ખાવડાના અભિલેખો : આ અભિલેખો ક્ષત્રપવંશી રાજાઓનાં શાસનની કાલગણના માટે ઉપયોગી છે. ખાવડા બેટ કચ્છના રણમાં પચ્છમ તાલુકામાં આવેલો છે. ખાવડાથી અગ્નિખૂણે 24 કિમી. દૂર અંધૌ ગામે વર્ષ 11 અને 52ની સાલવાળા ચાર પાળિયા ઉપરના લેખો મળ્યા છે. ત્યાર બાદ એક અંધૌ ગામેથી અને બીજો ખાવડાથી ક્ષત્રપકાલીન ચષ્ટન્ રુદ્રદામાના સંયુક્ત શાસનના સમયના લેખો મળ્યા છે. આ લેખોની લિપિ બ્રાહ્મી છે, પણ ભાષા સંસ્કૃતની અસરવાળી પ્રાકૃત છે. આ પાળિયા સિહીલના પુત્ર મદને તેનાં મરણ પામેલાં સગાંની યાદમાં ઊભા કરાવ્યા છે. એક પાળિયો મદનની ઓપશતિ ગોત્રની બહેન જેષ્ઠવીરાનો છે. બીજો પાળિયો ઓપશતિ ગોત્રના તેના ભાઈ ઋષભદેવની યાદમાં છે. તેની પત્ની યસદત સોનિક ગોત્રની છે અને તેને સમતેરી કહી છે. તેનો ત્રીજો પાળિયો છે.

ચોથો પાળિયો સમતેર પિતા ત્રેસ્ત દત્તે પુત્ર ઋષભદેવની યાદમાં ઊભો કર્યો હતો. જેને ઉપસંપદા પ્રાપ્ત થઈ ન હોય તેવા બૌદ્ધ સાધુને સમતેર કહે છે. તેનું સ્ત્રીલિંગનું રૂપ સમતેરી છે. આ પાળિયા કચ્છમાં બૌદ્ધ ધર્મનું ઈસવી સનની બીજી સદીમાં અસ્તિત્વ સૂચવે છે. અંધૌમાંથી મળેલો એક પાળિયો શક વર્ષ 11નો છે ને તે ક્ષત્રપ વંશનો સૌથી પ્રાચીન શિલાલેખ ગણાય છે. બાકીના શિલાલેખો 52 વરસસૂચક છે. વર્ષ 52 ઈ. સ. 130નું વર્ષ સૂચવે છે. ખાવડાનો રુદ્રદામાનો 62 કે 72નું વર્ષ સૂચવતો અભિલેખ પણ મળ્યો છે. એકંદરે અંધૌમાંથી છ અભિલેખો અને ખાવડા નજીકથી એક અભિલેખ એમ સાત અભિલેખ મળ્યા છે. આ લેખોની સાલ ક્ષત્રપ વંશના પ્રારંભના વર્ષની સૂચક છે.

શિવપ્રસાદ રાજગોર