ગઝલ : અરબી ભાષામાં કસીદા કાવ્યસ્વરૂપના અંગ તરીકે પ્રયોજાયેલ અને પછી ફારસી, ઉર્દૂમાં થઈને હિંદી, ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓમાં પ્રચલિત થયેલો કાવ્યપ્રકાર. ગુજરાતમાં ગઝલ પહેલાં ફારસીમાં, પછી ઉર્દૂમાં અને છેવટે વ્રજ અને ગુજરાતીમાં લખાયાનો ઇતિહાસ છે. ‘‘ગઝલ શબ્દ મુગાઝેલત અથવા તગઝ્ઝુલ પરથી આવ્યો છે. મુગાઝેલતનો અર્થ કુમારિકાઓ સાથે પ્રેમગોષ્ઠિ કરવી એવો છે. તગઝ્ઝુલનો અર્થ પ્રેમનો રંગ થાય છે. ટૂંકમાં, સંવનન અને પ્રેમગોષ્ઠિ ગઝલ કાવ્યસ્વરૂપમાં મહત્વનાં લેખાયાં છે.’’ ગઝલના સંગ્રહને ‘દીવાન’ કહેવામાં આવે છે અને સમગ્ર ગઝલસંગ્રહને ‘બયાજ’ કહેવામાં આવે છે.
તત્વત: ગઝલ એ સ્વતંત્ર કાવ્યપ્રકાર છે. ગઝલમાં સામાન્ય રીતે પાંચ શેર હોવા જોઈએ. પાંચથી વધારે પણ શેર હોઈ શકે છે; પરંતુ ઓછામાં ઓછા પાંચ શેર હોય તેને ગઝલ કહેવાની પરંપરા છે. ગઝલની સંખ્યા એકી હોય તે ઇષ્ટ લેખાયું છે. ગઝલના પહેલા શેરને મત્લા કહે છે. આ શેરમાં બંને પંકિતઓમાં કાફિયા અને રદીફ આવતા હોય છે. કાફિયા એટલે પ્રાસ. ગઝલની રચનામાં કાફિયા વિશિષ્ટ સ્થાન ધરાવે છે. ગઝલનું અનિવાર્ય અંગ ગણાતા કાફિયા ગઝલના અવ્યાખ્યેય મિજાજને પ્રગટ કરનાર મહત્વનાં પરિબળોમાંનું એક પરિબળ છે. ગઝલમાં મત્લાના શેર ઉપરાંત પછીના બધા શેરના બીજા મિસરામાં એક કે એકથી વધુ શબ્દ વારંવાર પ્રયોજવામાં આવે છે, તેને રદીફ કહેવાય છે. રદીફ મત્લાની પ્રથમ પંક્તિમાં નિશ્ચિત થાય અને બીજી પંક્તિથી ર્દઢ થાય છે. મત્લાની પ્રથમ પંક્તિના અંતમાં આવતું એક પદ કે વિશેષ પદો બીજી પંક્તિમાં પણ એમ ને એમ જ પુન: આવે ત્યારે રદીફ લેખાય છે. કાફિયા ચુસ્ત પણ હોઈ શકે અને મુક્ત પણ હોઈ શકે. કાફિયા પ્રત્યેક શેરમાં બીજી પંક્તિમાં રદીફની જેમ જ જાળવવા અનિવાર્ય છે.
માપ માટે ફારસી કાવ્યશાસ્ત્રમાં ‘વજન’ શબ્દ વપરાય છે. ‘વજન’ એટલે લઘુ-ગુરુ મુજબ બે શબ્દોનું સરખાપણું. શેરની વ્યાખ્યામાં સમાપ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. તેનો અર્થ એ થાય કે છંદ પ્રમાણે શબ્દોનું સંયોજન થવું જોઈએ અને તેનું ઉચ્ચારણ તે છંદ પ્રમાણે લયબદ્ધ થવું જોઈએ. શેરની પહેલી પંક્તિને ‘ઉલા મિસરા’ અને બીજી પંક્તિને ‘સાની મિસરા’ કહેવામાં આવે છે. મત્લાની બેય પંક્તિમાં રદીફ આવે છે અને બેય પંક્તિમાં કાફિયા સચવાય છે મક્તાના શેરમાં ગઝલકાર પોતાના તખલ્લુસને મૂકતો હોય છે. જેમ કે,
જાતને અજરાઅમર કલ્પી તો જો
જીર્ણ ઘર, ભેંકાર ઘર કલ્પી તો જો
કોક દરિયાને મળેલી હે નદી
તું તને મારા વગર કલ્પી તો જો
મોત વાસી વાત છે ‘ઇર્શાદ’ પણ
અન્ય તું તાજા ખબર કલ્પી તો જો.
