ગઝની : અફઘાનિસ્તાનના પૂર્વ ભાગમાં આવેલ એ નામના પ્રાંતની રાજધાની તથા ઐતિહાસિક શહેર. પ્રાંતીય વિસ્તાર : 22,915 ચોકિમી. ભૌગોલિક સ્થાન : 33o 33´ ઉ. અ. તથા 68o 26´ પૂ. રે.. 3048 મી.ની ઊંચાઈએ અરગંદાબ અને તારનક નદીને બંને કાંઠે વસેલું આ શહેર કાબુલથી નૈર્ઋત્યમાં 150 કિમી. અને કંદહારથી ઈશાનમાં 358 કિમી. દૂર છે.

અહીં વરસાદ ઓછો પડે છે. ખેતીલાયક જમીન થોડી છે. તેમ છતાં પહાડોનો બરફ ઓગળતાં તેનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. અનાજ, ફળફળાદિ તથા અફીણના છોડનું વાવેતર થાય છે. પહાડી પ્રદેશ ઘેટાંના ઉછેર માટે અનુકૂળ છે. ખેતી અને પશુપાલન ઉપરાંત ઘેટાંનાં ચામડાં કમાવવાનો, ચામડાના કોટ બનાવવાનો અને રેશમી કાપડ વણવાનો વગેરે ગૃહઉદ્યોગો વિકસ્યા છે. ગઝની આ વિસ્તારની ખેતપેદાશો માટેનું વેપારી કેન્દ્ર છે. વીસમી સદી દરમિયાન કાબુલ-કંદહાર ધોરી માર્ગ ઉપરના સ્થાનને કારણે તેનું મહત્વ વધ્યું છે.

જૂના ગઝનીમાં કુતુબમિનાર જેવા બે મિનાર આવેલા છે. કાબુલના રસ્તે દોઢ કિમી. ઉપર મહમૂદ ગઝનીની કબર અને રોજો છે. મહમૂદે ઘણા સંતો અને કવિઓને આશ્રય આપ્યો હતો, જેમાં ‘શાહનામા’ના લેખક ફિરદોસી સુપ્રસિદ્ધ છે. 2021 મુજબ આ પ્રાંતની વસ્તી આશરે 13,86,674 જેટલી છે.

ગ્રીકોએ તેનો ગાઝોટા અને ટૉલેમીએ ગાઝાકી તરીકે ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીમાં ભારતમાં આવેલ ચીની પ્રવાસી હ્યુએન ત્સંગે ‘હોસીના’ તરીકે ઓળખાવેલ તે આ જ શહેર છે એવો ઇતિહાસકાર માર્ટિને ઉલ્લેખ કર્યો છે. આરબ ભૂગોળવેત્તા ઇસતખરીએ તેને ‘નદી અને ઉદ્યાનોનું ઉત્તમ શહેર’ કહ્યું છે. મુકદિસી નામના ભૂગોળવેત્તાએ તેના તાબાના ઘણા કસબાનો નિર્દેશ કર્યો છે; પરંતુ હાલ તેમાંથી એકેનો પત્તો નથી. ચીની મુસાફર યુઅન શ્વાંગે તેની પ્રવાસકથામાં જણાવ્યા પ્રમાણે સાતમી સદીમાં અહીં સમર્થ બૌદ્ધધર્મી રાજાનું શાસન હતું અને તે બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. બાબરે તેનો જાબુલિસ્તાન તરીકે ઉલ્લેખ કર્યો હતો. આઠમી સદીમાં આ પ્રદેશમાં આરબોએ પ્રવેશ કર્યો હતો. 963માં તુર્ક જાતિના અલપ્તગીને ગઝનીને રાજધાની તરીકે પસંદ કર્યું હતું. અલપ્તગીનના જમાઈ સબક્તગીનના શાસન દરમિયાન ગઝનીના રાજ્યનો ઘણો વિસ્તાર થયો હતો. તેના અનુગામી મહમૂદના સમય દરમિયાન (998-1030) શહેર સુંદર બન્યું અને ભવ્ય મકાનો બંધાયાં. અલાઉદ્દીન ઘોરીએ ગઝની ઉપર ચડાઈ કર્યા બાદ તેની પડતી દશાનો પ્રારંભ થયો હતો. મુઘલો પાસેથી નાદિરશાહે તે જીતી લીધું હતું. અહમદશાહ દુરાનીએ ઈરાનીઓ પાસેથી તે ફરી જીતી લીધું હતું. 1839-42 દરમિયાન અફઘાન અમીર સાથે યુદ્ધ દરમિયાન ગઝની થોડો વખત અંગ્રેજી શાસન નીચે હતું.

1848-49માં ઉત્ખનન કરાતાં બૌદ્ધકાલીન અવશેષો મળ્યા હતા.

શિવપ્રસાદ રાજગોર