ખાસી ટેકરીઓ : પૂર્વ ભારતના મેઘાલય રાજ્યનો મધ્યવર્તી ભાગ. આ ટેકરીઓવાળા વિસ્તારમાં શિલાગનો ઉચ્ચ પ્રદેશ સમાવિષ્ટ છે. ખાસી ટેકરીઓ પૈકી શિલાગ નજીકનો ડુંગર સૌથી ઊંચો છે. શિલાગના ડુંગરની દક્ષિણે ગ્રૅનાઇટ ખડકોનો બનેલો પ્રદેશ છે. મધ્યનો ઉચ્ચ પ્રદેશ ક્રિટેશિયસ કાળના રેતીખડકોનો બનેલો છે. ખાસી ટેકરીઓનો પ્રદેશ ભારે વરસાદનો પ્રદેશ છે અને ભારતમાં સૌથી વધુ વરસાદ ચેરાપુંજીના મોસિનરામમાં પડે છે. જમીન નબળી અને પાણી સંઘરી શકે તેવી ન હોવાથી ઉનાળામાં અહીં પાણીની તંગી જણાય છે. આબોહવા ગરમ અને ભેજવાળી છે. ટેકરીઓ ઉપર સાગ, સાલ, વાંસ વગેરે વૃક્ષો ધરાવતાં જંગલો છે. જંગલમાંથી મધ, મીણ, લાખ અને ઇમારતી લાકડું મળે છે. આ પ્રદેશમાં ચૂનાખડકો, કોલસો, સિલિમેનાઇટ અને કોરંડમ ધાતુ મળે છે.

ખીણોમાં ડાંગરની ખેતી થાય છે. મોટા ભાગના લોકો જંગલને બાળીને સ્થળાંતરિત (ઝૂમ) ખેતી કરે છે. તેમાં તેઓ એક-બે વરસ વાવેતર કરે છે. જમીનનો કસ ઘટી જતાં બીજી જમીન પસંદ કરે છે. આ પદ્ધતિને ‘ઝૂમિંગ’ કહે છે. પહાડોના ઢોળાવો ઉપર ‘ટેરેસિંગ’ કે પગથિયાંપદ્ધતિથી ખેતી કરાય છે. ઢોળાવો ઉપર ચાનું વાવેતર થાય છે.

ખાસી ટેકરી વિસ્તારના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પ્લાયવૂડનાં કારખાનાં, સિમેન્ટનું કારખાનું તથા કેટલાંક અગત્યનાં તેલ અને રસાયણોનાં કારખાનાં જેવા ઉદ્યોગો છે. ચાના બગીચામાં નેપાળ કે બિહારના લોકો કામ કરે છે.

ખાસી લોકોની સ્વાયત્ત કાઉન્સિલ હોય છે જેના સભ્યો ચૂંટાયેલા હોય છે. લોકસભા અને રાજ્યસભામાં તેમની અનામત બેઠકો હોય છે. ખાસી ટેકરીઓના પૂર્વ અને પશ્ચિમ ખાસી હિલ્સ એમ બે જિલ્લા છે. તેનો અનુક્રમે 2,820 અને 5,247 ચોકિમી. વિસ્તાર છે. આ જિલ્લાઓમાં 8,24,059  અને 3,85,601 (2011) માણસોની વસ્તી હતી. મોટા ભાગના લોકો ખ્રિસ્તી ધર્મ પાળે છે. તેઓ મોંગોલોઇડ જાતિના છે અને મોન-ખ્મેર કુળની ભાષા બોલે છે.

શિવપ્રસાદ રાજગોર