(ચિનુ મોદી ‘ઇર્શાદ’)
‘કલ્પી તો જો’ એ પદસમૂહ આ ગઝલમાં રદીફ છે. અહીં પહેલા શેરમાં બેય પંક્તિમાં ‘કલ્પી તો જો’ રદીફ સચવાય છે અને બેય પંક્તિમાં ‘મર’ ‘ઘર’ કાફિયા છે. આથી આ મત્લાનો શેર કહેવાય છે. ગઝલમાં એ પ્રારંભે પહેલો જ આવે છે. બીજી કડીમાં, પહેલી પંક્તિમાં મત્લાનો કેવળ છંદ જ સચવાયો છે અને બીજી પંક્તિમાં ‘કલ્પી તો જો’ રદીફ અને ‘ગર’ કાફિયા સચવાયો છે. આથી, આ કડીને શેર કહેવામાં આવે છે. આ જ ગઝલમાંનો અંતિમ શેર કવિના તખલ્લુસ ‘ઇર્શાદ’ સમેતનો છે. અહીં ‘બર’ કાફિયા અને ‘કલ્પી તો જો’ રદીફ કડીના બીજા મિસરામાં સચવાયાં છે. મક્તા ગઝલમાં અંતિમ શેર જ હોય. અહીં ‘મર’ ‘ઘર’ ‘ગર’ ‘બર’ એ ચુસ્ત કાફિયા સચવાયા છે. કોઈક કોઈક ગઝલોમાં મુક્ત કાફિયા પણ રાખવામાં આવે છે. મનહર મોદીનો મત્લા જોઈએ :
આપણે બે એ રીતે ભેગા થયા અગિયાર દરિયા
એક ટીપું લાગણી છે સામટા અગિયાર દરિયા.
અહીં ‘અગિયાર દરિયા’ એ બે શબ્દની રદીફ છે. ‘થયા’ / ‘મટા’ એવા મુક્ત ‘આ’કારાંત કાફિયા છે. કોઈક કોઈક ગઝલોમાં રદીફ અને કાફિયા એક જ શબ્દમાંથી પૃથક થાય છે. એટલે કે શબ્દનો અંત્ય અક્ષર રદીફ બને અને આદિ અક્ષર કાફિયા બને. આમ જ્યારે થાય ત્યારે ‘હમરદીફ/હમકાફિયા’ ગઝલ કહેવાય છે.
કોઈ બંદૂક લઈ ઊભું છે નાકે
ગલી થથરી રહી છે એની ધાકે (આદિલ)
અહીં ‘કે’ રદીફ છે અને ‘આ’ એ કાફિયા છે.
આ કલા કોઈ શીખે મિત્રો કનેથી ‘ઘાયલ’,
વેર લેવાય છે શી રીતે વસૂલાત વગર.
આજે ગુજરાતી ગઝલમાં આ નિયમ ચુસ્તપણે સર્વત્ર પળાતો નથી.
રદીફ એક અક્ષર કે શબ્દથી લઈને મિસરાના 2 ભાગ જેટલી લાંબી પણ હોઈ શકે. એક શબ્દની રદીફ અને 1/3 જેટલી લાંબી રદીફ ધરાવતા બે શેર જોઈએ.
ક્ષણોને તોડવા બેસું તો વરસોના વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોના વરસ લાગે.
– મનોજ ખંડેરિયા
તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ગઝલના પ્રકાર : સામાન્ય રીતે ગઝલ બે પ્રકારની હોય છે :
(1) મુસલસલ ગઝલ (એક વિષયની કે એક જ કડીરૂપ) મુસલસલ ગઝલ જૂજ જોવા મળે છે.
(2) ગેરમુસલસલ ગઝલ (વિષયવૈવિધ્ય ધરાવતા કે સ્વતંત્ર ભાવવિશ્વ ધરાવતા શેરવાળી ગઝલ)
મૌલાના હાલીએ ગઝલમાં છંદની અનિવાર્યતા જોઈ નથી; પરંતુ આ એક તજ્જ્ઞ સિવાય સૌ ગઝલવિદ છંદને – વજનને ગઝલ માટે અનિવાર્ય ગણે છે. છંદ રચના માટે આવશ્યક જ્ઞાનને ‘ઇલ્મે અરૂઝ’ કહેવામાં આવે છે. ‘અરૂઝ’નો અર્થ છે : ‘અભરાઈ પર વ્યવસ્થિત રીતે વાસણ ગોઠવવાં’. વ્યવસ્થિત ગોઠવણ પિંગળ માટે પણ અનિવાર્ય છે. છંદને ફારસીમાં બહર (સાગર) કહેવામાં આવે છે. સાગરમાં મોજાંની વધઘટ એમ બહરમાં માત્રાઓની વધઘટનો મહિમા છે. અરૂઝ અરબીમાં છે અને અરબી વજનને, રશીદ મીર કહે છે એમ, ‘‘અક્ષરમેળ, માત્રામેળ કે શ્રુતિમેળથી ઓળખવાનું યોગ્ય નથી, અલબત્ત માત્રાઓ તેને સહાયક છે’’; પણ ‘‘તેમાં ધ્વનિ જ પ્રધાન છે’’. આઠ રુકન (ગણ) પર આ પિંગળશાસ્ત્ર નિર્ભર છે. ફઉલુન, ફાઇલુન, મફાઇલુન, ફાઇલાતુન, મુસ્તફઇલુન, મુફાઇલતુન, મુતફાઇલુન, મફઉલાત – આ આઠ ગણ છે. ગુજરાતી છંદ:શાસ્ત્રની પરિભાષામાં એ માપ આ પ્રમાણે છે. લગાગા / ગાલગા / લગાગાગા / ગાલગાગા / ગાગાલગા / લગાલલગા / લલગાલગા / ગાગાગાલ. આ ઉપરથી 19 બહર (છંદ) પ્રચલિત થયા. જેમનાં નામ હજ્ઝ, રજ્ઝ, રમલ, કામિલ, વાફિર, મુતકારિબ, મુતદારિક, મુસરૈહ, મુક્તઝિબ, મુજારઅ, મુજતસ, તવીલ, મદીદ, બસીત, સરીઅ, ખફીફ, જદીદ, કરીબ અને મશાકિલ છે. આ બહરોમાં નવાં સંયોજન પછી ઉપછંદો પણ પ્રાપ્ત થયા છે. મીર કહે છે : ‘‘ગુજરાતી ગઝલકારોએ આ છંદોને બેવડાવીને, દોઢવીને કે અડધા કરીને તેમના પ્રયોગો કર્યા છે.’’ ગુજરાતી ગઝલમાં અરૂઝના નિયમોનું પાલન અનિવાર્ય નથી, ગુજરાતી પિંગળ ગઝલને હવે માફક આવી ગયું છે. સૉનેટ જેમ ઇટાલિયન છંદોમાં નથી લખાતાં, એમ ગઝલ અરૂઝમાંની બહરો અનુસાર લખવી અનિવાર્ય રહી નથી. ગઝલને મૂલવતી વખતે ‘અંદાઝે બયાં’, ‘હુસ્ને ખયાલ’, ‘મૌસિકી’ અને ‘મારિફત’નો ખ્યાલ રાખી શકાય. ‘અંદાઝે બયાં’ એટલે અભિવ્યક્તિની છટા, ‘હુસ્ને ખયાલ’ એટલે વિચારનું સૌંદર્ય, ‘મૌસિકી’ એટલે શ્રુતિગમ્ય સુમેળ અને ‘મારિફત’ એટલે આધ્યાત્મિકતા. મારિફત સૂફીવાદનો મહિમા કરે છે. ગઝલમાં બે ભાવ વિશેષે વ્યક્ત થાય છે : રંગે તગઝ્ઝુલ (પ્રેમનો રંગ) અને રંગે તસવ્વુફ (ફિલસૂફીનો રંગ). ઘણી વાર આ બે રંગ એકબીજામાં મળી જઈને અનોખી રમણીયતાનો અનુભવ કરાવે છે. ઇશ્કે હકીકીના માધ્યમ રૂપે ઇશ્કે મિજાજીનો ઉપયોગ કેટલાક કવિઓ કરતા હોય છે.
અમીર ખુસરો(1253થી 1324)એ હિંદી-ઉર્દૂ શબ્દોના પ્રયોગવાળી ફારસી ગઝલો લખી અને ઉર્દૂના આદિકવિ પણ લેખાયા. જોકે ઉર્દૂ ગઝલના આદિકવિનું માન વલી દખ્ખણી(ગુજરાતી ?)ને ફાળે જાય છે. એ ‘બાબા-એ-રેખતા’ કહેવાયા.
વલીથી મીર સુધી ગઝલ પહોંચી ત્યાં સુધીમાં તો ઉર્દૂ ગઝલ ફારસીની સમકક્ષ લખાવી શરૂ થઈ. માત્ર બે સૈકાના ટૂંકા ગાળામાં વલી, મીર તકી મીર, સૌદા, ઝૌક અને ગાલિબ જેવા ગઝલકારો ઉર્દૂ ભાષાને મળ્યા. મોમિન, હાલી અને ઇકબાલ જેવા કવિઓથી ઉર્દૂ ગઝલ શિખરો સર કરે છે. આજે પણ ઉર્દૂમાં ભારતપાકિસ્તાનના સક્ષમ સર્જકો ગઝલમાં કામ કરી રહ્યા છે.
