ખજૂરાહો : મધ્યપ્રદેશના છત્તરપુર જિલ્લામાં આવેલ ઈ. સ. 950થી 1050 દરમિયાન બંધાયેલાં જગપ્રસિદ્ધ મંદિરોનો સમૂહ. આ નગર છત્તરપુરથી અગ્નિખૂણે 29 કિમી., મહોબાની દક્ષિણે 55 કિમી. અને પન્નાની ઉત્તરે 40 કિમી. દૂર કેન નદીના કિનારે ખજૂરાહો સાગર નામના સરોવર ઉપર આવેલું છે. આ નગર જેજાકભુક્તિ વંશીય ચંદ્રવંશના રાજપૂત રાજાઓનું પાટનગર હતું.

ખજૂરીનાં ઘણાં વૃક્ષોના કારણે તેનું નામ ખજૂરાહો પડ્યું હશે એવું જનરલ કનિંગહામનું મંતવ્ય છે. પ્રાચીન સાહિત્ય તથા પરદેશી પ્રવાસીઓનાં પ્રવાસવર્ણનોમાં તેનાં ખજૂરવાટિકા, ખર્જુરવાહક, ખજૂરાહટ્ટ, ખજ્જુરપુર, કજૂર, કર્જરા વગેરે નામો મળે છે. નગરના સિંહદ્વાર નજીક બે સોનેરી ખજૂરીનાં વૃક્ષો ઊભાં કરાયાં હતાં તે આ મતને અનુમોદન આપે છે.

લક્ષ્મીનારાયણ ખજૂરાહો મંદિરમાંનું દસમી સદીનું અદ્વિતીય શિલ્પ ‘વિષ્ણુ અને લક્ષ્મી’

કુલ 85 મંદિરો પૈકી 20થી 24 મંદિરો પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં આવ્યાં છે. પૂર્વ સમૂહમાં બ્રહ્મા, વામન, જવેરી, ઘંટાઈ, પાર્શ્વનાથ, આદિનાથ, શાંતિનાથ વગેરેનાં મંદિરો છે. પશ્ચિમના સમૂહમાં 64 જોગણીઓ, કંદરિયા મહાદેવ, જગદંબાદેવી, મહાદેવ ચિત્રગુપ્ત, વિશ્વનાથ, પાર્વતી, લક્ષ્મણ, વરાહ, માતંગેશ્વર, લાલગુબાન, હનુમાન વગેરેનાં મંદિરોનો સમાવેશ થયો છે. દક્ષિણના સમૂહમાં દુલાદેવ અને ચતુર્ભુજનાં બે મંદિરો આવેલાં છે. આ બધાં મંદિરો પૈકી 64 જોગણીઓનું મંદિર સૌથી પ્રાચીન (ઈ. સ. 900) છે. દુલાદેવનું ચંદેલાકાળનું મંદિર ઈ. સ. 1150 આસપાસનું છે.

1.5 મી. ઊંચા ચોતરા ઉપર ગ્રૅનાઇટ પથ્થરથી બંધાયેલ જોગણીનું મંદિર કાળી કે કાળકા માતાને અર્પણ કરાયેલ છે. આ મંદિરમાં કાલી માતા ઉપરાંત 64 જોગણીઓની મૂર્તિઓ છે.

આકૃતિ 2 : દર્પણધારી સુરસુંદરી

કંદરિયા મહાદેવનું સૌથી મોટું મંદિર 64 જોગણીઓના મંદિરથી ઉત્તરે છે. આ મંદિર 31 મી. લાંબું, 29.3 મી. પહોળું અને 30.9 મી. ઊંચું છે. તેની આસપાસ ચાર નાનાં મંદિરો હતાં જે નાશ પામ્યાં છે. તેના ગર્ભગૃહમાં શિવલિંગ છે. મંદિરની ભીંત ઉપર દેવો, મકર, કીર્તિમુખ, મિથુન, તપસ્વી, અપ્સરા, શાર્દૂલ વગેરેનાં શિલ્પો છે. પ્રવેશદ્વારે સુંદર તોરણ છે, જે વિવિધ મૂર્તિઓથી સુશોભિત છે. સંગીતકાર અને તેનાં વાદ્યો, મગરી, મળવાને ઉત્સુક તરુણ અને તરુણી, સુરસુંદરી, કિન્નર, ગંધર્વ વગેરેની મૂર્તિઓ વિલક્ષણ અને વેધક છે. અર્ધમંડપ, મંડપ અને મહામંડપની છત સુંદર નકશીકામથી સુશોભિત છે. ચારે બાજુની ભીંતો, સ્તંભો, ગર્ભગૃહનું દ્વાર વિવિધ દેવો તથા અન્ય શિલ્પાકૃતિઓથી સુશોભિત છે. સ્ત્રીઓની આકૃતિઓ પ્રમાણસર, મોહક અને મુખ ઉપર ઉત્કટ ભાવ પ્રદર્શિત કરે છે. ગર્ભગૃહની દ્વારસાખ પુષ્પરચના, યોગાસનસ્થ મૂર્તિ વગેરે શિલ્પો ધરાવે છે. દ્વારની બંને બાજુ સ્તંભના તલભાગે મગરના વાહનયુક્ત ગંગા, કાચબા ઉપર આરૂઢ યમુનાની મૂર્તિઓ છે. બહારના ભાગમાં વિવિધ દેવદેવીઓ, વિવિધ વયનાં પ્રેમાસક્ત યુગલો (ભોગાસનો), સ્વર્ગની અપ્સરા, વ્યાલ વગેરેની અસંખ્ય મૂર્તિઓ છે. મંદિરમાં 246 અને મંદિર બહાર 646 મૂર્તિઓ આવેલી હોવાનો કનિંગહામનો અંદાજ છે.

