ખેર : દ્વિદળી વર્ગમાં આવેલા માઇમોઝેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Acacia catechu Wild. (સં. ખદિર; મ. હિં. ક. ખૈર; તે. ખાસુ, ખદિરમુ; મલા. કરનિલિ; ત. વોડાલે; અં. કચ ટ્રી) છે.

તે મધ્યમ કદનું પીંછાકાર પર્ણમુકુટ (crown) ધરાવતું પર્ણપાતી (deciduous) વૃક્ષ છે અને મિશ્ર વનોના શુષ્ક પ્રકારોમાં વિવિધ પ્રકારની મૃદાઓમાં સમગ્ર ભારતમાં થાય છે. તેની ઊંચાઈ 3-15 મી. સુધીની અને થડનો ઘેરાવો 0.9-2.0મી. સુધીનો હોય છે. છાલ ઘેરી ભૂખરી-બદામી હોય છે અને તેનું લાંબી તથા સાંકડી પટ્ટીઓ સ્વરૂપે અપશલ્કન (exfoliation) થાય છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate) સંયુક્ત અને એકાંતરિત હોય છે. પર્ણતલની બંને બાજુએથી કંટકીય ઉપપર્ણો (stipules) ઉત્પન્ન થાય છે. પુષ્પો આછાં પીળાં હોય છે અને શૂકી(spike)-સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ શિંબી (Legume) પ્રકારનું, એરોમિલ (glabrous), ચપટું અને લંબચોરસ હોય છે.

વિતરણ : ખેર ઉપ-હિમાલયી માર્ગમાં પંજાબથી આસામ સુધી 1,200 મી.ની ઊંચાઈ સુધી; દ્વીપકલ્પીય (peninsular) પ્રદેશોના શુષ્ક ભાગોમાં; મધ્યપ્રદેશમાં ખુલ્લી તૃણભૂમિઓ પર અને સાગનાં વનોમાં; મહારાષ્ટ્ર અને ગુજરાતમાં શુષ્ક ખુલ્લાં કાંટાળાં વનોમાં અને બિહાર, રાજસ્થાન અને તમિળનાડુનાં શુષ્ક મિશ્ર વનોમાં થાય છે. ખેરના સામાન્ય સહચારીઓ(associates)માં સફેદ બાવળ (Acacia Leucophloea), કાળો શિરીષ (Albizia Odoratissima), ધાવડો (Anogeissu latifolia), ચારોળી (Buchanania lanzan), ટીમરુ (Diospyros melanoxylon), કકરિયા (Lagerstroemia parviflora), હરડે (Terminalia chebula) અને સાદડ(T. tomentosa)નો સમાવેશ થાય છે.

આકૃતિ 1 : ખેર(Acacia catechu)ની પુષ્પ સહિતની અને ફળ સહિતની શાખા.

મૃદા અને આબોહવા : ખેર છિદ્રાળુ કાંપમય (alluvium) અને રેતી અને માટીનાં જુદાં જુદાં પ્રમાણવાળી ગોરાડુ કે કંકરિત (grave) મૃદામાં સૌથી સારી રીતે ઊગે છે. તે કાળી કપાસમૃદામાં પણ થાય છે. તે મુખ્યત્વે શુષ્ક પ્રદેશોનું વૃક્ષ છે અને 50 સેમી.થી 200 સેમી. વાર્ષિક વરસાદ ધરાવતા અને મહત્તમ છાયા તાપમાન 40o – 48o સે. અને  લઘુતમ 1.0o થી 12.8o સે. તાપમાનવાળા વિસ્તારોમાં થાય છે. તે પ્રકાશાપેક્ષી (light demander) અને હિમ-સહિષ્ણુ (frost-hardy) છે.

