ખેર, અનુપમ (જ. 7 માર્ચ 1955, સિમલા) : ભારતના ચલચિત્રજગતના પ્રતિભાસંપન્ન ચરિત્ર-અભિનેતા. તેઓ ભણ્યા ચંડીગઢમાં, અભિનયના શિક્ષક બન્યા દિલ્હીમાં અને અભિનયની પરમ સિદ્ધિ પર પહોંચ્યા મુંબઈમાં. તદ્દન મધ્યમ વર્ગના પરિવારના હોવા છતાં કોઈ ચીજનો અભાવ તેમણે જોયો નથી. અભ્યાસ દરમિયાન શાળાનાં નાટકોમાં ભૂમિકા કરતા અને ઇનામો જીતતા. નાટ્યવિદ્યાનો અભ્યાસ તેમણે ચંડીગઢમાં કર્યો. પછી નાટ્યશિક્ષણ આપવા દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑવ્ ડ્રામામાં જોડાયા. અભિનયની વિશાળ ક્ષિતિજો સર કરવા દિલ્હી છોડી મુંબઈ આવ્યા. દિગ્દર્શક-નિર્માતા મહેશ ભટ્ટના ‘સારાંશ’ ચલચિત્રમાં આ યુવાન અભિનેતાને વૃદ્ધની ભૂમિકા માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો. પછી ‘જવાની’ નામક ચલચિત્રમાં વિખ્યાત અભિનેત્રી શર્મિલા ટાગોરના પતિની ભૂમિકા તેમણે ભજવી. ‘અર્જુન’ ચલચિત્રમાં ચાલાક રાજનીતિજ્ઞની તેમણે ભજવેલ ભૂમિકાથી પ્રભાવિત થઈ વિખ્યાત નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘાઈએ તેમને ‘કર્મા’માં ખલનાયકની ભૂમિકા આપી જે દ્વારા તેમણે એક સમર્થ અભિનેતા તરીકે પ્રસિદ્ધિ મેળવી. તેમની અન્ય યાદગાર ભૂમિકામાં ‘જનમ’માં અભિનેતાની ભૂમિકા, ‘ડૅડી’માં શાયર પિતાની ભૂમિકા, ‘લમ્હે’માં પ્રેમની ભૂમિકા અને ‘રામલખન’માં નાયિકાના પિતાની હાસ્યભૂમિકા વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમણે 26 અન્ય ચલચિત્રોમાં કામ કર્યું છે.

અનુપમ ખેર

દૂરદર્શન દ્વારા પ્રસ્તુત પ્રાયોજિત શ્રેણી ‘રાજ સે સ્વરાજ’માં તેમણે મહાત્મા ગાંધીની ભૂમિકા પણ ઉત્તમ રીતે ભજવી હતી. વિખ્યાત દિગ્દર્શિકા વિજયા મહેતાની ‘રાવસાહેબ’ ફિલ્મમાં અનુપમે ભજવેલી ભૂમિકા શ્રેષ્ઠ કોટિની સાબિત થઈ છે.

સંવેદનશીલ ભૂમિકા, ખલનાયક કે ચરિત્રભૂમિકા, મહાક્રૂર શેતાનની ભૂમિકા કે હાસ્યપ્રધાન ભૂમિકા વગેરે તેઓ એકસરખી સહજતાથી ભજવી શકે છે.

શશિકાન્ત નાણાવટી