ખજૂરી : એકદળી વર્ગમાં આવેલા ઍરિકેસી (પામી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Phoenix dactylifera Roxb. (સં. ખર્જૂર, મ. ખજૂર, ખારિક; હિં. પિંડખજૂર, છુહારા; ભં. સોહરા; અં. ડેટ પામ) છે. તેની બીજી જાતિ P. sylvestris Roxb. (જંગલી ખજૂર) છે. તે કચ્છમાં થાય છે. ઓછા વરસાદવાળા અરબસ્તાન, ઇરાક અને ઈરાન ખજૂરના મૂળ પ્રદેશો છે. તે ઇઝરાયલ, ટાંગાનિકા, મૅક્સિકો, રશિયા, ઑસ્ટ્રેલિયા, બ્રાઝિલ, પેરુ, કોલંબિયા, કૅલિફૉર્નિયા વગેરે દેશોમાં થાય છે. ભારતમાં તેનું વાવેતર કચ્છ, પંજાબમાં અબોહર, રાજસ્થાનમાં જોધપુર, હરિયાણામાં હિસાર વગેરે સ્થળોએ થાય છે. કચ્છમાં આશરે 1,300 હૅક્ટર વિસ્તારમાં તે ઉગાડવામાં આવે છે.

ખજૂરી

તે શાખાવિહીન, દ્વિગૃહી, ખરબચડા પ્રકાંડવાળું, ઊંચું વૃક્ષ છે. પર્ણો એકપીંછાકાર સંયુક્ત, એક બિંદુએ 2-4, રેખીય, અણીદાર, જુદા જુદા સમતલોમાં અને નીચેની પર્ણિકાઓ કંટમય હોય છે. પર્ણો ટોચ ઉપર એકત્રિત થઈ પર્ણમુકુટ બનાવે છે. હોડી આકારના બદામી કે લાલાશ પડતા મોટા પૃથુપર્ણ (spathe) વડે ઢંકાયેલ સંયુક્ત માંસલશૂકી (spadir) સ્વરૂપે પુષ્પો ગોઠવાયેલાં હોય છે. ફળ અષ્ઠિલ (drupe) પ્રકારનું, નારંગી કે બદામી રંગનું, લંબચોરસ-ઉપવલયાકાર (oblong-ellipsoid). બીજ એક અને અંડાકાર હોય છે.

જાતો : અરબી ખજૂરની જાતોમાં શિહાની (પીળાશ પડતી), બિર્જા (રાતી અને રસવાળી), જાબેલી, નીડ (5.0 સેમી. લાંબું ફળ ધરાવતી સૌથી સારી જાત) તથા ખોલાસ (પીળાશ પડતી) મુખ્ય છે. ખારેક બે જાતની હોય છે  લીલી અને પીળી. ખારેકના રંગ, સ્વાદ અને આકાર પ્રમાણે આશરે 22 જાતો થાય છે. પંજાબની અગત્યની જાતો ખદ્દાવી, દિલાયી, બારઠી, મજુલ સમરાણ, હયાની વગેરે છે. કચ્છ કરતાં પંજાબની જાતો મોડી પાકે છે. હિલાવી સૌથી વહેલી પાકતી જાત છે.

આબોહવા : હિમ વગરનો ઠંડો શિયાળો, લાંબી રાત, દિવસની પૂરતી ગરમી સાથેનો ઉનાળો અને ફૂલથી ફળ પાકવા સુધી વરસાદ અને ભેજ વિનાની ગરમ આબોહવા ખાસ જરૂરી છે.

મૃદા (soil) : રેતાળથી માંડીને મધ્યમ કાળી, સારા નિતારવાળી મૃદા ઉત્તમ ગણાય છે. સામાન્ય ક્ષારવાળી મૃદામાં પણ તે ઊગી શકે છે અને પિયતમાં દરિયાનું પાણી સહન કરી શકે છે.

પ્રસર્જન : સારાં ખજૂર આપતી માદા ખજૂરીની આસપાસ વિકસતાં પીલાં (suckers) દ્વારા પ્રસર્જન થાય છે; પરંતુ પીલાં મર્યાદિત સંખ્યામાં મળતાં હોવાથી મોટા ભાગનું વાવેતર બીજમાંથી તૈયાર થયેલા રોપાઓથી થાય છે.

રોપણી : રોપાનું વાવેતર વરસાદની મોસમમાં થાય છે, જ્યારે પીલાંની રોપણી વસંતઋતુમાં કરવી અનુકૂળ રહે છે. પિયતની સગવડ હોય ત્યાં 7.5 x 7.5 મી.ના અંતરે વાવેતર કરાય છે. આ માટે હૅક્ટરદીઠ લગભગ 178 રોપા કે પીલાં જરૂરી હોય છે. બિનપિયત પાક માટે 6 x 6 મી.ના અંતરે વાવેતર થતું હોવાથી હૅક્ટરદીઠ 280 રોપાની જરૂરિયાત રહે છે.

ખાતર : સામાન્યત: છાણિયું ખાતર તેમજ લીલો પડવાસ ઘણો માફક આવે છે. પુખ્ત વયનાં વૃક્ષોને ફળદાયી રાખવા વૃક્ષદીઠ છાણિયું ખાતર 60 કિગ્રા., એમોનિયમ સલ્ફેટ 4 કિગ્રા., સુપર ફૉસ્ફેટ 5 કિગ્રા. અને મ્યુરિયેટ ઑવ્ પોટાશ 1.5-2.0 કિગ્રા. આપવાથી નાઇટ્રોજન, ફૉસ્ફોરિક ઍસિડ અને પોટાશ-તત્વ 800 ગ્રા.ના દરે મળી રહે છે. ખાતરનો અર્ધો ભાગ ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં અને બાકીનો જાન્યુઆરી–ફેબ્રુઆરીમાં આપવામાં આવે છે.

