ગદર ચળવળ : વીસમી સદીના પ્રથમ ચરણ દરમિયાન અમેરિકામાં ઉદભવેલી ભારતની સ્વતંત્રતા માટેની ક્રાંતિકારી ચળવળ. 19મી સદીના અંત તથા 20મી સદીના આરંભમાં પંજાબી ખેડૂતો મોટી સંખ્યામાં ખેતરોમાં મજૂરી કરવા યુનાઇટેડ સ્ટેટ્સ અને કૅનેડા ગયા હતા. 1910 સુધીમાં સાન ફ્રાંસિસ્કો અને વાનકુંવર વચ્ચે આશરે 30,000 ભારતીય કામદારો વસતા હતા. તેમની સાથે અમેરિકાના લોકોનો વ્યવહાર અપમાનજનક હતો. તેથી તેમને સ્વતંત્રતા અને લોકશાહીનું મૂલ્ય સમજાયું. ભારતીય વિદ્યાર્થીઓ શ્યામજી કૃષ્ણવર્માનું સામયિક ‘ઇન્ડિયન સોશિયૉલોજિસ્ટ’ અને મૅડમ કામાનું ‘વંદે માતરમ્’ વાંચીને ભારતની ક્રાંતિકારી પ્રવૃત્તિથી માહિતગાર થયા. 1908માં તારકના દાસ યુનાઇટેડ સ્ટેટ્સમાં ‘ફ્રી હિંદુસ્તાન’ પ્રગટ કરતા, તે પ્રચાર માટેનો પ્રથમ પ્રયાસ હતો.
1 નવેમ્બર 1913ના રોજ સાન ફ્રાંસિસ્કોમાં ભારતીયોના પ્રતિનિધિઓની એક સભા મળી. તેમાં હિંદી ઍસોસિયેશન ઑવ્ અમેરિકા સ્થાપીને આશરે 15,000 ડૉલર ભેગા કરવામાં આવ્યા. તેમાં ‘ગદર’ (બળવો) નામનું એક સાપ્તાહિક ઉર્દૂ, મરાઠી અને ગુરુમુખી ભાષાઓમાં પ્રગટ કરવાનું નક્કી કરવામાં આવ્યું. સમય જતાં આ ઍસોસિયેશન ગદર પક્ષ નામથી ઓળખાવા લાગ્યું. આ સંસ્થાનો હેતુ ભારતમાં શાહીવાદી રાજ દૂર કરીને સ્વતંત્રતા અને સમાનતાના પાયા પર આધારિત પ્રજાસત્તાક રાજ સ્થાપવાનો હતો. આ હેતુ સશસ્ત્ર ક્રાંતિ દ્વારા સિદ્ધ થઈ શકે. ઈ. સ. 1913થી લાલા હરદયાળ આ ચળવળના માર્ગદર્શક અને તેના પ્રાણ સમાન હતા. સાન ફ્રાંસિસ્કોમાં ‘યુગાન્તર આશ્રમ’માં આ સંગઠન કામ કરતું. એસ્ટોરિયા, મેરીસવિલ, સેક્રામેન્ટો, સ્ટોક્ટન, લૉસ એન્જલસ વગેરે સ્થળે તેની શાખાઓ કામ કરતી હતી.
આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓમાં પ્રવચનો અને ‘ગદર’ સાપ્તાહિક અને પુસ્તકો તથા પત્રિકાઓ પ્રગટ કરવાનો સમાવેશ થતો હતો. ‘ગદર’ સાપ્તાહિકમાં ભારતમાં અંગ્રેજો સામે બળવો કરવાનો ખુલ્લેઆમ પ્રચાર કરવામાં આવતો હતો. ભારતમાં બ્રિટિશ રાજ સામે તેમાં ગંભીર આક્ષેપો કરવામાં આવતા. તેમાં ભારતના દેશભક્તોનાં જીવનચરિત્રો આલેખવામાં આવતાં તથા ભારતની સંસ્કૃતિનાં ઉત્કૃષ્ટ લક્ષણો દર્શાવવામાં આવતાં. તેમાં સરકારને વફાદાર અધિકારીઓનાં ખૂન કરવાં, ક્રાંતિકારી ધ્વજ ફરકાવવો, જેલો તોડવી, સરકારી તિજોરી અને થાણાં લૂંટવાં, રાજદ્રોહી સાહિત્યનો પ્રચાર, શસ્ત્રો મેળવવાં, બૉમ્બ બનાવવા, ગુપ્ત મંડળો રચવાં, રેલવે અને તારમાં ભંગાણ, ક્રાંતિકારી કાર્યો વાસ્તે યુવાનોની ભરતી વગેરે કાર્યો સૂચવવામાં આવતાં હતાં.
