ગલકાં : દ્વિદળી વર્ગમાં આવેલા કુકરબીટેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Luffa cylindrica (Linn.) M. J. Roem. syn. L. aegyptica Mill. (સં. હસ્તિકોશાતકી, ઘોશકી; હિં. નેનુઆ તોરઈ, ઘિયા તોરઈ; બં. ધુંધુલ; મ. ઘોશળે, ઘોશાળી, પારસી દોડકા; ક. અરહીરે, તુપ્પીરી; તે. પુછાબીરકાયા; ફા. ખિયાર; અં. સ્પોન્જ ગાર્ડ, વેજિટેબલ સ્પોન્જ) છે. તે એક મોટી એકગૃહી (monoecious) આરોહી વનસ્પતિ છે. તેનું પ્રકાંડ કોણીય અને વળદાર હોય છે. તે આરોહણની ક્રિયા ત્રિશાખી સૂત્રો દ્વારા કરે છે. પર્ણો સાદાં, એકાંતરિક, વર્તુલ-મૂત્રપિંડાકાર (orbicular-reniform), પંચ-ખંડીય અને દંતુર (dentate) હોય છે. તેમનો તલસ્થભાગ હૃદયાકાર હોય છે. પુષ્પનિર્માણ જુલાઈથી સપ્ટેમ્બર સુધીમાં, કક્ષીય, 4–20 પુષ્પોવાળી કલગી (raceme) સ્વરૂપે થાય છે. પુષ્પો ટોચ ઉપર એકઠાં થયેલાં હોય છે. ગલકીનું સ્વરૂપ તૂરિયા જેવું હોવા છતાં પુષ્પમાં પાંચ પુંકેસરો અને ફળ તથા બીજના આકારની ર્દષ્ટિએ અલગ પડે છે. ફળ અલાબુક (pepo) પ્રકારનું અનષ્ઠિલ (berry), લીસું, નળાકાર, સામાન્યત: 20–50 સેમી. લાંબું (ક્વચિત્ 250 સેમી. સુધીની લંબાઈ ધારણ કરે છે.) હોય છે. બીજ સાંકડાં સપક્ષ અને કાળાં હોય છે.

ગલકીનો વેલો

ગલકી ભારતની સ્થાનિક વનસ્પતિ છે. તેનાં ખાદ્ય અને કડવાં સ્વરૂપો જાણીતાં છે. ખાદ્ય સ્વરૂપો કૃષિને કારણે ઉદભવ્યાં છે. તેનું વાવેતર જુદી જુદી ઋતુઓમાં દુનિયાના બધા જ ઉપોષ્ણ પ્રદેશોમાં વિપુલ પ્રમાણમાં થાય છે. ‘પુસા ચિકની’ જાત સારો પાક આપે છે અને 45 દિવસમાં પરિપક્વ થાય છે તથા વસંત ઋતુ અને ઉનાળામાં વાવી શકાય છે. આફ્રિકામાં પાતળાં ફળવાળી બીજરહિત જાત ઉગાડવામાં આવે છે. તેની વાવણી તૂરિયાની જેમ થાય છે.

ગલકીના રોગો : ગલકીને બે પ્રકારના રોગો થાય છે. ફળનો સડો અથવા ફળનો પોચો સડો. ફળને ઉનાળા અને ચોમાસા દરમિયાન વધુ ભેજવાળું વાતાવરણ દર વર્ષે નુકસાન કરે છે. Pythium aphanidermatum નામની ફૂગ જમીનના સંપર્કમાં આવી ફળમાં પ્રવેશ કરે છે અને તે ભાગમાં પાણીપોચા જખમો થતાં તેમાંથી પાણી બહાર નીકળે છે. ભેજવાળા ગરમ વાતાવરણમાં સફેદ ફૂગની વૃદ્ધિથી ફળ ઢંકાઈ જાય છે, તેથી તેના પર સફેદ કપાસનું આવરણ હોય એવો દેખાવ જણાય છે. આમ ફળ સડી જતાં કરમાઈ જઈ નાશ પામે છે.

રોગને કાબૂમાં લેવા માટેની રાસાયણિક દવા ખર્ચાળ હોય છે. તેથી ફળ જમીનના સંપર્કમાં ન આવે એ રીતે વેલાને અન્ય પાક પર અથવા માંડવો બનાવી ચડાવવો જરૂરી છે.

