ગર્વ : તેત્રીસમાંથી એક સંસારી ભાવ. વાગ્ભટને મતે બીજાઓનો અનાદર તે ગર્વ છે. આ લક્ષણ વાસ્તવમાં ગર્વના ભાવથી વ્યક્તિગત સ્વાભિમાન અને બીજા પર તેની અભિવ્યક્તિનો સંક્ષેપ માત્ર છે. અગ્નિપુરાણ કહે છે કે ગર્વ એટલે પોતાના ઉત્કર્ષની ભાવનાથી અન્યોની અવજ્ઞા કરવી. વસ્તુતઃ ગર્વ એ એક પ્રકારનો મનોવિકાર છે. ગર્વની ભાવનાથી અભિભૂત વ્યક્તિ સ્વસંતુષ્ટ હોય છે. તેથી તે બીજાઓ ઉપર પણ એ અભિવ્યક્ત કરે છે અને એમ કરવાથી એને સુખ નીપજે છે. ઉત્સાહપ્રધાન ગર્વરસથી વીરરસની નિષ્પત્તિ થાય છે. પાશ્ચાત્ય મનોવિજ્ઞાનિકો ગર્વને સ્થાયી ભાવ માને છે.
પ્રવીણચંદ્ર પરીખ