ગુજરાતમાં 1573થી 1583ના ગાળામાં મુસ્લિમ શાસન સ્થપાયું ત્યારથી ફારસી-ઉર્દૂનો પરિચય અને અભ્યાસ વધતો ગયો. ગુજરાતીમાં સૌપ્રથમ ફારસી કાવ્યપ્રકાર રેખતાનો ઉપયોગ સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ અને દયારામ દ્વારા થયો છે. કવિ છોટમે ગઝલ તરીકે ઓળખાવેલ પદ્યરચનાઓમાં પ્રાસ અને ફારસી શબ્દોનો સૌપ્રથમ ઉપયોગ કર્યો છે. ગઝલની સમજદારી છોટમમાં દેખાતી નથી. પારસી કવિઓએ નર્મદના સમયમાં મસનવી અને નામેહ લખીને ગઝલ માટેની પૃષ્ઠભૂમિ તૈયાર કરી હતી. ગુજરાતીમાં ગઝલના શ્રીગણેશ બાળાશંકર, મણિલાલ દ્વિવેદી, ‘કલાપી’, અમૃત કેશવ નાયક અને ‘સાગર’ જેવા કવિઓ દ્વારા થયા. આ સૌની પૂર્વે રેખતા લખનાર દયારામ છે અને અનુગામી તરીકે ‘પતીલ’ છે. બાળાશંકર કંથારિયાએ (1858–1898) ‘હરિપ્રેમપંચદશી’માં અઢાર જેટલી ગઝલો આપી છે. ‘ઊડો નાદાન મન બુલબુલ’, ‘જિગરનો યાર જુદો તો’ અને ‘ગુજારે જે શિરે તારે’ એ બાળાશંકરની નખશિખ સુંદર ગઝલો છે. કલાપી પાસેથી પણ સુંદર ગઝલો મળે છે. ‘આપની યાદી’ સચોટ અસર કરે છે. જોકે શાસ્ત્રીય શુદ્ધતા કદાચ ઓછી જોવા મળે. આમ છતાં ગુજરાતમાં ગઝલને ઘેર ઘેર પ્રસરાવવાનું શ્રેય કલાપીને જાય છે. મણિલાલ નભુભાઈ દ્વિવેદીની કેટલીક રચનાઓ ગઝલ તરીકે ખ્યાત થાય છે. ‘કંઈ લાખો નિરાશામાં’ એ એમની શ્રેષ્ઠ ગઝલ લેખાઈ છે. પંડિતયુગમાં બલવંતરાય ક. ઠાકોર સિવાય છંદોબદ્ધ કવિતાના ઘણાબધા સર્જકોએ પણ ગઝલ લખવાના પ્રયત્ન તો કર્યા જ. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’માં ‘સુખી હું તેથી કોને શું ?’ એ ગઝલ જેવી રચના લખી અને બહુ લાંબા સમય સુધી એ પ્રચલિત રહી. કાન્તના પ્રયત્ન વિશેષ સિદ્ધિદાયક રહ્યા અને ‘ચંદાને’ જેવી સુંદર ગઝલ એમણે આપી, જે ગુજરાતી ગઝલસાહિત્યમાં લાંબા સમય સુધી નમૂનારૂપ રચના રહી. ‘સાગર’, ડાહ્યાભાઈ દેરાસરી, ‘જટિલ’ અને ‘તકિલ’ પણ ગઝલ સાથે ઘરોબો કેળવવા મથનાર પંડિતયુગના કવિઓ છે. આ સદીના પ્રારંભે એટલે કે 1907માં અમૃત કેશવ નાયકના હાથે ગુજરાતી ગઝલમાં એક નવો વળાંક આવે છે. ‘ચોમાસે ભરપૂર આકાશનું ઘર બળે છે’ જેવા મિસરામાં ગઝલને આધુનિક સ્પર્શ મળે છે. આ તબક્કામાં લલિત, દીવાના, બોટાદકર, મણિકાન્ત, મસ્તાન, પ્રભુલાલ દ્વિવેદી ઉપરાંત પ્રભાશંકર પટ્ટણી, હાજી મહંમદ અલારખિયા, ચાંપશી ઉદેશી ઇત્યાદિનો સમાવેશ ગઝલ લખનારાઓમાં થાય છે.
1924થી 1962 સુધીનો ગાળો ગુજરાતી ગઝલ માટે મહત્ત્વનો છે. આ ગાળામાં કવિ શયદાએ ગઝલને ગુજરાતી રંગ આપ્યો. સરળ, સહજ ગુજરાતી વાણી અને અસ્ખલિત ભાષાપ્રવાહથી ગુજરાતી ગઝલે ઉર્દૂથી અલગ એવું પોતાનું અસ્તિત્વ સિદ્ધ કર્યું. રમણીય વ્યંજના અને રંગદર્શી ભાવો દ્વારા ઊંડાણ સિદ્ધ કરવાની નેમ શયદાને મોટા ગજાના ગઝલકાર તરીકે સ્થાપે છે.
તમારા પગ મહીં જ્યારે પડ્યો છું
હું સમજ્યો એમ આકાશે ચડ્યો છું.
– જેવી ઘણી ગઝલપંક્તિઓ શયદાએ આપી છે. ઘણી વાર મુહાવરાઓથી એમની ગઝલ શોભી ઊઠે છે. ક્યારેક એમની પંક્તિઓ કહેવતરૂપ બની જાય છે.
મને એ જોઈને હસવું હજારો વાર આવે છે
પ્રભુ ! તારા બનાવેલા તને જ્યારે બનાવે છે.
હરીન્દ્ર દવેએ ગુજરાતી ગઝલના પાયામાં ગણાવેલા પાંચ ગઝલકારોમાં ‘શયદા’ સાથે તરત આવતું નામ ‘નસીમ’(હસનઅલી નાથાણી)નું છે. આ ગઝલકાર સક્ષમ સર્જક હોવા ઉપરાંત સમર્થ ગઝલ-અભ્યાસી પણ હતા. ‘ધૂપદાન’ એમનાં આ બંને પાસાંને પ્રગટ કરતો મરણોત્તર કાવ્યસંગ્રહ છે. એમનામાં રંગે તગઝ્ઝુલ(પ્રેમ)થી વિશેષ રંગે તસવ્વુફ (ફિલસૂફી) જોવા મળે છે.