ભૂકીછારાના રોગમાં Erysiphaceae કુળની બે ફૂગો પાન પર આક્રમણ કરી આંતરકોષો અને પેશીઓમાં પ્રવેશ કરે છે અને વૃદ્ધિ કરી, બીજદંડ મારફત બીજાણુઓ પાનની સપાટી પર બહાર આવે છે; જેને લીધે પાન પર સફેદ ભૂકીનું આવરણ થઈ જાય છે. આક્રમણની શરૂઆતમાં પાન પર પીળાં ધાબાં પડે છે. સાનુકૂળ વાતાવરણ ચાલુ રહેતાં આવા રોગવાળાં પાન સુકાઈ જાય છે; તે વેલાઓ પર ફેલાઈ, વેલાઓ સુકાતાં, છોડ સુકાઈને મરી જાય છે.

કાલીઝીન કે કાર્બાન્ડાઝીમ દવાના છંટકાવથી રોગ કાબૂમાં આવી જાય છે.

આ ઉપરાંત Alternaria અને Cercospora પ્રજાતિની ફૂગો પણ ટપકાંનો રોગ કરે છે, જે કાર્બાન્ડાઝીમ દવાથી કાબૂમાં આવી જાય છે.

ગલકાનાં પોચાં ફળો શાકભાજી તરીકે ઉપયોગી છે. તેઓ પાકાં થતાં તંતુમય વાહીપુલો (fibrovascular bundles) સખત બને છે અને ગર કડવો તથા અખાદ્ય બને છે. તેનાં કાચાં ફળોના ખાદ્ય ભાગનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 93.19 %, પ્રોટીન 1.21 %, ઈથર નિષ્કર્ષ 0.23 %, કાર્બોદિતો 2.93 %, રેસો 1.95 % અને ભસ્મ 0.49 %; કૅલ્શિયમ 36 મિગ્રા., ફૉસ્ફરસ 19 મિગ્રા. અને લોહ 1.1 મિગ્રા. / 100 ગ્રા.; કૅરોટિન (વિટામિન A તરીકે) 200 આઇ. યુ., થાયેમિન 17.55 માઇક્રોગ્રા., રીબોફ્લેવિન 63.17 માઇક્રોગ્રા. અને નાયેસિન 0.37 મિગ્રા./100 ગ્રા., ઍસ્કોર્બિક ઍસિડ અતિઅલ્પ; કોલાઇન 10.45 મિગ્રા. / ગ્રા.. ફળમાં ફાઇટિન હોય છે. બિન-પ્રોટીન નાઇટ્રોજન કુલ નાઇટ્રોજનના 23.5 % ભાગ બનાવે છે. ફળમાં મળી આવતા મુક્ત એમિનો ઍસિડો આ પ્રમાણે છે : લાયસિન, આર્જિનિન, ઍસ્પાર્ટિક ઍસિડ, ગ્લાયસિન, થ્રીઓનિન, ગ્લુટામિક ઍસિડ, ઍલેનિન, ટ્રિપ્ટોફેન, ફિનિલઍલેનિન અને લ્યુસિન.

બીજનો મીંજ (kernal) બીજના વજનના 51 % જેટલો હોય છે. મીંજનું રાસાયણિક બંધારણ આ પ્રમાણે છે : નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય 40.94 %, લિપિડ 45.72 %, રેસો 2.89 %, પેન્ટોસન 2.31 %, અપચાયી (reducing) શર્કરાઓ 3.11 %, ખનિ-દ્રવ્ય 4.75 % અને ફૉસ્ફરસ (P2O5) 1.83 %. મીંજમાંથી ઉત્પન્ન થતું તેલ ઘેરા લાલ રંગનું, મંદ વાસવાળું અને અનુકૂળ સ્વાદવાળું હોય છે. તેની ભૌતિક લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : વિ. ગુ.27° 0.9412, વક્રીભવનાંક (n27°) 1.4830, સાબુકરણ આંક 194.90, આયોડિન આંક 106.4, ઍસિડ આંક 7.99, ઍસિટાઇલ આંક 17.35, કાચા દ્રવ્ય(R.M.)નો આંક 0.59, પૉલેન્સ્કે આંક 1.18 અને અસાબુનીકૃત આંક 1.2 %. તેલનું ફૅટી ઍસિડનું બંધારણ આ પ્રમાણે છે : પામિટિક 9.58 %, સ્ટિયરિક 7.35 %, ઓલિક 40.49 % અને લિનોલિક 42.58 %. બીજમાં કુકરબિટેસિન Bને સમરૂપ કડવો સ્ફટિકમય પદાર્થ આવેલો હોય છે. સ્ફટિકમય સેપોનિન(ગ. બિં. 271o સે.)ના જલાપઘટન (hydrolysis) દ્વારા ઓલિયેનોલિક ઍસિડ, ગૅલેક્ટોઝ, ઍરેબિનોઝ, ઝાયલોઝ અને રહેમ્નોઝ પ્રાપ્ત થાય છે.