ગરમ ઋતુ દરમિયાન તે પર્ણવિહીન હોય છે. પાન ખરવાની ક્રિયા ફેબ્રુઆરીમાં થાય છે અને નવાં પર્ણો એપ્રિલ-મેમાં આવે છે. પુષ્પનિર્માણની ક્રિયા જૂન-ઑગસ્ટ દરમિયાન થાય છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ફળ પૂરા કદનાં બને છે અને જાન્યુઆરીમાં પાકે છે. ફળ ફાટ્યા પછી પવન અને પાણી દ્વારા વિકિરણ પામે છે. બીજ મધ્યમસરના વરસાદથી અંકુરિત થાય છે. બીજાંકુરો શિથિલ અને અપતૃણરહિત મૃદામાં ચરાણથી રક્ષિત હોય તો ઝડપથી વૃદ્ધિ પામે છે.

ખેર માટે સીધી અને હરોળ વાવણી માટેની ભલામણ કરવામાં આવી છે. તેનો પાક પુષ્કળ પ્રકાશમાં સારી રીતે થાય છે. તરુણ છોડનું વિરલન (thinning) કરવાથી અને પિયત આપવાથી તેની વૃદ્ધિ ઉત્તેજાય છે.

રોગ અને જીવાત : ખેરને Ganoderma lucidum નામની મૂળપરોપજીવી ફૂગ લાગુ પડે છે અને તેનાં વૃક્ષોનો નાશ કરે છે. રોપણ પૂર્વે રોગિષ્ઠ ઠૂંઠાં અને મૂળનો નિકાલ કરવાથી ચેપની માત્રા લઘુતમ બને છે. વાંદો (Dendrophthoe falcata) નામની પરોપજીવી સપુષ્પ વનસ્પતિ પણ સામાન્યત: ઘણી વાર ખેર પર થતી જોવા મળે છે.

સાગ ઉપર આક્રમણ કરતા ભમરા – Belionota scutellaris અને Stromatium barbatum ખેર ઉપર પણ આક્રમણ કરે છે. Sinoxylon sp. નામનું કીટક ખેરના પાટડામાં ઊંડો ખાડો પાડે છે. શાહુડી ખેરના રોપાઓને ગંભીર નુકસાન પહોંચાડે છે. તેઓ ખેરની છાલ અંશત: કે પૂરેપૂરી ખાઈ જઈ તેનો નાશ પણ કરી શકે છે. લવણજલ (brine) અને સ્ટ્રાયકિનનમાં નાનાં પાટિયાં ઝબકોળી વૃક્ષોના તલપ્રદેશે તે પાટિયાં વડે ખોતરવામાં આવતાં સ્ટ્રાયકિનનના વિષાક્તનથી શાહુડીઓ મૃત્યુ પામે છે.

કાથો : ખેરમાંથી પ્રાપ્ત કરવામાં આવતી અગત્યની ઊપજને ‘કાથો’ (catechu) કહે છે. તે આશરે 0.3મી.નો ઘેરાવો ધરાવતા 20-30 વર્ષ જૂનાં વૃક્ષોના અંત:કાષ્ઠ(heartwood)માંથી મેળવવામાં આવે છે. છાલ અને રસકાષ્ઠ(sapwood)નો બળતણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. અંત:કાષ્ઠનાં મુખ્ય ઘટકો કૅટેચિન અને કૅટેચૂટૅનિક ઍસિડ છે; કૅટેચિન 4 % થી 7 % જેટલું હોય છે અને તેનું મૂળથી માંડી શાખાઓ સુધી સમગ્ર અંત:કાષ્ઠમાં વિતરણ થયેલું હોય છે. કાષ્ઠમાં 1-એપિકૅટેચિન અને ગોસિપેટિન હોય છે.

