ગર્મ હવા : ભારતના મુસ્લિમ સમાજના જીવન અને માનસનું હૃદયદ્રાવક નિરૂપણ કરતી, પ્રેક્ષકો અને વિવેચકોની ખૂબ પ્રીતિપાત્ર બનેલી હિંદી ફિલ્મ.

નિર્માણસંસ્થા : યુનિટ 3 એમ.એમ.; નિર્માણ વર્ષ : 1973; નિર્માતા : એમ. એસ. સથ્યુ, અબુ શિવાની, ઈશન આર્ય; દિગ્દર્શક : એમ. એસ. સથ્યુ; કથા : કૈફી આઝમી; પટકથા : કૈફી આઝમી, શમા ઝૈદી; સંવાદ-ગીતો : કૈફી આઝમી; સંગીત : ઉસ્તાદ બહાદુરખાન; છબીકલા : ઈશન આર્ય અને પ્રમુખ પાત્રસૃષ્ટિમાં બલરાજ સહાની (સલીમ મિર્ઝાના મુખ્ય પાત્રમાં), ગીતા, જલાલ આગા અને ફારૂખ શેખ છે.

સલીમ મિર્ઝા આગ્રામાં પગરખાંનો વેપારી છે. દેશની આઝાદી પછી દિલ્હી અને ઉત્તરપ્રદેશના ઘણા મુસ્લિમો પાકિસ્તાન ચાલ્યા ગયા; પરંતુ સલીમ મિર્ઝા મક્કમ રહ્યા. તેના ભાઈ પણ ચાલ્યા ગયા અને તેમની સાથે તેમનો ભત્રીજો કે જેની સાથે સલીમ મિર્ઝાની પુત્રી આમિનાનો વિવાહ નક્કી થયો હતો, તે પણ ચાલ્યો ગયો. આમિનાનું દિલ ઉદાસ થઈ ગયું; પરંતુ શમસાદે તેને આશ્વાસ આપ્યું. તેના દિલમાં જીવન જીવવાની મહેચ્છા જાગ્રત કરી અને તેની સાથે લગ્ન કરવાનું વચન પણ આપ્યું; પરંતુ આ વચન પૂરું કરે તે પહેલાં શમસાદને તેનાં માતાપિતા સાથે ભારત છોડવું પડ્યું. સલીમ મિર્ઝાનો નાનો પુત્ર સિકંદર બી.એ. થઈ ગયો હોવા છતાં બેકાર હતો. સિકંદરને લાગતું કે તેની સાથે પક્ષપાતભર્યું વલણ અપનાવાઈ રહ્યું છે. સલીમ મિર્ઝાની વૃદ્ધ માતાના દેહાંત પછી સલીમ મિર્ઝાનું દિલ પણ ઊઠી ગયું હતું. શકના આધારે તેના ઉપર પાકિસ્તાની જાસૂસ હોવાના આરોપસર તેને કોર્ટમાં લાવવામાં આવ્યો. કોર્ટે તેને નિર્દોષ જાહેર કરીને સન્માનપૂર્વક મુક્તિ અપાવી; પરંતુ વ્યાવસાયિક સંબંધોમાં તેની સામે ઘણો ભેદભાવ રાખવામાં આવતો. ભારતમાં વધુ સમય રહેવાની હિંમત સલીમ મિર્ઝામાં રહી નહિ. જમાનાની આ હવા જોતાં સલીમ મિર્ઝાએ તેની પત્ની અને પુત્ર સિકંદર સાથે પાકિસ્તાન જવાનો નિર્ણય કર્યો. સ્ટેશને જતાં રસ્તામાં બેકારી અને મોંઘવારી વિરુદ્ધના સરઘસમાં બિનમુસ્લિમ લોકોને જોતાં પિતા-પુત્રને લાગ્યું કે તેમની ઘણી મુશ્કેલીઓ કેવળ તેમની નથી. આર્થિક સમસ્યામાં સપડાયેલો વર્ગ ઘણો મોટો છે. આ મુશ્કેલીઓથી ગભરાઈને સમૃદ્ધિ શોધવા બીજા દેશમાં જવું તે તેનો સાચો ઉપાય નથી. ગરીબો, બેકારો અને પિસાયેલા વર્ગની સાથે રહીને આ સમસ્યા દૂર કરવામાં તેમને મદદ કરવી જોઈએ. આ વિચારસરણી સ્વીકારી તેણે પાકિસ્તાન જતા રહેવાનો તેનો નિર્ણય પડતો મૂક્યો.

વિદેશના ચિત્ર-મહોત્સવો માટે પણ આ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી. લંડનમાં આ ફિલ્મ ત્યાંના સ્થાનિક છબીઘરમાં નિયમિત પ્રયોગોમાં લાંબા સમય સુધી ચાલી હતી.

પીયૂષ વ્યાસ