ખપેડી : પાકને નુકસાન કરતી જીવાત. સરળપક્ષ (orthoptera) શ્રેણીના એક્રિડિડી કુળનો કીટક. તેનાં બચ્ચાં મધ્યમ કાળાશ પડતાં, શરીરે ખરબચડાં અને ભિન્ન ભિન્ન ટપકાંવાળાં હોય છે. તે ઘઉં, બાજરી, તલ, શણ, જુવાર, મકાઈ, મગફળી, કપાસ, તમાકુ, નાઇઝર, શાકભાજી, અફીણ, ચણા, તૈલી પાક અને ગળી જેવા પાકોને નુકસાન કરે છે. તેનો ઉપદ્રવ ખાસ કરીને બિનપિયત વિસ્તારમાં લેવાતા ઘઉંના પાકમાં જોવા મળે છે. બચ્ચાં તેમજ પુખ્ત કીટક પાંદડાં અને ડૂંખો ખાય છે તેમજ છોડને જમીન નજીકથી કાપી નાખીને ખૂબ જ નુકસાન કરે છે. માદા ખપેડી શેઢા-પાળાની જગ્યામાં 6 સેમી. જેટલી ઊંડાઈએ પીળાશ પડતા સફેદ રંગનાં ચોખાના દાણા જેવાં 2થી 15 જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડાંનો એક જથ્થો મૂકવા માટે માદાને લગભગ એક કલાક લાગે છે. એક માદા 30થી 434 જેટલાં ઈંડાં મૂકતી હોય છે. એક મહિનામાં ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવી કુમળું ઘાસ ખાય છે અને ત્યાર બાદ ખેતીપાકમાં નુકસાન કરે છે. આ કીટકનો ઉપદ્રવ લગભગ આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે અને જે તે ઋતુના ધાન્ય પાકને ખાસ નુકસાન કરે છે. નિયંત્રણ માટે પાક લીધા પછી શેઢા-પાળા સહિત ખેતર ખેડી નખાય છે. મેથાઇલ પેરોથિયોન 2 % અથવા બીએચસી 10 % અથવા આલ્ડ્રિન 5 % ભૂકી શેઢા-પાળા પર તેમજ પાકમાં પ્રતિ હેક્ટરે 25 કિગ્રા. પ્રમાણે છાંટવામાં આવે છે.

પી. એ. ભાલાણી

પરબતભાઈ ખી. બોરડ