ભારતમાં બે પ્રકારના કાથા બજારમાં મળે છે : આછો કાથો અને ઘેરો કાથો (cutch). આછો કાથો ભૂખરા રંગનો અને અનિયમિત ટુકડાઓ કે નાના ચોરસ બ્લૉક-સ્વરૂપમાં હોય છે. તેને ભાંગતાં તે સ્ફટિક આકારે તૂટે છે. તેનો પાન બનાવવામાં અને ઔષધવિજ્ઞાનમાં ઉપયોગ થાય છે. ઘેરો કાથો નાના ઘન કે બ્લૉક-સ્વરૂપે વેચાય છે; જે ગેરુ-બદામી કે નારંગી રંગનો હોય છે અને ભાંગતાં શંખાકારે (conchoidal) તૂટે છે. તેનો ઉપયોગ રંગકામ અને છાપકામમાં થાય છે. ઘેરા કાથામાં પાણી 11.7-14.2 % ટેનિન 56.4-62.5 %, કૅટેચિન 13.5-17.8, નિષ્કર્ષિકા (extractives) 20-32.0 %, અદ્રાવ્ય પદાર્થો 2.9-5.6 % અને ભસ્મ 1.2-1.5 % હોય છે.

ત્રીજી ઊપજને ખેરસાર કહે છે; જે કેટલાંક જૂનાં વૃક્ષો પરથી કૅટેચિનના સફેદ પાઉડર કે સ્ફટિકમય નિક્ષેપ-સ્વરૂપે કાષ્ઠના ખાડાઓમાંથી પ્રાપ્ત થાય છે; જેમાંથી નાના અનિયમિત આકારના ટુકડાઓ સ્વરૂપે કાથો મળે છે. તેનું શુદ્ધીકરણ ગરમ પાણીમાં સ્ફટિકીકરણ દ્વારા કરવામાં આવે છે. તેની કિંમત ઊંચી હોય છે અને ઔષધીય હેતુઓ માટે ઉપયોગ થાય છે. તે ખાસ કરીને કફ અને ગળામાં સોજા માટે વપરાય છે.

ઉત્પાદન : વન-આધારિત ઉદ્યોગોમાં કાથાનો ઉદ્યોગ મહત્વનો ગણાય છે. ભારતના ખાદી અને ગ્રામોદ્યોગ કમિશને આ ઉદ્યોગને તેનો વિકાસ કરવાના હેતુથી હાથમાં લીધો છે. આ કમિશન ઉત્પાદનની પદ્ધતિઓ અને ઊપજોની ગુણવત્તાની સુધારણા માટે પ્રયત્નશીલ છે. વનસંશોધન-સંસ્થા, દહેરાદૂનની મદદથી હલ્દવાનીમાં ઉત્પાદન અને સંશોધનકેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં પણ અવલોકન અને પ્રાયોગિક સંશોધનકેન્દ્રો શરૂ થયાં છે.

હાલમાં ભારતમાં આછા કાથા અને ઘેરા કાથા માટે ત્રણ મોટા ઉત્પાદકો છે : (1) મૅસર્સ ઇન્ડિયન વૂડ પ્રોડક્ટ્સ કો. લિ., ઇજ્જતનગર (ઉત્તરપ્રદેશ); જે આછો કાથો 530 ટન અને ઘેરો કાથો 1,144 ટન પ્રતિવર્ષ ઉત્પન્ન કરે છે. (2) ધ ગ્વાલિયર ફૉરેરેસ્ટ પ્રોડક્ટ્સ લિ., શિવપુરી (મધ્યપ્રદેશ), જે પ્રતિ વર્ષ 63 ટન આછા કાથાનું અને 600 ટન ઘેરા કાથાનું ઉત્પાદન કરે છે અને (3) ધ કૃષ્ણ કાથા ઇન્ડસ્ટ્રિઝ લિ. હલ્દવાની (ઉત્તરપ્રદેશ); જે પ્રતિ વર્ષ 39 ટન આછા કાથાનું અને 196 ટન ઘેરા કાથાનું ઉત્પાદન આપે છે. આ ઉપરાંત, જનજાતિઓના કુટુંબોના સમૂહ ધરાવતા અસંગઠિત વિભાગ દ્વારા આશરે 3,000 ટન કાથો પ્રતિવર્ષ ઉત્પન્ન કરવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના સંગઠિત ઉદ્યોગ દ્વારા 1,060-1,590 ટન આછા કાથાનું અને 4,240-4,770 ટન ઘેરા કાથાનું ઉત્પાદન થાય છે. મહારાષ્ટ્રમાં મેસર્સ સ્વસ્તિક કાથા મૅન્યુફૅક્ચરર્સ લિ. (થાણા જિલ્લો) કાથાનું ઉત્પાદન વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા કરે છે. નાગપુર અને ચંદ્રપુર જિલ્લાઓ પણ ખેરનું મુખ્ય વિતરણ ધરાવતા વિસ્તારો હોવાથી કાથાનાં કારખાનાં સ્થાપવાની ત્યાં તક છે. ભારતમાં અંત:કાષ્ઠની કુલ વપરાશ આશરે 70,000 ટન પ્રતિવર્ષ છે.