રૂપ તો દિવ્ય છે બધાં રૂપે
એક ર્દષ્ટિવિકાર મારો છે.
બોલાતા અને રૂઢ થયેલા તત્સમ શબ્દની ગઝલમાં પસંદગીનો કસબ આ ગઝલકારની વિશેષતા છે. સગીર અને સાબિર પણ (શયદા-નસીમની જેમ) ગઝલને ગુજરાતીમાં ઉચ્ચ કક્ષાની બનાવવા પ્રયત્નશીલ રહેલા છે. ‘સગીરની ગઝલો’ અને ‘ફલક’ તેમની ગઝલસિદ્ધિના ગ્રંથો છે. ‘જિંદગીના વસ્ત્રને બદલાવતો ચાલ્યો ગયો’ જેવો બોલતો મિસરા કેવું ઊંડાણ પણ તાગી આપે છે ! વ્યવસાયે ખેડૂત એવા સાબિરનો એક જ સંગ્રહ ઉમાશંકરની નિગાહબાની હેઠળ પ્રસિદ્ધ થયો છે. આ ગઝલકારે ભલે સવિશેષ ગઝલ ન લખી પણ અન્ય કવિઓ સાથે ઘરોબો કેળવેલો હતો એનો લાભ એમની ગઝલોમાં વારંવાર જોવા મળે છે.
હરદમ ગુલાબ છાબભરી વ્હેંચતો રહ્યો
માળીથી તાજાં ફૂલનું અત્તર ન થઈ શક્યું.
ગુજરાતીમાં ગઝલ જેવી વિકસી એવી હઝલ ન વિકસી શકી. ગંભીર ભાવને ગઝલ વ્યક્ત કરે છે તો અગંભીર છતાં મર્મસ્પર્શી હાસ્યરસનો આવિષ્કાર હઝલમાં થાય છે. ‘બેકાર’ (ઇબ્રાહીમ પટેલ) હઝલ લખી ગુજરાતી હાસ્યકવિતામાં મહત્વનું ઉમેરણ કરે છે :
લપસે ન દિલ અમારું લંડન પ્રતિ ભલા ક્યમ ?
છે પૉલસનનું માખણ હરએકના કિચનમાં.
‘લીલા’ના કવિ આસિમ રાંદેરી આ તબક્કાના અલગ પ્રકારના કેવળ રંગે તગઝ્ઝુલના કવિ છે. એ કહે છે :
જે ગઝલમાં પ્રેમભાષાની સુગંધ આસિમ ન હો
કાગળોનાં ફૂલની એ ગુલછડી શા કામની ?
આ પેઢી પછી ‘પતીલ’ મગનભાઈ ભૂધરભાઈ પટેલ ગુજરાતી ગઝલનો નોખો સ્વાદ કરાવે છે. પતીલ શયદાની પેઢીને શૂન્ય-મરીઝની પેઢી સાથે સાંકળનાર ગઝલકાર છે. ગઝલની ભાષા વિશેની એમની સમજે ઘણી ભાષાગત સમસ્યાઓ ઊભી કરી હોવા છતાં, આ કવિ ‘પ્રભાત નર્મદા’માં ઘણી વાર આ સમસ્યાને અતિક્રમી જનારા શેર પણ આપે છે.
દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી ?
ન આપ્યો પ્રેમ તો મુજને – હવે ખપના દિલાસા શા ?
ગુજરાતી ગઝલને શયદાની પેઢી પછી ઘણા સમર્થ ગઝલકારોનું વૃંદ પ્રાપ્ત થાય છે : ‘શૂન્ય’ પાલનપુરી, અબ્બાસ વાસી ‘મરીઝ’, ‘સૈફ’ પાલનપુરી, અમૃત ‘ઘાયલ’, ‘ગની’ દહીંવાલા, બરકત વીરાણી ‘બેફામ’, રતિલાલ ‘અનિલ’, ‘જલન’ માતરી, અમીન આઝાદ અને શેખાદમ આબુવાલા વગેરેનું. તેમણે ગઝલના અરૂઝને ગુજરાતીમાં યોગ્ય રીતે અવતારી ગુજરાતી ગઝલ પર ઘણું મોટું ઋણ ચડાવ્યું છે. ઉમર ખય્યામની રુબાઈઓનું ભાષાંતર શૂન્યની બીજી સિદ્ધિ છે. ગુજરાતી ગઝલને આમપ્રજા સુધી પહોંચાડવાના ઉપક્રમમાં એ અગ્રણી શાયર રહ્યા છે.
‘મરીઝ’ ગુજરાતી ગઝલનું એક ઉત્કૃષ્ટ શિખર છે. એમનું હાસ્ય ડંખીલું નહિ પણ કરુણ વિશેષ રહ્યું છે. ટ્રૅજી-કૉમેડી એમની ગઝલોના ઘણા શેરમાં જોવા મળે છે :
ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે !
