ખીચી ચૌહાણ વંશ : રણથંભોરના ખીચી ચૌહાણ હમીરદેવના પુત્ર રામદેવે ચાંપાનેરમાં તથા ત્યાર બાદ તેના વંશજોએ છોટાઉદેપુર અને દેવગઢબારિયામાં સ્થાપેલ વંશ. ઈ. સ. 1300 આસપાસ રણથંભોર(રાજસ્થાન)નો ખીચી ચૌહાણ હમીરદેવ અલ્લાઉદ્દીનના આક્રમણમાં માર્યો ગયો. તેણે સલામતી માટે પોતાના પુત્ર રામદેવને રવાના કરી દીધેલો જે પોતાના થોડા સરદારો સાથે ગુજરાતમાં આવ્યો અને એણે પાવાગઢના પ્રદેશની રમણીયતા જોઈ ચાંપાનેરમાં વસવાટ કર્યો. નગરને કિલ્લો બંધાવી એને રાજધાની બનાવી. આ વંશમાં એના પછી અનુક્રમે ચાંગદેવ, ચાચિંગદેવ, સોગનદેવ, પાલણસિંહ, જિતકર્ણ, કૂંપુ રાઉલ, વીર ધવલ, સવરાજ, રાઘવદેવ, ત્ર્યંબક ભૂપ, ગંગરાજેશ્વર અને એનો પુત્ર જયસિંહદેવ. ઈ. સ. 1300થી 1469 સુધીમાં રાજાઓ થઈને સત્તા ભોગવી ગયા. ગુજરાતની મુસ્લિમ સત્તા સમાંતર માળવામાં પણ મુસ્લિમ સત્તા હતી અને ચાંપાનેરના રાજવીને એની હૂંફ હતી. સુલતાન અહમદશાહ સામે હિંદુ રાજાઓથી ઈ. સ. 1416માં સ્થાપેલા મિત્રસંઘમાં ત્ર્યંબક ભૂપ પણ જોડાયો હતો, ત્યારે અહમદશાહે ચાંપાનેર ઉપર આક્રમણ કરતાં ત્ર્યંબક ફાવ્યો નહિ એટલે સુલતાનને લડાઈનો ખર્ચ અને ખંડણી આપી સ્વસત્તા જાળવી રહ્યો. એના પછી એનો પુત્ર ગંગરાજેશ્વર ઉર્ફે ગંગદાસ સત્તા પર આવ્યો. એ ગુજરાતના મુહમ્મદ શાહ બીજા(ઈ. સ. 1442-1451)નો સમકાલીન હતો. મુહમ્મદ શાહે ચાંપાનેર પર ચડાઈ કર્યાની વિગત मण्डलिक महाकाव्यના કર્તા ગંગાધર કવિના રચેલા गङ्गदासप्रतापविलास નાટકમાં જોવા મળે છે જેમાં સુલતાન હાર્યાનું જણાવ્યું છે. એના પછી આવેલા એના પુત્ર જયસિંહદેવને ‘રાજાધિરાજ’ એના સમયના ઉમરવાણ(નાની ઉમરવાણ, તા. હાલોલ, જિ. પંચમહાલ)માંથી મળેલા શિલાલેખથી હોવાનું જાણવા મળે છે. એ કુત્બુદ્દીન અહમદશાહ(ઈ.સ. 1459-1511)નો સમકાલીન હતો અને મહમૂદ બેગડા(ઈ. સ.1459-1571)ના હાથે સંપૂર્ણ પરાજય પામી નામશેષ થઈ ગયો, તેથી આ રાજવંશની સત્તા પણ હંમેશને માટે પાવાગઢના પ્રદેશમાંથી નષ્ટ થઈ ગઈ (ઈ. સ. 1485).

જયસિંહદેવની બે કુંવરીઓને સુલતાને પોતાના જનાનામાં મોકલી અને ચોથા નાના કુમારને શિક્ષણ આપી એને મુસ્લિમ બનાવ્યો, જેનું નામ ‘હુસેન’ રાખવામાં આવ્યું. એ સુલતાન મુઝફ્ફર બીજાના સમયમાં મોટો અમીર બન્યો અને ‘નિઝામ-ઉલ્-મુલ્ક’નો ખિતાબ પામ્યો.

જયસિંહદેવને ત્રણ પુત્રો હતા. તેમાંનો રામદેવ પિતાની હયાતીમાં જ અવસાન પામેલો, જ્યારે બીજો પૃથ્વીરાજ મુસ્લિમ સલ્તનતની અવ્યવસ્થાનો લાભ ઉઠાવી છોટાઉદેપુરમાં સત્તાધીશ બન્યો. ડુંગરસી ત્રીજો પુત્ર હતો તે દેવગઢ બારિયામાં ગયો ને પાછળથી ત્યાં રાજ્ય સ્થાપ્યું. બંને રાજ્યો જૂન, 1948માં મુંબઈ રાજ્યમાં વિલીન થયાં હતાં.

કે. કા. શાસ્ત્રી