ઉપયોગ : ઘેરા કાથાનો ઉપયોગ મુખ્યત્વે સૂતર અને રેશમ રંગવામાં અને સુતરાઉ કાપડના છાપકામમાં થાય છે. કૉપર-સલ્ફેટ ઉમેરેલા ઘેરા કાથાના ઊકળતા દ્રાવણમાં સૂતર રાખતાં જાણીતો બદામી કાથાનો રંગ પ્રાપ્ત થાય છે. શીતના/કુંડિકા(cooling, bath)માં એક કલાક કે તેથી વધારે સમય રાખી ધોયા વિના; અથવા જરૂરી હોય તો જલ-નિષ્કર્ષણ (hydro-extraction) પછી સોડિયમ ડાઇક્રોમેટ ધરાવતા બીજી વિકાસ કુંડિકા (developing bath)માં રાખવામાં આવે છે. કૉપર સલ્ફેટ ધરાવતું કૅટેચિન કૅટેચૂટેનિક ઍસિડ (કૉપર-સલ્ફેટ ઉમેર્યા સિવાય) જેવો જ રંગ આપે છે. કૅટેચૂટેનિક ઍસિડ સાથે કૉપર-સલ્ફેટ ઉમેરતાં વધારે ઘેરો રંગ પ્રાપ્ત થાય છે. આ પદ્ધતિથી મેળવેલો બદામી કાથાનો રંગ પ્રકાશ, ઍસિડ અને આલ્કલી દ્રાવણ અને વિરંજક (bleaching) પાઉડર સાથે અત્યંત સ્થાયી રહે છે. કાથો રંગબંધક (mordant) તરીકે પણ કાર્ય કરે છે. તેનો  ઉપયોગ ખાખી કાપડ, વહાણના સઢ અને ટપાલના થેલા રંગવામાં થાય છે. ડામરના રંગો કરતાં ઘેરા કાથા દ્વારા રંગેલું દ્રવ્ય હવામાન અને દરિયાઈ પાણી સામે વધારે સ્થાયિતા દર્શાવે છે. છારા-(mildew)ના રોગની તેના પર ઓછી અસર થાય છે. ઘેરા કાથાની અને પૉટેશિયમ ડાઇક્રોમેટની સંયુક્ત ચિકિત્સા શણને આપતાં સડો (rot) થતો નથી. ઘેરા કાથાનો માવો (pulp) અને કાગળ રંગવામાં પણ ઉપયોગ થાય છે. હાલમાં તેનો રંગકામ કરતાં છાપકામમાં વધારે પ્રમાણમાં ઉપયોગ થાય છે. ક્રોમિયમ ઍસિટેટનો રંગબંધક તરીકે અને સોડિયમ ક્લોરેટનો ઉપચાયક (oxidizing agent) તરીકે ઉપયોગ કરી ઘેરા કાથાને સ્ટાર્ચ ટ્રૅગાકૅન્થ કે બ્રિટિશ ગુંદર સાથે મિશ્ર કરવામાં આવે છે.

