ખિસ્તે, નારાયણ શાસ્ત્રી (જ. 2 ફેબ્રુઆરી ઈ. સ. 1892, કાશી; અ. 1961) : સંસ્કૃતના પ્રકાંડ પંડિત. મહામહોપાધ્યાય ગંગાધર શાસ્ત્રી પાસે સંસ્કૃતનું અધ્યયન કર્યું. લાંબા સમય સુધી વારાણસેય સંસ્કૃત કૉલેજ સરસ્વતીભવનના અધ્યક્ષ રહ્યા. પછી એ કૉલેજના પ્રાચાર્ય પણ થયા. દરમિયાનમાં 50 જેટલા ગ્રંથો રચ્યા. ભારત સરકારે તેમને 1946માં મહામહોપાધ્યાયની પદવીથી નવાજ્યા. તંત્રશાસ્ત્રના અધ્યેતા અને જ્ઞાતા તરીકે તેમની ભારે ખ્યાતિ થઈ. તાડકેશ્વર મંદિરના કેસ બાબતમાં કૉલકાતાની અદાલતે ન્યાયિક આયોગની નિમણૂક કરી હતી તે આયોગના સભ્યો તંત્રને લગતી માન્યતાઓ અને તે માટેની સંમતિ મેળવવા માટે નારાયણ શાસ્ત્રી પાસે કાશીમાં આવી 40 દિવસ સુધી શાસ્ત્રીજીની આ અંગે જુબાની લીધી હતી. સંસ્કૃતની સાથે હિંદીમાં પણ ટીકાગ્રંથો લખ્યા. ‘આજ’માં પ્રકાશિત થયેલી ‘પ્રાચીન ભારતમેં વિજ્ઞાન’ વિશેની લેખમાળા ઉલ્લેખનીય છે. કાલિદાસ-સાહિત્ય પર તેઓ મર્મજ્ઞ વિદ્વાન ગણાતા. બનારસની ‘अमरभारती’ સંસ્કૃત પત્રિકાનું બે વર્ષ સંપાદન પણ સંભાળેલું. ડૉ. વૅનિસ સાથે એમને ઘનિષ્ઠ સંબંધ હતો. એમના પરદેશમાંના એમના શિષ્યોમાં અમેરિકામાં પેન્સિલવિનિયા યુનિવર્સિટીના પ્રોફેસર બ્રાઉન અને ભાષાશાસ્ત્રના પંડિત શ્રી એકજરટન (યેલ યુનિવર્સિટી) ઉલ્લેખનીય છે. ‘અભિજ્ઞાનશાકુંતલ’ અને ‘સ્વપ્નવાસવદત્તા’ની એમની સમીક્ષાત્મક આવૃત્તિઓ પ્રસિદ્ધ છે. એમણે સંસ્કૃતમાં અનેક રચનાઓ કરી છે તેમજ સરલ સંસ્કૃતમાં માર્મિક વાર્તાઓ પણ લખી છે. તેઓને ‘સાહિત્યવારિધિ’, ‘સાહિત્યવાચસ્પતિ’ અને ‘કવિકુલગુરુ’ જેવી ઉપાધિઓથી સન્માનિત થયા હતા.
પ્રવીણચંદ્ર પરીખ