનુસર્યાં. ગાંધીજી સાથે અઢારેક વર્ષ દક્ષિણ આફ્રિકામાં રહ્યાં અને ત્યાર પછી ભારતમાં એમ આજીવન તેમણે ગાંધીજીને પગલે પગલે આશ્રમવાસીનું તથા સ્વાતંત્ર્યસંગ્રામના સત્યાગ્રહીનું જીવન અપનાવ્યું તેમજ તે અંગે ગાંધીજીની મહિલા-પ્રવૃત્તિઓમાં નિરંતર ઓતપ્રોત રહ્યાં. તેમણે દક્ષિણ આફ્રિકાની દમનકારી સરકારની સામે આઝાદીની લડતમાં તથા સત્યાગ્રહમાં ભાગ લઈ જેલવાસ ભોગવ્યા; પોતાના જીવન અને કાર્ય વડે તેમણે અનેક મહિલાઓને ઘરની દીવાલો છોડીને અહિંસક સત્યાગ્રહમાં ભાગ લેવાની નૈતિક શક્તિ અને પ્રેરણા પૂરી પાડી. હિંદુ પરંપરાગત પુરુષપ્રધાન સમાજમાં, ભારતની મહિલાઓમાં દબાઈ રહેલી કે સુપ્ત રહેલી શક્તિને ગાંધીજી પ્રગટ કરી શક્યા તેમાં કસ્તૂરબાના પ્રભાવની અવગણના થઈ શકે તેમ નથી. તેમણે અસહકારની ચળવળો દરમિયાન 1930 અને 1932માં જેલવાસ ભોગવ્યો. ભારતના આઝાદી જંગના ઇતિહાસમાં એથી કસ્તૂરબા ગાંધીનું સ્થાન અનોખું બની રહ્યું. તેઓ પણ રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે લોકહૃદયમાં આદરભર્યું સ્થાન પામ્યાં.
9 ઑગસ્ટ 1942ના હિંદ છોડો આંદોલન વખતે, ગાંધીજી સાથે, બ્રિટિશ રાજના હાકેમોએ તેમની પણ અટકાયત કરી અને તેમને ગાંધીજી સાથે પુણેના આગાખાન મહેલમાં રાખ્યાં. અહીં તેમનું સ્વાસ્થ્ય કથળ્યું અને પતિસેવાના પરમધર્મ અને સૌભાગ્યની પૂર્ણાહુતિ તેમણે પતિના ખોળામાં જ માથું મૂકીને કરી. તે વખતે તેમની વય 75 વર્ષની હતી અને તે દિવસ મહાશિવરાત્રિનો હતો.
તપ અને સેવાપરાયણ જીવન વડે ભારતનાં નારીરત્નોની શૃંખલામાં તેમનું સ્થાન અમર બની ગયું.
સાધના ચિતરંજન વોરા