ખિસકોલી (squirrel) : ગોળાકાર બાહ્ય કર્ણો, લાંબી ગુચ્છાદાર પૂંછડી, ચડવા માટે આંકડી જેવા નહોરયુક્ત લાંબી અંગુલીઓ ધરાવતું મધ્યમ કદનું, શ્રેણી રોડેન્શિયા અને કુળ scluridaeનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ funambulus pennanti.

ખિસકોલી

ખિસકોલી ભારતમાં સર્વત્ર જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા રંગના પાંચ પટ્ટા હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ પટ્ટાઓ ભગવાન શ્રીરામે ખિસકોલીની પીઠ પર હાથ ફેરવવાથી થયા છે ! એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદકો મારી વૃક્ષારોહણ કરનાર ખિસકોલીની પૂંછડી લાંબા વાળવાળી હોય છે. પૂંછડીના સ્નાયુઓ વાળને યોગ્ય દિશાએ વાળી શકે છે. પરિણામે ખિસકોલી ઝડપથી માર્ગ ઓળંગી શકે છે. ઉપરાંત પૂંછડી સુકાન તરીકે તેમજ સમતુલા જાળવવામાં અત્યંત ઉપયોગી હોય છે.

ખિસકોલી સામાન્યપણે એકલી અથવા જોડમાં ફરતી જોવા મળે છે. ઊડતી-ખિસકોલી (flying squirrel) નિશાચર તરીકે જાણીતી છે અને તે પાર્શ્વ બાજુએથી અગ્ર અને પશ્ચપાદો વચ્ચે આવેલી ત્વચારૂપી પાંખની મદદથી વૃક્ષની એક ડાળી પરથી બીજી ડાળી પર સરી જતી હોય છે. તે એકીસાથે 45 મીટર જેટલું અંતર કાપી શકે છે.

ખિસકોલી બીકણ અને બિનઆક્રમક પ્રાણી છે. માનવ જેવાં પ્રાણીઓથી દૂર ભાગીને સલામત સ્થળે ચડે છે. તે અવારનવાર પાછલા પગની મદદથી ઊભી રહીને ચારેય દિશાએ નજર નાખતી હોય છે. ઘણાં માંસાહારી પ્રાણીઓ ખિસકોલીનું ભક્ષણ કરતાં હોય છે. તેથી તે હંમેશાં સચેત રહે છે. ભયની લાગણી ઉદભવતાં તરત જ દોડીને સુરક્ષિત સ્થળે જાય છે અને ટિક્ ટિક્ અવાજ કરે છે.

તે એક ચપળ પ્રાણી છે. વહેલી સવારે કે સાંજના સમયે તે અહીં-તહીં ફરતી નજરે પડે છે. જોકે પ્રખર તાપમાં વૃક્ષોની બખોલમાં કે પોતાના માળામાં વિસામો લે છે. માળા બાંધવા ખિસકોલી પાંદડાં કે ડાળીઓનો ઉપયોગ કરે છે. બીજ કે ફળ જેવાં વાનસ્પતિક ઉત્પાદનો ખિસકોલીનો મુખ્ય આહાર હોય છે. ખોરાકને ગળતાં પહેલાં તેને અગ્રપાદોની મદદથી પકડી દાંતથી કોતરે છે. કોઈક વાર તે પક્ષીઓનાં ઈંડાં, બચ્ચાં કે કીટકોનું ભક્ષણ કરે છે. ખિસકોલી ખોરાકને સંઘરતી હોય છે. વૃક્ષોની બખોલમાં કે માળામાં ખિસકોલીએ ભેગાં કરેલાં બીજ, ફળ કે બિલાડીના ટોપ જેવા પદાર્થો જોઈ શકાય છે.

બોર્નિયામાં જોવા મળતી ઠિંગુ-ખિસકોલી (pygmy-squirrel) ઉંદરના કદની હોય છે. પૂર્વના દેશોની સામાન્ય વતની રાતુફા નામની ખિસકોલીની લંબાઈ એક મીટર હોઈ શકે છે. અમેરિકામાં વાસ કરતી ખિસકોલીઓમાં ભૂરી અને લાલ ખિસકોલીઓનો સમાવેશ થાય છે. લાલ ખિસકોલી ઘોંઘાટ બહુ કરે છે.

નટવર ગ. પટેલ