ઘેરો કાથો ચર્મશોધક (tanning agent) તરીકે ઊંચું સ્થાન ધરાવતો નથી, કેમ કે તેથી બનતું ચામડું રુક્ષ હોય છે અને પીળો રંગ ધારણ કરવાનું વલણ ધરાવે છે. ઘેરા કાથાના રૂપાંતરિત નિષ્કર્ષનો પગના તળિયાના ચામડાના ઉત્પાદન માટે ઉપયોગ થાય છે.

ઘેરો કાથો ફૉર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરે છે અને કાષ્ઠની સપાટીઓના રંગકામ માટે આવરણ-સંયોજન બનાવે છે. ઘેરો કાથો બૉઇલરના શુષ્કનમાં અને ઊંડા તેલના કૂવાના શારકામમાં માટીના કણોનો અવરોધ દૂર કરવા ઉપયોગમાં લેવાય છે. સંકોચક (astringent) તરીકે વપરાતા કથ-કુથા (Uncaria gambier)ના ગૅમ્બિયર કે કૅટેચૂબીપી. તરીકે ઓળખાતા નિષ્કર્ષની અવેજીમાં ઘેરા કાથાનો ઉપયોગ થાય છે.

કાથો ભારતીય ઔષધવિજ્ઞાનમાં ઘણા સમયથી વપરાય છે. તે સંકોચક, શીતન અને પાચક ગુણધર્મો ધરાવે છે અને ગળું, મોં અને પેઢાંની સૂજેલી સ્થિતિમાં તેમજ કદ અને અતિસાર(diarrehea)માં ઉપયોગી છે. તેનો ચામડી પર થતાં ચાંદાં, ગૂમડાં, અને વિસ્ફોટ(eruption)માં સંકોચક અને શીતન તરીકે ઉપયોગ થાય છે. તે રક્તપિત્તરોધી (antileprotic) ઔષધ છે.

કાથો પાન બનાવવા માટેનું અનિવાર્ય ઘટક છે. પાન ચાવવાથી કાથા સાથે ચૂનો લાલ રંગ આપે છે. જોકે તેનો સતત ઉપયોગ કરવાથી દાંત કાળા પડે છે. તે મોંના કૅન્સર સાથે સંકળાયેલ છે.

કાથો મૂળ સ્વરૂપે કે એકે-કૅટેચિન-સ્વરૂપે અત્યંત સક્ષમ પ્રતિ-ઉપચાયક (anti-oxidant) ગણાય છે અને તેનો વનસ્પતિ-તેલ અને ચરબીનું સંચયન-જીવન (storage-life) બેવડું કરવામાં ઉપયોગ થાય છે. ખેરના કાષ્ઠમાંથી સ્થાયી રંગ ઉત્પન્ન થાય છે. તેનો ખોરાક રંગવામાં ઉપયોગ કરવામાં આવે છે.