અમૃત ‘ઘાયલ’ પ્રાદેશિક બોલીને પ્રત્યાયનક્ષમતા સચવાય એ રીતે ગઝલમાં પહેલી વાર ઉપયોગમાં લે છે. બોલીનો બહોળો ઉપયોગ ઘાયલની ગઝલોને નોખી પાડી આપે છે. મહદ્અંશે મસ્તરંગી લેખાયેલા આ કવિમાં પ્રેમ અને ચિંતન બેઉમાં સરખું ઊંડાણ જોવા મળ્યું છે. 1961 પછી વિકસેલી નવી ગઝલ સાથે કદમ મિલાવી શકનાર એ પેઢીના બે જ ગઝલકાર છે : ‘ઘાયલ’ અને ‘ગની’.
શું કહું ક્યાં ક્યાં પ્યાસ પૂગી છે ? મોતી સમજીને રેત ચૂગી છે
કૈં કર્યા છે ઉજાગરા ‘ઘાયલ’, આ ગઝલ ત્યારે માંડ ઊગી છે.
‘પૂગી’ અને ‘ચૂગી’ જેવા પ્રાદેશિક શબ્દો ગુજરાતી ગઝલમાં કંડારીને મૂકવાનું કામ ‘ઘાયલે’ કર્યું છે. પરંપરા અને આધુનિકતાનું અનોખું સંયોજન કરનાર ‘ગની’ દહીંવાલાની ગઝલોમાં સંમોહક છે લયમધુર પદાવલી. સંગીતનું તત્વ આ ગઝલકારની ગઝલોમાં સુપેરે પ્રગટ થયું છે :
તમારાં અહીં આજ પગલાં થવાનાં,
ચમનમાં બધાંને ખબર થૈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોનીયે નીચી નજર થૈ ગઈ છે.
‘બેફામ’ (બરકત વીરાણી) પરંપરામાં પગ રાખીને ગઝલને જીવતી રાખવા મથતા ગઝલકાર છે. એમની ગઝલોમાં શિરમોર મક્તા લેખાયા છે. સાદગી અને સહજપણું ‘બેફામ’નાં મનુષ્ય અને સર્જક તરીકેનાં સરખાં લક્ષણ છે. લગભગ નઝમકાર તરીકે ખ્યાત ‘સૈફ’ની ગઝલો પણ એટલી જ નમૂનેદાર છે. શેખાદમની મસ્તી, બેફિકરાઈ, ઓલિયાપણું અને ભાષાની તાજગી સાથે વિદેશની ધરતીની આબોહવાને ગુજરાતી ગઝલમાં લાવનાર તે પહેલા ગઝલકાર છે. અક્ષરમેળ છંદોમાં ગઝલ લખી જોવાનો એમનો પ્રયોગ નોંધપાત્ર છે. મકરંદ દવે, ‘ગાફિલ’, મહેન્દ્ર ‘સમીર’, ‘કિસ્મત’ કુરેશી, કપિલરાય ઠક્કર, ‘મજનૂ’, ‘શાહબાઝ’, ‘નઝીર’, ‘નાઝીર’, ‘રુસ્વા મઝલૂમી’ અને હરીન્દ્ર દવે આ તબક્કાના ગઝલકારો છે. એમણે કરેલા ‘ક્ષણિકા’ અને ‘તસ્બી’ના પ્રયોગો ઉલ્લેખનીય છે.
ભગવતીકુમાર શર્મા, શ્યામ સાધુ, ‘અદમ’ ટંકારવી, જવાહર બક્ષી, ખલીલ ધનતેજવી, અશરફ ડબાવાલાનું પણ પ્રદાન નોંધપાત્ર છે.
તે સાથે ‘મીનાશ્રુ’–‘મિસ્કીન’ના સમયગાળામાં નયન દેસાઈ, મુકુલ ચોકસી, અરવિંદ ભટ્ટ, ‘સાહિલ’, અશોકપુરી ગોસ્વામી, ઉદયન ઠક્કર, ઉર્વીશ વસાવડા, હરેશ તથાગત, એસ. એસ. રાહી, રશીદ મીર, કિસન સોસા, જયેન્દ્ર શેખડીવાળા, ‘ધૂની’ માંડલિયા, બાપુભાઈ ગઢવી, ભરત વીંઝુડા, ‘રઈશ’ મણિયાર, શોભિત દેસાઈ, સંજુ વાળા, હરીશ ધોબી, હેમેન શાહ, હેમંત ધોરડા, હર્ષ બ્રહ્મભટ્ટ વગેરે પછીના ગાળામાં સક્રિય છે. અંકિત ત્રિવેદી, અનિલ ચાવડા, કિરણ ચૌહાણ, અશોક ચાવડા, કિરીટ ગોસ્વામી, દત્તાત્રય ભટ્ટ, જિગર જોષી, ગૌરાંગ ઠાકર, હિતેન આનંદપરા, મકરંદ મુસળે વગેરે નવા ગઝલકારો છે. આઠમા દાયકાના મધ્યભાગ પછીના ગઝલકારોએ આધુનિક ભાવસંવેદનને આત્મસાત્ કરી, પરમ ચૈતન્ય સાથે જોડાવાની મથામણ આદરી છે. અનુભૂતિ-સંદર્ભે એમણે ‘મરીઝ’ અને ‘ઘાયલ’ સાથે સંધાન રચ્યું છે અને અભિવ્યક્તિ સંદર્ભે તેઓ મનોજ અને શ્યામ સાથે જોડાયેલા છે. જોકે તેમને અત્યારે મૂલવવા એ ઉતાવળ કરી ગણાય. આજની ગઝલ તેની આવતી કાલ અધિક ઉજ્જ્વળ હશે તેવી શ્રદ્ધા જગાવે છે.
