ખન્સા (આશરે ઈ. સ. 585) : મરસિયા લખનાર પ્રતિભાવંત આરબ કવયિત્રી. ખરું નામ તુમાદિર બિન્ત અમ્ર બિન અલ શરીદ, સુલયમી. ખન્સાના પિતા ખ્યાતનામ અને ધનવાન હતા.

ખન્સાની જન્મતારીખ વિશે કહેવું મુશ્કેલ છે, પરંતુ તેના પુત્ર અબૂ શજારા અબ્દુલ્લાએ ઈ. સ. 634માં ધર્મભ્રષ્ટતામાં મહત્વનો ભાગ ભજવેલો અને તે કદાચ ત્રીસ વર્ષની ઉંમરનો હોય. આમ ખન્સા લગભગ ઈ. સ. 585માં જન્મી હશે. તેના પ્રથમ પતિ અબ્દુલ ઉઝ્ઝાથી પુત્ર અબૂ શજારા અબ્દુલ્લા થયો. પતિ ગુજરી જતાં ખન્સાએ મિરદાસ સાથે બીજાં લગ્ન કર્યાં. તેનાથી ત્રણ પુત્રો અને એક પુત્રી થયાં.

ખન્સાના જીવનમાં મહત્વનું પરિવર્તન તેના બે ભાઈઓ મુઆવિયા અને સુખ્રનું મૃત્યુ હતું, જેમના શોકમાં તેણે મરસિયા પ્રકારનાં સર્વોત્તમ કાવ્યોની રચના કરી હતી. ઉકાઝના મેળામાં ખન્સાએ પોતાનો હૃદયદ્રાવક મરસિયો સંભળાવતાં લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. ખન્સાનાં શોકકાવ્યોમાં લાગણીની તીવ્રતા હોય છે. શૈલીની વેધકતા અને સરળતા ખન્સાનાં કસીદા કાવ્યોની મુખ્ય વિશેષતાઓ છે.

મહેમૂદહુસેન મોહમદહુસેન શેખ