ખાન મહમ્મદ ઝફરુલ્લાખાન (જ. 6 ફેબ્રુઆરી 1893, સિયાલકોટ, પંજાબ; અ. 1 સપ્ટેમ્બર 1985, લાહોર, પાકિસ્તાન) : અખંડ હિંદની તરફેણ કરનારા મુસ્લિમ રાજકારણી. તેમના પિતા નસરુલ્લાખાન આગળ પડતા ધારાશાસ્ત્રી હતા. ઝફરુલ્લાખાન લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી બી.એ. (ઑનર્સ) અને લિંક્ધા ઇન, લંડનમાંથી એલએલ.બી. તથા બાર-ઍટ-લૉ થયા હતા.

મહમ્મદ ઝફરુલ્લાખાન ખાન

બે વર્ષ (1914-16) સિયાલકોટમાં વકીલાત કર્યા પછી તેમણે લાહોર હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. આ સમય દરમિયાન તેઓ વિવિધ જાહેર હોદ્દા પર રહ્યા હતા. ઉપરાંત તેમણે લાહોરની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક તરીકે (1919-24), પંજાબ લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્ય તરીકે (1926-31), પ્રાંતીય સુધારા સમિતિના સભ્ય તરીકે (1928) તથા ગોળમેજી પરિષદો(1930-32)માં મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે કામ કર્યું હતું. 1931માં તેઓ ઑલ ઇન્ડિયા મુસ્લિમ લીગના પ્રમુખ હતા. 1932–39 દરમિયાન વાઇસરૉયની કારોબારીના સભ્ય તરીકે તેમણે વિવિધ ખાતાંનું સંચાલન કર્યું હતું. 1941-47 દરમિયાન તે હિંદની સમવાયી અદાલત(federal court)માં ન્યાયાધીશ તરીકે રહ્યા. 1942માં છ મહિના માટે તેમને હિંદ સરકારના એજન્ટ-જનરલ તરીકે ચીન મોકલવામાં આવ્યા હતા.

ભાગલા પછી 1947માં તેઓ પાકિસ્તાનના વિદેશમંત્રી બન્યા. 1961થી 1964 સુધી ઝફરુલ્લાખાને સંયુક્ત રાષ્ટ્રસંઘમાં પાકિસ્તાનના કાયમી પ્રતિનિધિ તરીકે કાર્ય કર્યું. 1964માં તેઓ હેગ ખાતે વિશ્વ અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.

ઝફરુલ્લાખાન કાદિયાની-અહમદિયા સંપ્રદાયના હોવાથી રૂઢિચુસ્ત મુસ્લિમોની ટીકાને પાત્ર બન્યા હતા. 1931માં ગોળમેજી પરિષદ માટે મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે ચૂંટાયા ત્યારે ડૉ. ઇકબાલ જેવી વ્યક્તિએ પણ આ કારણસર તેમની ટીકા કરી. 1958માં પાકિસ્તાનમાં અહમદિયા સંપ્રદાય વિરોધી આંદોલન ચાલ્યું તે સમયે પણ ઝફરુલ્લાખાન રૂઢિચુસ્તોની ટીકાઓનો ભોગ બન્યા હતા.

તેમના જાહેર જીવનકાળ દરમિયાન તેઓ રાજકીય ચળવળના વિરોધી રહ્યા હતા. 1945માં તેમણે એવી પણ રજૂઆત કરી કે જો હિંદીઓ પોતાના રાજકીય મતભેદને લીધે બંધારણ ઘડી ન શકે તો બ્રિટિશ પાર્લમેન્ટે જ હિંદ માટે તાજ હેઠળ રાષ્ટ્રસમૂહના ભાગ તરીકે તત્કાળ પૂરતું બંધારણ ઘડવું જોઈએ. ઝફરુલ્લાખાન હિંદના ભાગલાના વિરોધી હતા. તેઓ લોકશાહી પર આધારિત અને લઘુમતીઓની સુરક્ષાને વરેલા અખંડ હિંદની તરફેણ કરનારા હતા.

ર. લ. રાવળ