વિદેશોમાં વસતા ભારતીયોમાં ‘ગદર’ સાપ્તાહિક લોકપ્રિય બન્યું. તેનો ફેલાવો વધ્યો. તેમાં ભારત વાસ્તે વિશ્વના અનેક દેશોમાં ક્રાંતિકારી પ્રચાર થતો હતો. ગદર પક્ષનો પ્રભાવ તથા પ્રતિષ્ઠા વધી રહ્યાં હતાં, ત્યારે હરદયાળે અમેરિકાની નવી એમિગ્રેશન પૉલિસીની આકરી ટીકા કરી. બ્રિટિશ સરકારે અમેરિકાની સરકારને હરદયાળ વિશે વારંવાર કાનભંભેરણી કરી હતી. હવે અમેરિકાની સરકારને તે માણસ જોખમકારક લાગ્યો. હરદયાળની ધરપકડ કરવામાં આવી. પછી તેમને જામીન પર છોડવામાં આવ્યા. હરદયાળ ટૂંક સમયમાં યુનાઇટેડ સ્ટેટ્સ છોડીને સ્વિટ્ઝર્લૅન્ડમાં જિનીવા પહોંચી ગયા. તેમના મિત્રોએ જામીન પર છોડાવવા ભરેલી રકમ સરકારે જપ્ત કરી. જિનીવા પહોંચીને તેમણે ‘વંદે માતરમ્’ નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું. તેમના એક વિશ્વાસુ સાથી રામચંદ્રે યુનાઇટેડ સ્ટેટ્સમાં ગદર પક્ષનું કામ સંભાળી લીધું. તેમણે જાપાનથી ભગવાનસિંહ તથા મહંમદ બરકતુલ્લાને પોતાની મદદ વાસ્તે બોલાવી લીધા. મે 1914માં તેઓ બંને ત્યાં પહોંચી ગયા અને વ્યાખ્યાનો દ્વારા ગદર પક્ષનો પ્રચાર ચાલુ રાખ્યો. ગદર પક્ષના પ્રમુખ તરીકે ભગવાનસિંહ અને ઉપપ્રમુખ તરીકે બરકતુલ્લા ચૂંટાયા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજો વિરુદ્ધ સશસ્ત્ર બળવો કરાવવા ભારતમાં શસ્ત્રો તથા ક્રાંતિકારો મોકલવાની જવાબદારી રામચન્દ્રને બર્લિન સમિતિએ સોંપી. તેમાં રામચન્દ્રને આંશિક સફળતા મળી. ફેબ્રુઆરી 1917માં બર્લિન સમિતિએ ચક્રવર્તીને યુનાઇટેડ સ્ટેટ્સ મોકલ્યો. તેને ત્યાં તકલીફોનો સામનો કરવો પડ્યો. યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વયુદ્ધમાં જોડાતાં સાન ફ્રાંસિસ્કોમાં રામચંદ્ર સહિત ભારતીય ક્રાંતિકારોની ધરપકડ કરી કેસ ચલાવવામાં આવ્યો. ચુકાદા પહેલાં રામચંદ્રનું ખૂન થયું. કેટલાક સરકારના સાક્ષી બન્યા, કેટલાક દેશ છોડીને નાસી ગયા. તેઓમાંના ચક્રવર્તી સહિત 29 જણને સજા કરવામાં આવી.
શિવપ્રસાદ રાજગોર
જયકુમાર ર. શુક્લ