ખાલ્ડિયા-સંસ્કૃતિ : ઈ. પૂ.ની પશ્ચિમ એશિયાની પ્રાચીન સંસ્કૃતિ. સેમિટિક જાતિની ખાલ્ડિયાની પ્રજાએ ઈ. પૂ. 625માં પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું. ઈ. પૂ. 612માં ખાલ્ડિયાઈ રાજાએ ઍસિરિયાઈ સામ્રાજ્યનો અંત લાવી ખાલ્ડિયાઈ સામ્રાજ્ય સ્થાપ્યું જે ઈરાનના રાજા સાયરસે એમને હરાવ્યા ત્યાં સુધી ઈ. પૂ. 539 સુધી ટક્યું. ખાલ્ડિયાઈ પ્રજાનું વર્ચસ્ સ્થપાતાં મેસોપોટેમિયાની સંસ્કૃતિ એની વિકાસકૂચના અંતિમ તબક્કે પહોંચી.

પોતાના આગવા ઇતિહાસ સાથે આ પ્રજાએ કેટલીક સંસ્થાઓ અને આદર્શો સાચવવાનો પ્રયાસ કર્યો. ઉપરાંત હૅમુરાબીના સમયની મેસોપોટેમિયાની સંસ્કૃતિનાં કેટલાંક લક્ષણો નેબૂખદનેસ્સર અને એના અનુયાયીઓએ પુન:સ્થાપિત કર્યાં. નેબૂખદનેસ્સર (ઈ. પૂ. 604-561) આ સંસ્કૃતિનો મહાન રાજા હતો.

ખાલ્ડિયાઈ પ્રજાએ ધર્મમાં દૈવવાદ સ્થાપ્યો અને દયાની ભાવના વિકસાવી, શરણાર્થીનું મૂલ્ય વધાર્યું, ર્દઢ આધ્યાત્મિક જાગૃતિ પ્રસરાવી અને માનવીનું મહત્વ ઘટાડ્યું. ખાલ્ડિયનોની ર્દષ્ટિએ માનવી હીન પ્રાણી છે અને દેવ સુધી પહોંચવા અસમર્થ છે. આ પ્રજા નિરાશાવાદી હતી છતાં નૈતિક ર્દષ્ટિએ ઉન્નત હતી. પુનર્જન્મમાં એમને રસ ન હતો. ભૌતિક સંપ્રાપ્તિ માટે એમણે શરણાગતિનો સ્વીકાર કર્યો હતો. ખાલ્ડિયનોએ પૂર્વીય પ્રજાઓનાં દેવદેવીઓનાં મંદિરોમાં પૂજા-અર્ચના શરૂ કર્યાં.

ખાલ્ડિયાઈ સંસ્કૃતિનું મહત્વનું પ્રદાન જ્યોતિષ અને ખગોળવિદ્યામાં ગણાવી શકાય. ખાસ કરીને તેમણે કાલગણનાની વ્યાપક પદ્ધતિ શરૂ કરી. લગભગ ત્રણસોસાઠ દિવસ સુધી આ પ્રજાએ ચંદ્ર-સૂર્ય-ગ્રહણોની નોંધો કરી. આકાશ અને તારાઓને રાશિઓમાં વહેંચ્યા તથા ગ્રહોનાં નામકરણ કર્યાં. આવી નોંધોને પરિણામે એમણે એક વર્ષનું માપ 365 દિવસ, 6 કલાક, 15 મિનિટ અને 41 સેકન્ડ કરી આપ્યું. આનો યશ ખગોળવિદ નિબુ રિમાન્નુને ફાળે જાય છે. જ્યોતિષ-ખગોળના ક્ષેત્રે એની સિદ્ધિનું પ્રેરક બળ ધર્મ હતો.

આ સામ્રાજ્ય દરમિયાન મેસોપોટેમિયાનાં વેપાર-વાણિજ્ય તથા કલાનો વિકાસ થયો. નેબૂખદનેસ્સરે બંધાવેલો ઝૂલતો બગીચો પ્રાચીન જગતની એક અજાયબી ગણાય છે.

રસેશ જમીનદાર