આફ્રિકામાં કુમળાં પર્ણોનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. ભૂમિથી 2.5 સેમી. ઊંચે પ્રકાંડ પર કાપ મૂકી મેળવવામાં આવતો સ્વચ્છ રસ શ્વસનતંત્રની તકલીફોમાં ઉપયોગી છે. કાચાં ફળો મૂત્રલ (diuretic), દુગ્ધસ્રાવી (lactogogue) ગુણધર્મો ધરાવે છે. પાકાં ફળોનો વાતહર (carminative) અને કૃમિહર (anthelmintic) તરીકે ઉપયોગ થાય છે. ફળનો રસ રેચક હોય છે. પાકાં બીજ કડવાં, વમનકારી (emetic) અને વિરેચક (cathartic) હોય છે. તેના બીજનું તેલ ઑલિવ તેલની અવેજીમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તે ત્વચાના રોગોમાં વપરાય છે. બીજનો ખોળ ખાતર તરીકે ઉપયોગી છે.

પાકા ફળની તંતુમય-વાહક જાળ(લ્યુફાહ સ્પોન્જ)નો ઉપયોગ વાદળીની જેમ ઘસવા અને સ્વચ્છનના હેતુઓ માટે થાય છે. જાપાનમાં વ્યાપારિક ધોરણે તેનું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ જર્મની, યુ. કે. અને યુ.એસ.માં કરવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ પછી ગલકીનું વાવેતર દક્ષિણ અમેરિકાના દેશોમાં શરૂ થયું હતું; પરંતુ તેની ગુણવત્તા હલકી હતી. ભારતીય લ્યુફાહ સ્પોન્જની ગુણવત્તા સંતોષજનક હોય છે.

લ્યુફાહ સ્પોન્જનો ઉપયોગ સ્નાન-વાદળી તરીકે અને મોટર, કાચનાં સાધનો તથા રસોઈનાં વાસણો સાફ કરવામાં થાય છે. તે આઘાત અને ધ્વનિની શોષક હોવાથી તેનો ઉપયોગ યુ.એસ.માં લોખંડની હેલ્મેટ અને શસ્ત્રસજ્જ વાહનોમાં થાય છે. તે ગાદલાં, રજાઈઓ, ઓશીકાં અને ગાલીચા ભરવામાં પણ ઉપયોગી છે. તે ઉષ્મા અવાહક હોવાથી પૉટ હોલ્ડર તરીકે અને ટેબલ પરની સાદડીઓ બનાવવામાં ઉપયોગી છે. તેને પ્લાસ્ટર સાથે સંયોજી વાર્નિશ કરવાથી ભીંત ધ્વનિસહ (soundproof) અને ઉષ્માસહ (heatproof) બનાવી શકાય છે. દરિયાઈ વરાળયંત્રો અને દહનયંત્રોમાં તેનો નિસ્યંદક (filter) તરીકે અને સેલ્યુલોઝની સ્પોન્જની અવેજીમાં ઉપયોગ થાય છે. તે સેલ્યુલોઝનો સારો સ્રોત હોવાથી કાગળના માવા માટેના કાચા દ્રવ્ય તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.

આયુર્વેદ અનુસાર ગલકાની બે જાત છે : માઠ અને સાતપુતી. માઠને માત્ર એક જ પુષ્પ અને ફળ બેસે છે. સાતપુતીને વધારે પુષ્પો અને ફળો આવે છે. મોટાં ગલકાં શીતળ, મધુર, વાતલ, કફકર, અગ્નિદીપક અને પિત્તલ હોય છે. તે દમ, ઉધરસ, તાવ અને કૃમિનો નાશ કરે છે. સાતપુતી શીતળ, હૃદ્ય, પાકકાળે તીખી અને કડવી હોય છે. તે પિત્ત, વિષ, ઉધરસ, તાવ અને વાયુનો નાશ કરે છે.

તેનો ઉપયોગ બાળકની છાતીમાં દર્દ થયું હોય તે ઉપર, સોજા ઉપર, શોફોદર ઉપર, ગૂમડાં, ગરમીની ચાંદીઓ વગેરેમાં થાય છે.

જ. પુ. ભટ્ટ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ

બળદેવભાઈ પટેલ