ગાંધી, ગોપાલકૃષ્ણ (જ. 22 એપ્રિલ 1945, દિલ્હી) : ભારતીય સનદી સેવાના અધિકારી અને તેજસ્વી રાજનીતિજ્ઞ. પિતા દેવદાસ ગાંધી અને માતા લક્ષ્મી ગાંધી. ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આ પૌત્ર માતૃપક્ષે પણ સી. ગોપાલાચારીના દૌહિત્ર હોઈ સંસ્કારસંપન્ન અને રાષ્ટ્રભક્તિના ગુણોની અભિવ્યક્તિ કરતું વ્યક્તિત્વ ધરાવે છે.

ગોપાલકૃષ્ણ ગાંધી

બાળવયે આ ગોપુ ગાંધીજીના લાડ-પ્યાર પામતો, તેમની ગોદમાં ઊછર્યો. અભ્યાસની તેજસ્વી કારકિર્દી સાથે દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજમાંથી અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક પદવી મેળવી. 1968માં ભારતીય વહીવટી સેવા(IAS)માં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થઈને તામિલનાડુ સરકારમાં વિવિધ વહીવટી હોદ્દાઓ પર સેવાઓ આપી. 1985થી કેન્દ્ર સરકારમાં વહીવટી સેવાઓ આપી. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ આર. વેંકટરામનના સચિવ અને 1987થી ભારતના રાષ્ટ્રપ્રમુખ આર. વેંકટરામનના સંયુક્ત સચિવ તરીકે ફરજો બજાવતા હતા. 1992માં તેમણે ભારતીય વહીવટી સેવામાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. બ્રિટન, દક્ષિણ આફ્રિકા, લેસોથો (Lesotho) અને શ્રીલંકામાં ઉચ્ચાયુક્ત તરીકે તેમજ નૉર્વે તથા આઇસલૅન્ડમાં તેમણે ભારતીય એલચી તરીકે ફરજો બજાવી હતી.

તેમની ભારતીય રાજકીય કારકિર્દીના ભાગ રૂપે 14 ડિસેમ્બર, 2004થી તેઓ પશ્ચિમ બંગાળ રાજ્યના રાજ્યપાલ નિમાયા.

આ વહીવટી હોદ્દાઓ તેમણે માનવીય ગુણધર્મો સાથે માણવાની કોશિશ કરી છે. રાષ્ટ્રપતિના સચિવ તરીકે તેઓ દુષ્કાળ રાહતકાર્યોની તપાસ માટે આવેલા ત્યારે કશીયે વિશેષ કે સરકારી આળપંપાળ વિના ખુદની ઓળખ છુપાવી રાહતકામોમાં જોડાયા હતા અને બનાસકાંઠાના છેવાડાના ગામો(કુંડાળિયા વગેરે)માં જઈ તે કાર્યોનો જાતઅનુભવ મેળવ્યો હતો. ત્યાં તેઓએ ઝાડ નીચે જ ઉતારો રાખી ફાળિયું બાંધી ત્રિકમ લઈ અન્ય મજૂરોની સાથે રાહતકાર્ય કર્યું હતું. આ કામનું શ્રમોપાર્જન ત્યાંની શ્રમિક બહેનોમાં વહેંચી તેઓ પાછા ફર્યા હતા.

નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળની સરકારે આતંક આચર્યો ત્યારે તેમણે તે આંતક અને હિંસાનો વિરોધ કર્યો; એટલું જ નહીં, પણ ભયત્રસ્ત પ્રજાને આશ્વસ્ત કરવા તેમની વચ્ચે ગયેલા અને ત્યાં ઠેર ઠેર રોકાઈને લોકો સાથે વાતચીત કરી તેમના ર્દષ્ટિબિંદુને સમજવાનો પ્રયાસ કર્યો તેમજ તેમની સલામતીની ખાતરી આપી, તેમનાં બાળકોને શાળાએ મોકલવાની શીખ આપી હતી. એ જ રીતે 2008માં કોલકાતા અને પશ્ચિમ બંગાળની વીજઅછતની સ્થિતિમાં અગવડો ભોગવતી આમજનતાની સહાનુભૂતિમાં 7 મેના રોજ રાજ્યપાલ ભવનની અંદર બે કલાકનો સ્વૈચ્છિક વીજકાપ સ્વીકાર્યો હતો. અલબત્ત, સત્તાધારી સામ્યવાદી મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુએ તેમના આ પગલા અંગે ભારે અણગમો વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલનાં આવાં સ્પષ્ટ નિર્ભીક અને નિષ્પક્ષપાતી વલણો સામ્યવાદી સરકારને રુચતાં નથી.

નક્કર વાસ્તવિકતા ન ભૂલવા છતાં સજ્જન, સૌમ્ય અને મક્કમ વ્યક્તિત્વ ધરાવતા ગોપાલકૃષ્ણ ગાંધીનું નામ રાષ્ટ્રપ્રમુખપદના સંભવિત ઉમેદવારોની યાદીમાં ગણગણાટ ધરાવતું હતું. સાઠીની આસપાસના આ નેતા ભવિષ્યમાં આ પદના ઉમેદવાર બને તેવી પાકી શક્યતા છે. ગાંધી – રાજગોપાલાચારી પરિવારોની કશીયે ‘લાયકાતો’નું ઓઠું લીધા વિના તેમણે સ્વબળે રાજકીય કારકિર્દી ઘડી છે તે તેમના નેતૃત્વનું ઊજળું પાસું છે. દેશના રાજકીય અંધકારના માહોલમાં સ્વચ્છ, નીડર અને વિચારશીલ માનવ તરીકે તેમના વ્યક્તિત્વનો વિશેષ પ્રભાવ છે.

અભ્યાસ, વાચન અને સાહિત્યપ્રેમનો વારસો પામેલા ગાંધીએ વિક્રમ સેઠની ખ્યાતનામ નવલકથા ‘અ સુટેબલ બૉય’નો હિંદી અનુવાદ પ્રકાશિત (1998) કર્યો છે. તેમણે સ્વયં નાટક અને નવલકથાની રચના કરેલી છે.

રક્ષા મ. વ્યાસ