ક્લેમેન્શો (જ. 28 સપ્ટેમ્બર 1841, ફ્રાન્સ; અ. 24 નવેમ્બર 1929, પૅરિસ) : પહેલા વિશ્વયુદ્ધના સમયમાં ફ્રાન્સના શક્તિશાળી રાજકીય નેતા અને વડાપ્રધાન. તેઓ વ્યવસાયે ડૉક્ટર, સારા પત્રકાર અને લેખક પણ હતા; પરંતુ રાજકારણ પ્રત્યે તેમને શરૂઆતથી જ આકર્ષણ હતું. તેઓ પ્રજાસત્તાકવાદી હતા. 1871માં તેઓ પ્રજાસત્તાક ફ્રાન્સની પ્રથમ ધારાસભામાં ચૂંટાયા. તે પછી સતત 20 વર્ષ સુધી દરેક ચૂંટણીમાં સફળ રહ્યા. 1886થી 1909 સુધી તેઓ વડાપ્રધાનપદે રહ્યા હતા. પ્રથમ

ક્લેમેન્શો

વિશ્વયુદ્ધના કટોકટીના સમયે તેમને 1917થી 1920 સુધી ફરીથી વડાપ્રધાન તથા યુદ્ધપ્રધાનની બેવડી જવાબદારી સોંપાઈ, જે તેમણે હિંમત, ધીરજ અને લોખંડી નિર્ધારથી પાર પાડી. તે સમયે તેમની ઉંમર 76 વર્ષની હતી, પરંતુ તેમનાં જોમ અને ઉત્સાહ યુવાનને શરમાવે તેવાં હતાં.

1918માં પ્રથમ વિશ્વયુદ્ધના અંત પછી જર્મની અને અન્ય પરાજિત રાજ્યો સાથેની સંધિ વિશે વિચારણા કરવા પૅરિસમાં મળેલા મિત્રરાષ્ટ્રોના સંમેલનના પ્રમુખપદે ક્લેમેન્શોની વરણી કરવામાં આવી હતી. આ સંમેલનમાં ક્લેમેન્શોની મુત્સદ્દીગીરીને કારણે ફ્રાન્સના હિતમાં ઘણા નિર્ણયો લેવાયા હતા. 1920માં ફ્રાન્સના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમનો પરાજય થતાં તેમણે વડાપ્રધાનપદેથી રાજીનામું આપ્યું તથા સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી. આ મહાન દેશભક્ત રાજપુરુષને પ્રથમ વિશ્વયુદ્ધ વખતના ‘ફ્રાન્સના તારણહાર’ તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે. તેઓ ‘ધ ટાઇગર ઑવ્ ફ્રાન્સ’ તરીકે જાણીતા હતા.

દેવેન્દ્ર ભટ્ટ