ખાન સરોવર : અકબરના દૂધભાઈ ખાન-એ-આઝમ મીરજા અઝીઝ કોકાના નામ સાથે જોડાયેલું, ગુજરાતમાં પાટણથી ચાણસ્મા જવાને રસ્તે આવેલું પાટણનું મુઘલકાલીન સરોવર. ‘મિરાત-એ-સિકંદરી’ પ્રમાણે ઝફરખાન-મુઝફ્ફરશાહના સમયમાં તે વિદ્યમાન હતું. એટલે મૂળ ચૌલુક્ય-કાળમાં આ જળાશય અસ્તિત્વમાં આવ્યું હશે. અઝીઝ કોકાના સમયમાં તેનો પુનરુદ્ધાર થયો હતો (1589-94). તે ચતુરસ્ર આકારનું 400 X 400 મીટર વિસ્તારમાં આવેલું છે. સરોવરનો ઓવારો અમદાવાદના કાંકરિયા સરોવરની માફક પાણી સુધી પહોંચતાં પગથિયાંની હારમાળાથી બંધાયેલો છે. સહસ્રલિંગ તળાવની માફક 6.5 મીટર પહોળા સોળ બાજુવાળા નાળામાં થઈને સરસ્વતી નદીનું પાણી સરોવરમાં આવે છે. તળાવના બાંધકામમાં જૂનાં મંદિરોના અવશેષોનો ઉપયોગ કરાયો છે. આજુબાજુ હિંદુ તથા ઇસ્લામિક સ્થાપત્યના અવશેષો વેરવિખેર પડેલા છે. તેની ઉત્તરે દામાજીરાવ ગાયકવાડે 1766-67માં બંધાવેલું શિવાલય છે. ખેતી માટે તેના પાણીનો ઉપયોગ થાય છે.

ખાનસરોવર – ધોળકા : અમદાવાદથી 40 કિમી. દૂર ધોળકામાં મહમ્મુદ બેગડાના સેનાપતિ અલફખાન ભક્કાના નામના આધારે આ સાદા જળાશયનું નામ પડ્યું છે. તે ખાન મસ્જિદની પાછળ આવેલું છે અને ધોળકા શહેરને પાણી પૂરું પાડે છે. આ સરોવરની વચ્ચે છત્રી તથા આરામ માટેનું સ્થળ હશે એમ જણાય છે.

શિવપ્રસાદ રાજગોર