ઇમારતી કાષ્ઠ : ખેરને ઇમારતી કાષ્ઠનો સારો સ્રોત ગણવામાં આવે છે. રસકાષ્ઠ પહોળું અને પીળાશ પડતું સફેદ હોય છે; અંત:કાષ્ઠ આછા કે ઘેરા લાલ રંગનું હોય છે અને ઉંમર વધતાં બદામી લાલ રંગનું બને છે. તે કેટલીક વાર ચળકાટવાળું અને લીસું, વિશિષ્ટ ગંધ કે સ્વાદરહિત, ભારેથી અતિભારે (વિ.ગુ. આશરે 0.98; વજન 1,008-1,040 કિગ્રા./ઘમી.), સુરેખ-કણિકામય (straight-grained) અને મધ્યમથી બરછટ પોતવાળું હોય છે. સાગના ગુણધર્મોના સંદર્ભમાં તેની તુલનાત્મક ઉપયુક્તતા (suitability) ટકાવારીમાં આ પ્રમાણે છે : વજન 147, પાટડાનું સામર્થ્ય 128, પાટડાની દુર્નમ્યતા (stiffness) 119, થાંભલાની ઉપયુક્તતા 127, આઘાત-રોધી ક્ષમતા 111, આકારની જાળવણી 116, અપરૂપણ (shear) 155; કઠોરતા 178; સ્ક્રૂ ગ્રહણ કરવાની ક્ષમતા 148. કાષ્ઠ અત્યંત મજબૂત અને અતિકઠોર હોય છે. તેનું વાયુસંશોષણ (seasoning) ધીમું છતાં સારી રીતે થાય છે. તે ખૂબ ટકાઉ હોય છે. તેને ઊધઈ કે વેધક જીવાત (Teredo) લાગુ પડતી નથી. વહેરવાનું કે મશીનકામ કેટલેક અંશે મુશ્કેલીભર્યું હોય છે. તેના પર ખરાદીકામ થઈ શકે છે પરંતુ સાધનો કડક હોવાં જરૂરી છે, જેથી તેનું પરિષ્કરણ (finishing) સારી રીતે થઈ શકે.

ખેરનું કાષ્ઠ ઇમારતના મોભમાં ખૂબ ઉપયોગી છે. તેનું કાષ્ઠ એક વર્ષ સુધી ભીની માટીમાં રહે તોપણ કોહવાતું નથી. તેના કાષ્ઠમાંથી વળીઓ, તંબૂની મેખો, સોટીઓ, હથિયારના હાથા, શેરડીનો રસ કાઢવાનું કોલુ, બળદગાડીનાં પૈડાં અને ખેતીનાં ઓજારો બનાવવામાં આવે છે.

ખેરનું કાષ્ઠ મહત્તમ જલયોજન (hydration) તાપમાન ધરાવે છે; જે ‘ફર’ સાથે તુલનીય છે; તેથી પૉર્ટલૅન્ડ સિમેન્ટ બંધિત વૂડવૂલ-બોર્ડ બનાવવામાં ઉપયોગી છે.

ગુંદર : ખેરનો ગુંદર અત્યંત સારી ગુણવત્તાવાળો હોય છે અને બાવળના ગુંદરની અવેજીમાં વપરાય છે. તે આછા પીળા ગાંગડા-સ્વરૂપે મળે છે અને બાવળના ગુંદર કરતાં વધારે જાડો અને સારો શ્લેષ્મ ઉત્પન્ન કરે છે; પરંતુ તેની આસંજક-ક્ષમતા થોડી ઓછી હોય છે.

ગુંદર સ્વાદે મીઠો હોય છે અને ઠંડા પાણી સાથે સાંદ્ર શ્લેષ્મ બનાવે છે. તેનું ઍસિડ જલાપઘટન (hydrolysis) કરતાં D-ગૅલેક્ટોઝ, L-ઍરેબિનોઝ, D- રહેમ્નોઝ અને આલ્ડોબાઇયુરોનિક ઍસિડ ઉત્પન્ન થાય છે.

ખેરના વૃક્ષ પર લાખનાં કીટકો સફળતાપૂર્વક ઉછેરી શકાય છે. ખેર પર તેનાં ઈંડાંની સંરોપણ(inoculation)ની ક્રિયા જુલાઈ માસમાં કરવી જરૂરી છે; કારણ કે મોડા શિયાળામાં કે વહેલા ઉનાળામાં ખેરમાં લાખ ધારણ કરવા માટે પૂરતી જીવનશક્તિ (vitality) હોતી નથી. જો પલાશ પરનાં ઈંડાં કે બોર પરનાં ઈંડાંનો ઉપયોગ કરવામાં આવે તો ઑક્ટોબર કે નવેમ્બરમાં શુદ્ધ પલાશ કે શુદ્ધ બોર પરની લાખ પ્રાપ્ત થાય છે. કુસુમ પરનાં ઈંડાંનું જુલાઈમાં સંરોષણ કરતાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં કુસુમ પર થતી લાખના જેવી જ ગુણવત્તા ધરાવતી લાખ મળે છે. ખેર અને કુસુમ નજીક હોય તો એકાંતરે લાખના કીટકનાં ઈંડાંનું સંરોપણ કરતાં અત્યંત સારી અને અવરોધક (resistant) પ્રકારની લાખ ઉત્પન્ન થાય છે.

