ક્લેશ : કષ્ટદાયકતા. ક્લેશની ઉપસ્થિતિમાં આત્મદર્શન થઈ શકે નહિ. યોગદર્શન(213) અનુસાર અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ તેમજ અભિનિવેશ આ પાંચ ક્લેશ છે. અવિદ્યા એવું પ્રાંત જ્ઞાન છે જેને લઈને અનિત્ય પણ નિત્ય માલૂમ પડે છે. અશુચિને શુચિ માનવી એ પણ અવિદ્યા છે. અનેક અપવિત્રતા અને મળમૂત્ર હોવા છતાં દેહને પવિત્ર માનવો એ પણ અવિદ્યા છે. જે વસ્તુ દુઃખદાયી છે તેને સુખદાયક સમજવી એ પણ અવિદ્યા છે. નિત્યતા, શુચિતા, સુખ અને આત્મ નામના ચાર ભ્રમોનો આશ્રય લેનારી હોઈને અવિદ્યાને ચતુષ્પદા કહી છે. બીજો ક્લેશ ‘અસ્મિતા’ છે. અસ્મિતા એટલે અંહકાર-બુદ્ધિ અને આત્માને એક જ માની લેવાં. ‘હું’ અને ‘મારું’-પણાની અનુભૂતિ જ અહિંસા છે. ત્રીજો ક્લેશ ‘રાગ’ છે. સુખ અને એનાં સાધનો પ્રત્યેનું ખેંચાણ, તૃષ્ણા કે લોભ જ ‘રાગ’ છે. કોઈના પ્રત્યે રાગ થતાં મન વિવશ થઈને અનાયાસે તેના તરફ ખેંચાય છે અને તે એ રીતે ક્લેશનું કારણ બને છે. ચોથો ક્લેશ ‘દ્વેષ’ છે. દુઃખ કે દુઃખજનક વૃત્તિઓ પ્રત્યે ક્રોધની અનુભૂતિ થાય છે એ જ દ્વેષ છે. જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને કોઈ અનુચિત કાર્યના કર્તા કે નિમિત્ત માનીએ છીએ ત્યારે દ્વેષ પ્રગટે છે. પરંતુ આ માન્યતા અવિદ્યાજન્ય છે કેમ કે આત્મા અકર્તા છે. આથી દ્વેષને વશ થવું એ અકારણ ક્લેશને આમંત્રણ આપવા સમાન છે. ‘અભિનિવેશ’ પાંચમો ક્લેશ છે. અભિનિવેશ એટલે જિજીવિષા. પ્રત્યેક વિદ્વાન કે સાધારણ વ્યક્તિની ચિરપોષિત અભિલાષા એ હોય છે કે એનો નાશ ન થાય. એ સદાય જીવિત રહે. પાંડવોને યક્ષે પૂછેલા પાંચ પ્રશ્નોમાં એક સવાલ એ પણ હતો કે આ દુનિયામાં સૌથી મોટું આશ્ચર્ય કયું છે ? અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે ‘નિત્ય પ્રાણીઓ મરી રહ્યાં છે પણ જે બચ્યાં છે તે હંમેશાં જીવિત રહેવા ચાહે છે. એનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે ?’ આ અભિનિવેશને લઈને મનુષ્ય અનંત કષ્ટો અને પીડાઓ ઉત્પન્ન કર્યા કરે છે. આ જિજીવિષાને લઈને મનુષ્ય ન્યાય-અન્યાય, કર્મ-કુકર્મ, ભલું-બુરું, ઊંચ-નીચનો વિચાર કરતો નથી અને નવા નવા ક્લેશોથી બંધાતો જાય છે. યોગશાસ્ત્રમાં આ બધા ક્લેશોનો ક્ષય આવશ્યક ગણ્યો છે. જ્યાં સુધી એનું શમન ન થાય ત્યાં સુધી કૈવલ્ય પ્રાપ્તિ કઠિન છે. ક્રિયાયોગની સહાયતાથી યોગી આ ક્લેશોને ક્ષીણ કરે છે અને અંતે એનો નાશ કરીને પરમાર્થને સિદ્ધ કરી લે છે.
પ્રવીણચંદ્ર પરીખ