આકૃતિ 3 : કંદરિયા મહાદેવનું મંદિર (ડાબી બાજુ) તથા દેવી જગદંબાનું મંદિર (જમણી બાજુ)

કંદરિયા મહાદેવની ઉત્તરે જગદંબા મંદિર છે. અહીં જે મૂળ વિષ્ણુની મૂર્તિ હતી તે ખસેડી કાલિકાની મૂર્તિ મુકાઈ છે. દ્વારસાખ ઉપર વિષ્ણુની મૂર્તિ છે. ચાર નાનાં મંદિરો તથા પ્રદક્ષિણાપથ નાશ પામ્યાં છે. બહારની ભીંતો ઉપર શિલ્પોની ત્રણ હારમાળા છે. અધિષ્ઠાન અને જંઘા ઉપર કોતરકામ નથી. ત્રણ મુખ અને આઠ હાથવાળી શિવ અને વરાહરૂપ વિષ્ણુની મૂર્તિઓ ખાસ ઉલ્લેખનીય છે.

ચિત્રગુપ્ત મંદિર જગદંબા મંદિરની ઉત્તરે પૂર્વાભિમુખ છે. આ મંદિર સૂર્યદેવને અર્પણ કરાયેલ છે. સૂર્યની મૂર્તિ બૂટ પહેરેલ છે. સૂર્યના રથને સાત અશ્વો જોડેલા છે. દ્વારસાખના ઉપરના ભાગમાં સૂર્યની મૂર્તિ છે. યુદ્ધ કરતા સૈનિકો, હાથીઓનાં ઝુંડ, ઘોડેસવારો, શિકાર, નૃત્ય તથા સંગીતવાદન વગેરેનાં ર્દશ્યો રમણીય છે. ગર્ભગૃહની દક્ષિણ બાજુએ વિષ્ણુની અલગ અવતાર દર્શાવતી અગિયાર માથાંવાળી મૂર્તિ છે.

વિશ્વનાથનું શિવમંદિર કંદરિયા મંદિરને ખૂબ મળતું છે. મંડપના સ્તંભો તથા બ્રૅકેટો અને બહારની દીવાલ ઉપર અપ્સરાઓની મૂર્તિઓ છે. બંસરીવાદન કરતી સ્ત્રી, બાળકને લાડ લડાવતી સ્ત્રી અને હાથ ઉપર પોપટ ધારણ કરેલ સ્ત્રીની મૂર્તિ તથા ભવ્ય, વિશાળકાય નંદી નોંધપાત્ર છે.

આકૃતિ 4 : પત્ર લખતી સુંદરી

વિશ્વનાથ મંદિરની નૈર્ઋત્ય દિશાએ પાર્વતી મંદિર છે. અહીં પૂર્વે વિષ્ણુની મૂર્તિ હતી. આજે તેને બદલે મગર ઉપર આરૂઢ ગંગાની પ્રતિમા છે.

લક્ષ્મણ મંદિર કંદરિયા મંદિર નજીક છે. તે વિષ્ણુને અર્પણ કરાયું છે. મંદિર 29.9 મી. લંબાઈ અને 13.8 મી. પહોળાઈ ધરાવે છે. ચોતરાની ચારે બાજુ ચાર ઉપમંદિરો છે. પ્રવેશદ્વાર તોરણ-કોતરકામ માટે જાણીતાં છે. નવ ગ્રહો બારસાખ ઉપર એક બાજુ છે. બીજી બાજુ દશાવતારની મૂર્તિ છે. ગર્ભગૃહમાં ચાર ભુજાવાળી ત્રિમુખી મૂર્તિ છે. અહીં વરાહના શિકારનું ર્દશ્ય કંડારાયેલું છે.

આકૃતિ 5 : વિશ્વનાથનું મંદિર

માતંગેશ્વર મંદિર લક્ષ્મણ મંદિરની દક્ષિણે છે. તેમાં 2.5 મી. ઊંચું અને 1.12 મી. ઘેરાવાવાળું શિવલિંગ છે.

વરાહ મંદિર માતંગેશ્વર મંદિર નજીક છે. વરાહની મૂર્તિ 2.67 મી. લાંબી અને 1.75 મી. પહોળી છે. વરાહની ડોક અને બાકીનું શરીર મનુષ્યનું છે. વરાહની મૂર્તિની ડાબી બાજુએ પૃથ્વીમાતાની ભગ્ન મૂર્તિ છે.

ખજૂરાહોનાં મંદિરો નાગર શૈલીનાં છે. કંદરિયા મહાદેવ અને લક્ષ્મણ મંદિર પંચાયતન મંદિરો છે. મુખ્ય મંદિરની ચારે ખૂણે ઉપમંદિરો છે.

1910થી અહીં જાર્ડાઇન વસ્તુ સંગ્રહાલય ઊભું કરાયું છે જેમાં 2,000 મૂર્તિઓનો સંગ્રહ છે. પ્રવાસીઓ માટે આ મંદિરો આકર્ષણરૂપ છે.

શિવપ્રસાદ રાજગોર