પર્ણો 12 % જેટલું પ્રોટીન ધરાવે છે. પર્ણમાં રેસા, હેમીસૅલ્યુલોઝ, લિગ્નિન, સૅલ્યુલોઝ અને ખનિજ-દ્રવ્ય હોય છે. શુષ્ક દ્રવ્યની અને કોષદીવાલની પાચ્યતા (digestibility) અનુક્રમે 60.6 % અને 22.14 % હોય છે.

ખેરના બીજનું એક રાસાયણિક વિશ્લેષણ (શુષ્કતાના આધારે) આ પ્રમાણે છે : પ્રોટીન 44.2 %, ઈથર-નિષ્કર્ષિતો 6.6 %, N-મુક્ત નિષ્કર્ષ 41.6 %, રેસો 3.5 %, કુલ ભસ્મ 4.1 %; કૅલ્શિયમ 578.0 મિગ્રા., ફૉસ્ફરસ 44.50 મિગ્રા. લોહ 5.15 મિગ્રા.; નાયેસિન 1.63 મિગ્રા. અને ઍસ્કોર્બિક ઍસિડ 6.11 મિગ્રા./100 ગ્રા. પ્રોટીનમાં મિથિયોનિન અને ટ્રિપ્ટોફેનની ન્યૂનતા હોય છે.

ખેરના બીજનો નિષ્કર્ષ રંજકહીન (albino) ઉંદરોને આપતાં તેઓ નોંધપાત્ર અલ્પગ્લુકોઝ રક્ત (hypoglycaenic) સક્રિયતા દાખવે છે. વનસ્પતિનો નિષ્કર્ષ Piricularia oryzae અને Colletotrichum falcatum માટે વિષાક્ત માલૂમ પડ્યો છે. આ ભૂક્ષરણનું નિયંત્રણ કરવા અને જલ-સંરક્ષણ માટે સહાયરૂપ થવા ખેરનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે.

આયુર્વેદ અનુસાર ખેર એક ઉત્તમ તૂરા રસવાળી ઔષધિ છે. તૂરો રસ રક્તસ્તંભક, રક્તસ્રાવને અટકાવનારો, કફને છૂટો પાડી બહાર લાવનારો રક્તશોધક છે અને રક્તવિકારના રોગોમાં હિતકારી ગણાયો છે. કુષ્ઠ રોગો, ખસ, ખરજવું જેવા રોગોમાં તેનો ઉપયોગ થાય છે. ખાસ કરીને સ્રાવજન્ય રોગો, જેમાં ઝાડા થવા, આમાતિસાર હોય, પ્રદર, અત્યાર્તવ કે ગર્ભાશયનો સોજો કે વારંવાર કસુવાવડ થઈ જતી હોય તેવા રોગોમાં પણ એક ઔષધિ તરીકે તેનો ઉપયોગ થાય છે. ખેરનું ઘી કસુવાવડ માટેની ઉત્તમ ઔષધિ છે. ખદિરાદિવટી મુખશુદ્ધિ અને ગળાના કફના રોગોમાં છૂટથી વપરાય છે.

મૃગેન્દ્ર વૈષ્ણવ

અંજના સુખડિયા

પ્રાગજી મો. રાઠોડ

બળદેવભાઈ પટેલ