પિયત : પાક માટે શિયાળામાં 12થી 15 પિયત જરૂરી છે અને ઉનાળામાં દર અઠવાડિયે પાણી આપવું પડે છે.

પાકસંરક્ષણ : કાળા માથાવાળી ઇયળ, ગેંડાકીટક, તાડનું લાલ સૂંઢિયું, ભીંગડાંવાળી જીવાત વગેરે ખજૂરી કે ખારેકને નુકસાન કરે છે. ખારેકને પાનનાં ટપકાંનો રોગ Graphiola નામની ફૂગ દ્વારા થાય છે.

ફળોની પારવણી : ફળોનું કદ અને ગુણવત્તા સુધારવા ફળોની પારવણી કરવી જરૂરી છે. તે ત્રણ રીતે થઈ શકે છે : (i) લૂમ નીકળ્યા પછી અડધોઅડધ પર્ણિકાઓ કાઢી નાખીને, (ii) લૂમની દરેક લટારને અડધોઅડધ કાપી નાખીને અને (3) અમુક દાણાઓ કાઢી નાખીને.

લણણી : વૃક્ષને જાન્યુઆરી–ફેબ્રુઆરી માસમાં પુષ્પનિર્માણ શરૂ થાય છે. પાંચછ માસે ફળ પાકવાની શરૂઆત થાય છે. ફળ લીલાંમાંથી પીળાં કે લાલ રંગનાં થાય ત્યારે તે ઉતારવા લાયક ગણાય છે.

ઉત્પાદન : 10 વર્ષ બાદ પુખ્ત વયનું વૃક્ષ બિનપિયત ખેતી હેઠળ 40થી 50 કિગ્રા. અને પિયત હેઠળ 200 કિગ્રા. જેટલું ઉત્પાદન આપે છે.

ઉપયોગ : ખજૂર ગળ્યું, માવાદાર ફળ છે; જેમાં લગભગ 65 % જેટલી શર્કરા ગ્લુકોઝ અથવા ફ્રુક્ટોઝ તરીકે હોય છે. તે બજારમાં ત્રણ સ્વરૂપે વેચાય છે : (1) નરમ ખજૂર, (2) અર્ધસુકાયેલી ખજૂર અને (3) સૂકી ખજૂર (ખારેક). ખારેકને દૂધમાં પલાળી નરમ બનાવાય છે. ઘણી વાર તેને વાટીને ભૂકા રૂપે પણ વાપરવામાં આવે છે. ખજૂરનું શરબત ઉનાળામાં લૂનો પ્રતિકાર કરે છે. કાચાં ફળ (ખલાલ) ખાવામાં, અથાણામાં અને શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. તેનાં નર વૃક્ષ અને નકામાં માદા વૃક્ષમાંથી ‘નીરો’ મેળવાય છે. જો તેને રાખી મૂકવામાં આવે તો તેનો ખાટો સરકો બને છે. નીરામાંથી ગોળ બને છે. દળેલી ખારેક અને પાણી મેળવી ‘અરેક’ પ્રકારનું આલ્કોહૉલીય પીણું બનાવવામાં આવે છે. દળેલી અને ભૂંજેલી ખારેક કૉફીની અવેજીમાં વપરાય છે. ખજૂરના ઠળિયાનું તેલ બાળવાના ઉપયોગમાં લેવામાં આવે છે. ખારેકનાં બી ઘસીને બાળકોને પાવામાં આવે છે.

વૃક્ષના થડમાંથી ખેતી-ઉપયોગી સાધનો બને છે. તેનો ખોળ ઢોરોને ખવડાવવામાં આવે છે. તેનાં પર્ણોની સાવરણીઓ બને છે.

આયુર્વેદ અનુસાર ખજૂર વૃષ્ય, સ્વાદ શીત તથા ગુરુ છે અને અગ્નિમાંદ્ય, કૃમિ, ધાતુવૃદ્ધિ, તૃપ્તિ અને પુષ્ટિ કરનાર, હૃદ્ય, બલ્ય, દુર્જર, સ્નિગ્ધ, રસકાળ અને પાકકાળે મધુર હોય છે. તે રક્તપિત્ત, પિત્ત, દાહ, શ્વાસ, કફ, શ્રમ, ક્ષતક્ષય, વિષ, તૃષા, શોષ અને અમ્લપિત્તનો નાશ કરે છે. સુલેમાની ખારેક ભ્રાંતિ, શ્રમ, મૂર્છા, રક્તપિત્ત અને દાહનો નાશ કરે છે.

તેનો ઉપયોગ રેચ થવા માટે, મૂળવ્યાધિ ઉપર, ખરજવા ઉપર, કપાળ દુખતું હોય તે ઉપર; આમવાત, ધાતુપુષ્ટિ અને પિત્તશમન, ટાઢિયો તાવ, જીર્ણજ્વર, ધનુર્વાત, શરદીનો વિકાર અને પ્રદર ઉપર થાય છે.

જ. પુ. ભટ્ટ

મૃગેન્દ્ર વૈષ્ણવ

અંજના સુખડિયા