ખપુટાચાર્ય (ઈ.પૂ. 63ના અરસામાં હયાત) : જૈન શાસનના રક્ષક, મંત્રવિદ્ અને વિદ્યાસિદ્ધ જૈન આચાર્ય. ભરૂચ અને ગુડશસ્ત્રપુર તેમની વિહારભૂમિ હતી. કાલકાચાર્યના ભાણેજ બલમિત્ર લાટદેશના ભરૂચમાં ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના ઉત્તરાર્ધમાં શાસન કરતા હતા ત્યારે તેઓ ભરૂચમાં વસતા હતા. તેમણે બૌદ્ધોને વાદવિવાદમાં પરાજિત કરી જૈન શાસનની રક્ષા કરી હતી. તેમના ચમત્કારો વિશે અનેક અનુશ્રુતિઓ પ્રચલિત છે.
ગુડશસ્ત્રપુરના બહુકર નામના બૌદ્ધ આચાર્ય આ જૈન આચાર્ય સાથે શાસ્ત્રાર્થ કરવા ભરૂચ આવ્યા હતા અને તે વાદમાં હારી ગયા હતા.
આચાર્યનો ભુવનમુનિ નામનો ભાણેજ તેમનો શિષ્ય હતો. તે ખૂબ તીવ્ર બુદ્ધિવાળો હતો. આચાર્યની ગેરહાજરીમાં તે તેમની વિદ્યાના બળથી શ્રાવકોના ઘરેથી સ્વાદિષ્ટ ભોજનનાં પાત્રો મગાવી જમતો હતો. તે બૌદ્ધો સાથે ભળી પણ ગયો હતો. આચાર્યને આની જાણ થતાં તે ભરૂચ આવ્યા અને તેમના ડરથી ભુવનમુનિ નાસી ગયો હતો.
શિવપ્રસાદ રાજગોર