એક નોંધપાત્ર ઘટના એ બને છે કે જયંત પાઠકથી જાણે સાહિત્યકારો ગઝલક્ષેત્રે પ્રવેશ કરે છે. જયંત પાઠકનો જ એક શેર જોઈએ.
રમતાં રમતાં લડી પડે, ભૈ માણસ છે,
હસતાં હસતાં રડી પડૈ, ભૈ માણસ છે.
રાજેન્દ્ર શાહ, ચંદ્રકાન્ત શેઠ, નટવરલાલ પંડ્યા, ઉશનસ્ દ્વારા ગઝલની શક્યતાને તાગવા તેમણે કરેલું ગઝલનું ખેડાણ નોંધપાત્ર છે. તેમના ગઝલસંગ્રહો એ વાતની સાબિતી આપે છે કે ગુજરાતમાં ગઝલ કાવ્યસ્વરૂપ તરીકે કેટલું સફળ અને સિદ્ધ થયું છે. સૂરતમાં ભગવતીકુમાર શર્મા પ્રમુખ ગઝલકાર તરીકે પ્રસિદ્ધ છે.
1963 પછી ગુજરાતી ગઝલનું આમૂલ પરિવર્તન પ્રારંભાય છે. આદિલ–મનહર મોદી–ચિનુ મોદીની ત્રિપુટીને રાજેન્દ્ર શુક્લ–મનોજ ખંડેરિયા–રમેશ પારેખનો આ ઉપક્રમમાં અનન્ય સાથ સાંપડે છે. ગુજરાતી કવિતાના મુખ્ય પ્રવાહ સાથે હવે ગઝલ એકાકાર થાય છે. છાંદસ-અછાંદસના મોટા ગજાના કવિઓથી હજી ઉપેક્ષિત ગુજરાતી ગઝલ આજે લખાતી ભારતીય ભાષાઓમાં ઉર્દૂ પછી તરત જ સ્થાન ધરાવે છે. આદિલ દ્વારા ગુજરાતી ગઝલ અંતર્ગત ફેરફાર-વળાંક અનુભવે છે. ભાવ અને અભિવ્યક્તિ બેઉમાં બંડખોરી મનહર મોદીમાં જણાય છે. ચિનુ મોદી ગઝલના આંતરબાહ્ય ઘટકોને વફાદાર રહીને અદ્યતન વલણ-પ્રવાહોને ગઝલ દ્વારા બળકટ વળોટ આપે છે. રાજેન્દ્ર શુક્લ બોલી ઉપરાંત સંસ્કૃત-ઉર્દૂના પણ અભ્યાસી હોવાથી, એમની ગઝલોમાં નોખો ભાષાસ્વાદ સાંપડે છે. મનોજ ખંડેરિયા સંઘેડાઉતાર ગઝલો કુમાશભરી અભિવ્યક્તિ દ્વારા સિદ્ધ કરે છે, જ્યારે રમેશ પારેખનું ધખતું સર્જકત્વ ઘણી વાર ગઝલની લાક્ષણિકતાઓને અતિક્રમીને પણ સુંદરની સતત આરાધના કરે છે. શ્યામ સાધુ, અદમ ટંકારવી અને જવાહર બક્ષી આ તબક્કાના બીજા સરસ ગઝલકારો છે. ગઝલને ગુજરાત આખામાં પ્રચલિત બનાવવાનો યશ ‘જલન’ માતરી, શોભિત દેસાઈ, કૈલાસ પંડિત ઇત્યાદિને જાય છે. એમની રમતિયાળ શૈલીમાં લખાયેલી ગઝલો ઊંડે ઊતરી તપાસવા જેવી છે. તદ્દન નવી પેઢીના કેટલાક ગઝલકારો પૈકી દિલીપ વ્યાસ, જગદીશ વ્યાસ અને હર્ષદ ત્રિવેદીનું એક જૂથ છે. મણિલાલ પટેલ, જયેન્દ્ર શેખડીવાલા, હરીશ ‘મીનાશ્રુ’નું બીજું જૂથ છે. એમણે ગઝલને અનર્થતા સુધી લઈ જઈને તાગવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતના મુશાયરા
ગુજરાતી ભાષામાં ગઝલનો ઇતિહાસ સો-સવાસો વર્ષનો છે એમ ગણી શકાય. વળી ગુજરાતી ભાષામાં લખાયેલી અને લખાતી ગઝલો ભારતની અન્ય ભાષાઓની સરખામણીમાં ગુણવત્તા અને પ્રમાણમાં સૌથી વધુ સમૃદ્ધ જણાય છે; પરંતુ ગુજરાતમાં મુશાયરાની પરિપાટીનો ઇતિહાસ એટલો સમૃદ્ધ અને જૂનો નથી. 