ખાન મસ્જિદ (ધોળકા) : ઈંટેરી સ્થાપત્યનો એક શ્રેષ્ઠ નમૂનો. ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાના ધોળકા ગામમાં આવેલી આ મસ્જિદ ખૂબ મોટી છે. સંપૂર્ણપણે ઈંટ અને ચૂનાથી બંધાયેલી આ મસ્જિદ ખલજી વંશના સૂબા અલફખાને (1304-15) બંધાવેલી. 60 મીટર લાંબી આ મસ્જિદ એની વિશિષ્ટ બાંધણી અને એના ઉપરના ચૂનાના નકશીકામ માટે જોવાલાયક છે. અંદરનો વિસ્તાર 45 x 13 મીટર જેટલો છે. તે ત્રણ ઓરડામાં વહેંચાયેલી છે. આ ઓરડાને જુદી પાડતી દીવાલ 3.5 મીટર જાડી છે અને વચ્ચે સુંદર કમાન છે, જેથી એક ઓરડામાંથી બીજા ઓરડામાં સહેલાઈથી જઈ શકાય. આગળની અને પાછળની દીવાલોની જાડાઈ 1.75 મીટર છે. આગળના ભાગમાં સુંદર કમાનો છે. જમીનથી ઊંચે ઘુમ્મટના અંદરના ભાગની ઊંચાઈ 19.50 મીટર છે. મહેરાબ (મક્કા તરફ દિશાસૂચન કરતો પ્રાર્થનાખંડની દીવાલમાં આવેલો ગોખલો) ઊંડો અને ચોરસ છે. મિંબર નવ પગથિયાંનું બનાવેલું છે. મહેરાબની બંને બાજુએ કમાનવાળી બારી છે, તેમાં સુંદર જાળીકામ છે. મસ્જિદને બંને છેડે ઊંચા મિનારા છે, તેનો આકાર શિવલિંગ જેવો છે. મિનારા ઉપર જવા બહારની બાજુથી પગથિયાં છે. મિનારાની ટોચ સુધીની ઊંચાઈ 25 મીટર છે. મસ્જિદના આગલા ભાગથી લગભગ 95 મીટર દૂર મોટું પ્રવેશદ્વાર છે. તે 6 મીટર સમચોરસ છે. તેની પાછળ ખાનસરોવર આવેલું છે.

શિવપ્રસાદ રાજગોર