ગાંધી, ઇન્દુલાલ ફૂલચંદ (જ. 12 ડિસેમ્બર 1911, મકનસર, મોરબી; અ. 10 જાન્યુઆરી 1986, રાજકોટ) : ગુજરાતી કવિ, નાટ્યકાર અને વાર્તાકાર. તખલ્લુસ ‘શશીવદન મહેતા’ અને ‘પિનાકપાણિ’. માતાનું નામ ઝબકબાઈ. જાતે દશા શ્રીમાળી વણિક. 1932માં સૂર્યલક્ષ્મી સાથે લગ્ન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. પિતા વ્યવસાય અર્થે કરાંચી ગયા. ત્યાં ઇન્દુલાલે 1928થી 1947 સુધી પાનબીડીની દુકાન ચલાવી. રાત્રિશાળામાં અભ્યાસ કરી 1930માં ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કરી.

ઇન્દુલાલ ફૂલચંદ ગાંધી

ડોલરરાય માંકડ અને કરસનદાસ માણેકના પરિચયથી ઇન્દુલાલ સાહિત્યસર્જન તરફ વળ્યા. ‘ઊર્મિ’ સામયિક શરૂ કર્યું. 1947માં પાકિસ્તાન થતાં મોરબી આવી વસ્યા. 1950ની પૂર હોનારતમાં બધું ગુમાવ્યા પછી રાજકોટમાં ‘નૂતન સૌરાષ્ટ્ર’ દૈનિકમાં કામ કર્યું. 1954માં આકાશવાણીના રાજકોટ કેન્દ્રમાં આલેખક (script writer) અને નિર્માતા (producer) તરીકે કામગીરી બજાવીને 1973માં નિવૃત્ત થયા.

સામયિકોના સંપાદનકાર્યમાં મીનુ દેસાઈ સાથે ‘અતિથિ’ અને ‘મંજરી’માં તથા કે. પી. શાહ અને જશુ મહેતા સાથે ‘લોકવાણી’, ‘રોશની’, ‘રેણુ’ વગેરેમાં સક્રિય રીતે સંકળાયેલા હતા.

કાવ્યસંગ્રહો : ‘તેજરેખા’ (1931), ‘જીવનનાં જળ’ (1933), ‘ખંડિત મૂર્તિઓ’ (1935), ‘શતદલ’ (1938) ‘ગોરસી’ (1939), ‘ઈંધણાં’ (1944), ‘ધનુર્દોરી’ (1944), ‘ઉન્મેષ’ (1947), ‘પલ્લવી’ (1953), ‘શ્રીલેખા’ (1958), ‘ઉત્તરીય’ (1962).

કૌતુકરાગી મનોવલણ સાથે ક્યારેક રોષ વ્યક્ત કરતાં સ્વસ્થતા ગુમાવે છે. ગીતો, સૉનેટો અને કથાકાવ્યોની રચનાઓમાં એમનો શક્તિવિશેષ પ્રગટ થાય છે. ‘ભાણી’, ‘આંધળી માનો કાગળ’ વગેરે તેમની પ્રશસ્ય રચનાઓ છે.

એકાંકી નાટ્યસંગ્રહો : ‘નારાયણી’ (1932), ‘અપંગ માનવતા’ (1932), ‘પલટાતાં તેજ’ (1935), ‘અંધકાર વચ્ચે’ (1937), ‘અપ્સરા’ (1941), ‘પથ્થરનાં પારેવાં’ (1941), ‘ગોમતીચક્ર’ (1944) અને ‘ચિત્રાદેવી’ (1948).

‘કીર્તિદા’ (1935) એમનો વાર્તાસંગ્રહ છે. એમના બાળસાહિત્યમાં ‘રામાયણદર્શન’ (1956), ‘મહાભારતદર્શન’ (1956), ‘વિક્રમોર્વશીયમ્’ (1962) અને ‘બાલવિવેકાનંદ’ (1965) નોંધપાત્ર કૃતિઓ છે.

રમણિકભાઈ જાની