1930માં રાંદેરમાં મુસ્લિમ ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના થઈ હતી અને ત્યારે યોજાયેલા મુશાયરાને ગુજરાતી ભાષાનો સૌપ્રથમ મુશાયરો ગણી શકાય. 1930માં યોજાયેલા આ મુશાયરા પછી 1933ના ગાળા સુધીમાં માંડ સાત મુશાયરા થયેલા તેવાં પ્રમાણ મળે છે. જોકે એ વખતના મુશાયરાનું સ્વરૂપ સ્વાતંત્ર્યોત્તર મુશાયરાની સરખામણીમાં તદ્દન ભિન્ન સ્વરૂપનું જણાય છે. એ વખતના મુશાયરાના અહેવાલો જોતાં સ્પષ્ટ જણાય છે કે તેનું સ્વરૂપ ત્યારે સાહિત્ય પરિષદનાં અધિવેશનોની કાર્યપદ્ધતિ જેવું હશે. મુશાયરાની શરૂઆતમાં મુશાયરાના પ્રમુખ, સ્વાગત પ્રમુખ વગેરે પોતાનાં પ્રવચનો કરતા હતા. તેમનાં પ્રવચનોની પુસ્તિકા વહેંચવામાં આવતી હતી. ગઝલ અને તેનાં વિવિધ પાસાંઓની ચર્ચા થતી હતી અને એ પછી મુશાયરાની શરૂઆત થતી હતી. ગઝલના સ્વરૂપ અને તેનાં પાસાંઓની ચર્ચા નવોદિત ગઝલકારો અને શ્રોતાવર્ગને સજ્જ કરવા માટે થતી હતી અને ખરેખર આ પાયાની કામગીરીએ એ વખતના શ્રોતાઓને વધુ જાણકાર અને સમજદાર કર્યા હશે.
ગુજરાતમાં 1930થી આરંભાયેલા અને આજ સુધી એટલે કે 2008 સુધીના સમયગાળા દરમિયાન નજર નાખતાં 78 વર્ષમાં મુશાયરાનું સ્વરૂપ અને તેની કાર્યપદ્ધતિમાં નોંધપાત્ર ફેરફાર થયેલો જોવા મળે છે.
‘શયદા’એ શરૂ કરેલી આ મુશાયરાની પરિપાટી ‘મરીઝ’, ‘ગની’, ‘ઘાયલ’, ‘સૈફ’, ‘શૂન્ય’, ‘બેફામ’, ‘અનિલ’, ‘રુસ્વા’, ‘આસિમ’, ‘રાંદેરી’, જમિયત પંડ્યા (જિગર), ‘જલન’ માતરીના સમયગાળાના ગઝલકારોમાં પૂર્ણ કળાએ ખીલી ઊઠેલી જણાય છે. ‘આદિલ’–રાજેન્દ્રના સમયગાળાથી મુશાયરાપ્રવૃત્તિમાં નોંધપાત્ર ઘટાડો અને પરિવર્તન આવેલું જોવા મળે છે. ‘આદિલ’ મન્સૂરી, રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા, ચિનુ મોદી, મનહર મોદી, ભગવતીકુમાર શર્મા, જવાહર બક્ષી, કૈલાસ પંડિત, શોભિત દેસાઈ સુધીનો સમયગાળો મુશાયરાના સ્વરૂપ અને રજૂઆતમાં બદલાયેલો જોવા મળે છે. ‘ખલિલ’ ધનતેજવી, શોભિત, ‘મિસ્કીન’, ઉદયન ઠક્કર, હેમેન શાહ, હર્ષદ ત્રિવેદી, હરીશ ‘મીનાશ્રુ’, રશીદ મીર, ‘રઈશ’ મણિયાર, મુકુલ ચોકસી, અંકિત ત્રિવેદી, અશોક ચાવડા, અનિલ ચાવડા સુધી એટલે કે અત્યાર સુધીના સમયગાળામાં ગઝલ ફરી પાછી પરંપરા અને પ્રયોગનો સમન્વય કરીને મુશાયરામાં રજૂ થતી જોવા મળે છે.
આજે ગુજરાતી ગઝલ ઉપર ષ્ટિપાત કરતાં જણાય છે કે બાળાશંકરથી બંધાયેલું ગઝલવિશ્વ રાજેન્દ્ર શુક્લના ગાળામાં રળિયામણું બની ચૂક્યું છે. તેમના પાંચ ગઝલસંગ્રહો ‘ગઝલસંહિતા’ને મળેલો 2007નો રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ એ માત્ર રાજેન્દ્ર શુક્લની ગઝલોનું જ નહિ; પરંતુ સમગ્ર ગુજરાતી ગઝલનું રાષ્ટ્રીય કક્ષાએ થયેલું બહુમાન છે.
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ચિનુ મોદી
મોહિયુદ્દીન બૉમ્બેવાલા
રમેશ ઠાકર